રેતી


(હળવાશ…                                 …મનોર, મહારાષ્ટ્ર, ૦૩-૦૩-૨૦૦૭)

*

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

ગયા તારા સ્પર્શોના ઊંટો પછીથી,
હથેળીથી દિલમાં ગરી જાય રેતી.

ન રણ, આ છે કણ-કણ ઝૂરાપો, કહું પણ
મળે તું ત્યાં પગથી ખસી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
શીશીમાંથી ખાલી ખરી જાય રેતી.

-વિવેક મનહર ટેલર

( આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. એ વખતે ગઝલમાં ઘણી જગ્યાએ કાફિયાદોષ રહી ગયો હતો અને ક્યાંક છંદદોષ પણ હતો. આજે મારી ક્ષમતા મુજબ સુધારા કરીને આ ગઝલ પુન:પ્રકાશિત કરી રહ્યો છું.)

10 thoughts on “રેતી

 1. પ્રીય ડૉક્ટર !

  તમને કવી કહેવાને બદલે આ સંબોધનથી હું કદાચ વીરોધાભાસ દ્વારા તમને વધુ અસરકારક રીતે પામતો હઈશ; સાહીત્યમાં આ પણ એક રીતે છે,તીવ્રતા લાવવાની.

  ‘રેતી’માં કેટલુંક સરી જતું જણાયું તેથી આજે લખું છું:
  1] મરમ શેર સરસ. 2] “સંબંધો છ (છે પાસે તીવ્ર ગુરુ ભારે પડે છે) કાંઠાની માટી સમા સૌ” એમ ચાલે? તમારી પંક્તી તો છેથી શરુ થાય છે જે પ્રથમ જ લઘુને ભારે પડે છે. ( આખી ગઝલમાં પ્રથમ લઘુ તપાસજો)….ઊંડે ભેજમાય ઊં લઘુ જ જોઈએ.
  ઉપરાંત બની જાય રેતીને બદલે કરી જાય કે ભરી જાય ચાલે? અર્થ મને પુરો સમજાયો નથી તેથી પુછ્યું.
  3] ગયા તારા સ્પર્શોના માં ‘રા’ પોતે જ ખોટી જગ્યાએ અને ભારે ગુરુ તો હતો જ એમાં પાછો સ્પર્શના સ્પનો થડકારો લાગવાથી ‘રા’ બહુ જ ભારે પડે છે; મારે હીસાબે એ લઘુનું જ સ્થાન જણાય છે.
  4]પગ તળેથી રેતી ખસી જવી એ શબ્દપ્રયોગ ઉલટો અર્થ આપે છે.’તારા મળવાથી,હું જેને ઝુરાપો કહેતો હતો તે હવે નથી રહ્યો’ એમ જો કહેવાનું હોય તો પેલો શબ્દપ્રયોગ ઉલટો અર્થ તો નથી આપતો ને ? હું સો ટકા નીશ્ચીત નથી-તપાસજો.
  તમને માણતો જ રહું છું. મેં તો સુરેશભાઈને કહ્યું છે કે સર્જનની વર્કશોપ તમારા નેતૃત્વ નીચે રાખે.બધાં જે રીતે ગઝલને ધબધબાવે છે તેથી આમ વીચાર આવ્યો.

  એક વાત ખાસ : આટલા મહીનાઓમાં મેં ભાગ્યે જ કોઈની જોડણી સાચી જોઈ છે. હું તો ઈચ્છું કે એનીય કાર્યવાહી કરવી રહી. અમે તો આ ઉંઝાને અપનાવી છે ને સહીષ્ણુતાથી સૌની ભુલોને જોયા કરીએ છીએ. બીજા ભલે ભુલો કરે અમે તો એને એટલી સરળ ( શાસ્ત્રીય તો એ છે જ) બનાવી દીધી કે ભુલોની શક્યતા 90 ટકા ઘટી જાય. તમને આજે આ લખવા પાછળનો હેતુ ફક્ત એટલો જ કે મારી આ ઉંઝામાંની લખાવટને ક્ષમ્ય ને સહ્ય ગણો તેવી વીનતી. હું બીજાઓ માટે એનો આગ્રહી નથી; ફક્ત મારાં લખાણોને તમે ચલાવી લો-બસ. છતાં મને જણાવજો. હું એટલોય હીંસક થવા માગતો નથી.જેમને ન ગમે તેમની સાથે ઉં.ને પ્રયોજતો નથી.જુ.

 2. પ્રિય જુગલભાઈ,

  આપની તલસ્પર્શી તપાસ દિલને સ્પર્શી ગઈ. ગઝલના છંદ ગુજરાતી છંદોથી થોડા જુદા પડે છે. સૌથી પહેલો તફાવત તો એ છે કે એ માત્રામેળ છંદ છે. અને જ્યાં જ્યાં આપને છંદ કઠ્યો છે, ત્યાં ત્યાં મારી જુબાની અન્ય વાચકમિત્રોના લાભાર્થે આપવી જરૂરી લાગી એટલે આ સ્પષ્ટતા કરી રહ્યો છું.

  છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
  ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

  -અહીં ‘છે’ શબ્દ ગુરૂ ખરો પણ એ એકાક્ષરી ગુરૂ હોવાના કારણે એને લઘુ તરીકે પ્રયોજી શકાય. આજ રીતે ‘હું’, ‘તું’, ‘તે’, ‘તો’, ‘જ્યાં’, ‘ત્યાં’, ‘છો’. ‘મેં’, ‘તેં’ જેવા તમામ એકાક્ષરી ગુરૂને લઘુ તરીકે નિયમાનુસાર વાપરી શકાય. જ્યારે ‘સંબંધ’ શબ્દમાં ‘સમ્’ એ જોડાક્ષર હોવાના કારણે પોતે ગુરૂ અક્ષર છે. ઘણા ગઝલકારો જોકે એને લઘુ તરીકે વાપરે છે પણ એ છૂટ કેટલા અંશે સાચી છે એની મને જાણ નથી.

  સાની મિસરામાં ‘ઉડે’ શબ્દ છે, ‘ઊંડે’ નહીં. કાંઠાની માટી ભીની હોય ત્યાં સુધી જ બંધાયેલી હોય છે, એમાંથી ભેજ ઉડી જાય તો એ રેતી બની જાય છે. એટલે ‘કરી જાય’ કે ‘બની જાય’ શબ્દ-પ્રયોગ મારી દ્રષ્ટિએ અસ્વીકાર્ય છે.

  ગયા તારા સ્પર્શોના ઊંટો પછીથી,
  હથેળીથી દિલમાં ગરી જાય રેતી.
  -અહીં ‘તારા’ શબ્દમાં ‘રા’ને લઘુ તરીકે પ્રયોજ્યો છે અને નિયમાનુસાર એમાં કશું ખોટું નથી. જેમ એકાક્ષરી ગુરૂને લઘુ તરીકે લઈ શકાય એજ પ્રમાણે શબ્દાંતે આવતા બધા ગુરૂને લઘુ તરીકે લઈ શકાય. ‘તારો’, ‘આરો’, ક્યાંનો’, ‘આવો’, ‘કિનારો’, ‘સ્પર્શો’, ‘નકામો’, ‘દિલાસો’, ‘ખાલી’, ‘પોતાના’ – આ તમામ શબ્દોમાં શબ્દાંતે આવતા ગુરૂ અક્ષરને જરૂર મુજબ લઘુ તરીકે પણ લઈ જ શકાય. ‘સ્પર્શો’માં આવતા ‘સ્પ’ને ગઝલની પરિભાષામાં જોડાક્ષર તરીકે નહીં પણ એકાક્ષરી લઘુ તરીકે જ આલેખવામાં આવે છે. એટલે એનો થડકારો આગળના અક્ષરે ઊઠાવવાનો રહેતો નથી. ‘સ્વજન’, ‘સ્મરણ’ જેવા તમામ શબ્દોમાં પ્રથમ જોડાક્ષરને લઘુ તરીકે જ વાપરવામાં આવે છે.

  ન રણ, આ છે કણ-કણ ઝૂરાપો, કહું પણ
  મળે તું ત્યાં પગથી ખસી જાય રેતી.
  – આ શેર ઉપર કદાચ હજી મારે થોડું કોતરકામ કરવાનું બાકી રહી ગયું છે. મારે જે કહેવું છે તે એ છે કે આ રણ નથી, આ તો મારો ઝૂરાપો છે. આ રેતીના કણ-કણ એ મારો વિરહ છે અને હું તને એ ઝૂરાપો, એ વિરહ, એ રણભરેલી તડપ બતાવવા ઈચ્છું છું, પણ જ્યાં તું સામે આવે છે કે પગ તળેથી રેતી જ ખસી જાય છે અને હું કંઈ કહી શક્તો નથી. મને લાગે છે કે અહીં મારું કવિકર્મ કદાચ સૌથી નબળું થયું છે.

  અને છેલ્લે… જોડણીની ભૂલ ન થાય એ માટે હું પ્રયત્નશીલ રહું છું છતાં ક્યાંક કોઈક ભૂલ થતી હોય તો
  જરૂર મારો કાન પકડજો. જ્યાં સુધી ઉંઝા જોડણીની વાત છે, હું મારી અગાઉ પ્રકાશિત ગઝલનો એક નહીં કહેલો શેર કહીશ:

  બધાને દીર્ઘ ‘ઈ’ ને હ્રસ્વ ‘ઉ’માં ફેરવી ઊંઝો,
  ટકે શેર જ કરે સૌને રચો એ વ્યાકરણ ઘરનું.

  -પરંતુ જેમ હું પરંપરાગત જોડણીને વળગી રહું છું એ જ પ્રમાણે આપ ઉંઝા જોડણીમાં વાત કરો એ સામે મને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ વાંધો નથી. ગઝલના છંદોની નિશાળમાં હું પોતે હજી નવો નિશાળિયો છું. આ ગઝલ રઈશ મનીઆર પાસે પણ ફરી એકવાર ચકાસાવી લઈશ…

  કાલે ઊઠીને અગર હું આ સાહિત્યજગતમાં મારું નિશાન બનાવવામાં સફળ થઈ શકીશ તો મારી સફળતાના પાયામાં એક પથ્થર આપના નામનો હશે એ હું નહીં ભૂલું… આભાર !

 3. મને જુગલભાઇની એક વાત બહુ જ ગમી. સર્જન સહીયારું માં વાચકોનો રસ જોઇ, જો તમે બન્ને અભ્યાસી રીતે પહેલા બે કે ત્રણ ક્રમાંક આપો તો ભાગ લેનારાઓને બહુ ઉપયોગી થશે.

 4. જુગલકાકા, વિવેકભાઈ તમારો ખુબખુબ આભાર! વિવેકભાઈ જો હજુ પોતાને નવો નિશાળિયો કહેતા હોય તો મારે કહેવું છે કે મારા જેવા પિંગળશાસ્ત્રની નર્સરીમાં (કે પ્લે ગ્રુપમાં??)દાખલ થયેલાઓ માટે તો આ ઉપનિશદ જેવી ચર્ચા છે. વિવેકભાઈ, માત્રામેળ છંદો વિશે વધુ માહિતી ક્યાંથી મળે? ગઝલના છંદમાં લઘુ-ગુરુ ની વ્યાખ્યા ક્યાં શીખવા મળે?

 5. મઝાની વાત થઈ ને !
  આપણે હજી એક લેસન બાદ, અર્થાત આવતે અઠવાડિયે માત્રામેળ છંદ શરુ કરવાના છીએ. એ પહેલાં વિવેકભાઈની આ ગઝલને મળતો આપણો જાણીતો છંદ યાદ દેવડાવું. તેનું નામ ભુજંગી છે. પુરી એક અંધેરી ને ગંડુ રાજા
  ટકે શેર ભાજી ટકે શેર ખાજા ! આ કાવ્ય ભુજંગીમાં છે. ગઝલમાં બે પંક્તિ હોય છે જ્યારે કાવ્યમાં ચાર પંક્તિનો એક શ્લોક થાય છે. પણ ભુજંગીનું બંધારણ લગાગા, લગાગા, લગાગા, લગાગા છે જે વિવેકભાઈની ગઝલનું પણ જણાય છે.
  વાત છે લઘુ-ગુરુની. તો છંદમાં મેં આગળના લેખમાં જણાવ્યા મુજબ ત્રણ જગ્યાએ લઘુને ગુરુ બનાવવાની છૂટ છે પણ ગુરુને લઘુ તરીકે ગણાવવાની છૂટ પિંગળ આપતું નથી. હ્રસ્વ ઇ; હ્રસ્વ ઉને તથા કોમળ અનુસ્વારને લઘુ અને ગુરુ તરીકે પ્રયોજવાની છૂટ છે, પણ આ,ઈ,ઊ,એ,ઐ,ઓ,ઔ અને તીવ્ર અનુસ્વાર અં ને કોઈ કાળેય લઘુ થવાની છૂટ નથી. બાકી કવિ માટે તો “નિરંકુશા: કવય |” કહીને બહુ જ છૂટછાટ આપી દીધી જ છે. આ વખતના જ લેખમાં આવતી કાલે જોજો કેટકેટલી છૂટ ઉમાશંકર અને સુંદરમે લીધી છે !! આપણા મિત્રોની ભૂલ કાઢવાની હિંમત જ ન ચાલે ! તમે જે આકારાંતની છૂટ મળે તેમ કહો છો તેની મને નવાઈ છે; તમે દર્શાવેલા બધા જ તીવ્ર ગુરુઓ છે.એને લઘુતા કઈ રીતે મળે? હું જોકે ગઝલમાં સાવ અભ્યાસુ જ છું.હુંય તપાસીશ.
  એક અક્ષરી હોય કે અક્ષરની છેવાડેનો હોય પણ છંદમાં એને લઘુતા આપવાનો અધિકાર નથી જ,ગઝલનું જાણવું પડશે.
  ગઝલને અને માત્રામેળ છંદોને મળતાપણું છે તે વાત સાચી પરંતુ માત્રામેળમાંય નિયમ એવો છે કે એક ગુરુની જગ્યાએ બે લઘુ અથવા બે લઘુની જગ્યાએ એક ગુરુ ચાલે એટલું જ.પરંતુ એક લઘુ આવતો હોય ત્યાં કદી કરતાં કદી એક ગુરુ ચાલી જ ન શકે. ગઝલમાં એવું જો કાયદેસર ગણાતું હોય તો ગઝલને માત્રા સાથે કે સંધિઓનાં આવર્તન સાથે છંદની જેમ કોઈ લેવાદેવા જ નથી એમ સાબિત થાય !
  ઊંડેને બદલે ઉડે એમ છે તો પછી કાંઈ કહેવાનું રહેતું નથી.
  પણ એ શેરને ‘હવે’ તમારો ‘નબળો’ શેર ન કહેશો ! મને ‘હવે’ એની ‘મઝા’ દેખાઈ ગઈ છે ! જુઓ : ” એ મારો ઝુરાપો છે, ને હું તને એ બતાવવા માગું છું; પરંતુ કેવી છે આ સ્થિતિ કે તને બતાવવાનો ચાંસ આવે છે ત્યારે તારી ઉપસ્થિતિ જ મારી હવા કાઢી નાખે છે કારણ કે તને બતાવવા માટે ય તારી ઉપસ્થિતિ જોઈએ જ; અને તારી ઉપસ્થિતિ જ જે વસ્તુ તને બતાવવી છે એને જ અર્થાત્ ઝુરાપા ઝુદને જ હટાવી દે છે!! હવે તને શું બતાવું ?! તું આવી એટલે જ ઝુરાપો તો ગયો !” ( એટલે સમજ્યા, કવિ ? પ્રિયતમાએ તો એને ક્યાંયનો ન રહેવા દીધો!!! પગ તળેથી રેતી શું ભલા. ધરતી જ ખસી જવા જેવી વાત થઈ !

  મિત્રો હું એટલે જ વારંવાર કહું છું કે કનુભાઈએ જે દુહાઓ મુક્યા છે તેમાં રહેલી કવિતાને જાંચો ! કાગડાને ઉડાડવાવાળા દુહાની વાત તો વિષ્વસ્તરના સાહિત્યમાં મૂકી શકાય એવી છે ! મારી વિનંતિ સૌને કે એ દુહાનો અભ્યાસ કરો. આપણને સૌને નવકવિઓ ને તો એ ટૉનિકથીય અદકેરું છે. 1000વર્ષ પહેલાંની કવિતાથી આપણે કેટલા દુર ?!!
  જોડણીની ચર્ચા કેવળ જે લોકો ભાષાવિજ્ઞાનીઓ હોય તેમની સાથે જ હોય. એ અહીં અપ્રસુત અને વ્યયની બાબત ગણાય. તમારો દૃષ્ટિકોણ સારો છે.હું પણ બધે એનો આગ્રહ રાખતો નથી.ભાષાવિજ્ઞાનીઓ કહેશે તો અને ત્યારે જ એને લઈશું. એને અછૂત કે અંડરએસ્ટિમેટ કહેવા જેવી એ વાત નથી.
  તમારા સૌનો

 6. આ ચર્ચા મારે માટે પણ ખાસ્સી લાભદાયી બનતી જણાય છે. પણ જુગલભાઈ, ગઝલનું છંદશાસ્ત્ર અને ગુજરાતી-સંસ્કૃત કવિતાનું પિંગળશાસ્ત્ર- આ બંનેના નિયમો નોખા છે. ગઝલના છંદો ઠેઠ ફારસી-અરબી-ઉર્દૂ ભાષામાંથી ઉતરી આવેલા છે. જે છંદની છૂટોની મેં વાત કરી એ તમામ ગઝલના ‘અરુઝ-શાસ્ત્ર’માં લખેલી હકીકત છે, યાદદાસ્તના આધારે રજૂ કરેલું મારું અલ્પજ્ઞાન નથી.

  ગઝલના અભ્યાસુમિત્રોને હું નીચેના પુસ્તકોની ભલામણ કરીશ:

  ગઝલ : રંગ અને રૂપ – રઈશ મનીઆર (ટૂંક સમયમાં નેટ પર ઉપલબ્ધ થવાની તૈયારીમાં).

  અરૂઝ – શૂન્ય પાલનપુરી

  ગઝલનું છંદશાસ્ત્ર : જમિયત પંડ્યા

  પદ્યશાસ્ત્ર: નઝર ગફુરી

 7. હેમંત, તું તો નર્સરી કે પ્લે-ગ્રુપમાં પણ છે… પણ હું તો હજી દાખલો લેવા માટેની લાઇનમાં જ ઊભી છું.

  આ ચર્ચાથી તો ઘણું જાણવાનું પણ મળે છે અને અડધું તો અત્યારે મારા જેવા અડધિયાની ઉપરથી જ જાય છે… એટલે તો આને એક ફાઇલમાં સાચવીને રાખીશ દઇશ… અને પછી વારંવાર અભ્યાસ કરીશ, તો થોડું થોડું તો નીચે આવશે ને?!!! 🙂

  તમે બંને, ગુરુ-મિત્ર અને ગુરુ-કાકા, સહિયારું સર્જન પર જ્યારે કોઇ વિષય પર લખાયેલી બધી પોસ્ટનું સંકલિત બહાર પડે ત્યારે એનું થોડું વિવેચન કરી શકો??? એમાંથી ઘણું શીખવાનું મળશે… તમે બંને જો સંમતિ આપો તો ‘વિવેચકો’ તરીકે સહિયારું સર્જન પર ‘નિમણુક’ કરું???

 8. હુ ઉર્મી સાથે સહમત છુ
  થોડાક શબ્દો અને થોડીક લાગણીઓ, અને થોડીક જાણકારી, ને થોડાક નીયમો બધુ ભેગુ કરીને કઈક રચી તો દેવાય છે પણ વ્યાકરણ સાથે એનો કોઈ મેળ નથી બેસતો, , , ,
  આપ વડીલ મિત્રો આ ટયુશનની ની શરુઆત એક ડ એક થી કરો તો અમારો જેવા સીનીયર જુનીયર કે જી ના વિધ્યાર્થીઓને સારો લાભ મળી શકે.
  જેમ સમાચારપત્રમા કોઈ એક કોલમ આવતી હોય છે એમ જ કોઈ એક આવુ ઠેકાણુ આપ લોકો આપી શકો જયા અમારા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ મળી શકે

 9. બંધ દરવાજા ધવાયા…!!!

  સાંભળ્યા બંધ દરવાજે, દિલ પર ટકોરા ને ધડકતાં દિલ પર જોયા બંધ દરવાજા
  હ્રદયના વાલ્વમાં મોટા થયા કાંણા, ને રૂધિરની નસોના રહ્યા બસ ઝીણાં કાંણા
  ભડકે બળતા હ્રદયના મંદ ધબકારા, પડતા અશ્રુમાં તો થરથર્યા અર્ધ પલકારા
  ગોવાળોના ન રહ્યા ક્યાંય બચકારા, ગયા ગીતો શૌર્યના- રહ્યા જીભના જ લબકારા
  ઘડપણે તમારા, અવાજ ના સંભળાયાં, ઝામરની આંખે તો તમે ય ના દેખાયાં
  લાગણીના પુરમાં જઈ અમે શું તણાંયા, ઝાંઝરના રણકારમાં તમે જઈ છુપાયાં?
  સમી સાંજે ક્યાંક તમે સતાવ્યા, વાંસળીના નાદે બસ અમે તો ધવાયા…
  -રેખા શુક્લ(શિકાગો)

  Really lovely poem of your’s and my little try…na karavaanu karave aa lagani khub satave…!!

Comments are closed.