રે રે દગાબાજ!

રે રે દગાબાજ!
ભાગ્યમાં શું આપણ બેનાં લખ્યું’તું બસ આ જ ?

ભરતી-ઓટ તો આવત-જાવત; સૂકાય શું રત્નાકર?
સકળ લોક આપણને કહેતું યાવચ્ચંદ્રદિવાકર,
યુતિ એવી હતી કે જાણે જળ-માટી, દૂધ-સાકર,

શ્વાસશ્વાસ સહેવાસે રહ્યાં બાજત ઝાંઝપખાજ;
પછી થયું શું, રાજ?

પ્રસરે જગમાં તોય ન ખુશબૂ ત્યજે ફૂલનો સાથ,
વધઘટ તોયે ધોઈ ન નાંખે છાંઈ પિંડથી હાથ;
જનમ જનમનો ગણ્યો શું નહોતો આપણે આ સંગાથ?

અધવચ આમ ઓચિંતો શાને બદલાયો મિજાજ?
રહ્યો ન કોઈ ઈલાજ?

કિયા ખૂણામાં, કિયા કારણે લાગ્યો આખર લૂણો?
કઈ જગાએ, કહો ને સાજણ! હું ઊતર્યો છું ઊણો?
ક્યાં છે એ હૈયાનો હિસ્સો સદા જે રહેતો કૂણો?

‘ના’ ‘ના’ કહેતો ઊઠ્યો જ નહીં શું ભીતરથી અવાજ?
લગીર ન લાગી લાજ?

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૭-૨૦૨૫)

20 thoughts on “રે રે દગાબાજ!

  1. છેહ કરીને નાતો તોડીને જઈ રહેલા પ્રિયપાત્ર ને ઉદ્દેશીને કહેવાયેલું એક સરસ કરુણ ગીત!
    પરંપરીત ઢાંચા થી કૈંક અલગ રીતે લખાયેલું.
    પેટા ધ્રુવ પંક્તિ માં પણ પેટા પંક્તિ.પણ અનુબંધ જાળવતી…!

    સારું ગીત.
    અભિનંદન.ધન્યવાદ..

  2. ના’ ‘ના’ કહેતો ઊઠ્યો જ નહીં શું ભીતરથી અવાજ?
    લગીર ન લાગી લાજ? 👌🏻
    – વિવેક મનહર ટેલર –
    (૦૯-૦૭-૨૦૨૫)

Leave a Reply to ingit modi Cancel reply

Your email address will not be published. Required fields are marked *