અવઢવને ગામ

કેરાલા, 2024

તમે જઈ વસ્યાં અવઢવને ગામ,
મળવું પણ હોય તો કઈ રીતે, કહો ને! મારો નિશ્ચેના મહેલમાં મુકામ.

તમે ‘જો’ અને ‘તો’ની નાજુકડી દોર પર પળ-પળ ઝૂલંતા બજાણિયા,
અમે ‘જે છે તે આ છે’ની નક્કર જમીન પર હોવાના અશ્વો પલાણિયા;
તમે ભૂશિરના વાસી,
અમે સમથળનિવાસી
પછી કઈ રીતે પાર પડે કામ?

તમે બીજાએ સ્થાપેલા આંકાથી હૈયાના ભાવોને માપો ને કાપો,
અમે મનડાની મોજના હલ્લેસે હલ્લેસે હાંકીએ જીવનનો તરાપો;
તમે દુનિયાના બંદી
અમે બંદા સ્વચ્છંદી
કહો, કઈ રીતે એક થશે નામ?

તમે એકદા તો દલડાની કેડી પર મનગમતું પગલું માંડો ને, ભલે એક,
પછી ‘લોકો શું કહેશે’નો બીજા ડગલે થાય ઇચ્છા તો કરજો વિવેક;
સૌ બંધન છોડી-છાંડી
એક શ્વાસ આઝાદી
માણો, હું આપનો ગુલામ…

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૬-૨૦૨૫)

(અવઢવનું ગામ…… …બેકવૉટર્સ, પુવાર, કેરાલા, 2024)

16 thoughts on “અવઢવને ગામ

  1. તમારેી કવિતા વાંચેીને હવે તો અવઢવનુ ગામ પણ ગમવા લાગ્યુ. ખુબ ખુબ સરસ વરણન ડો. સાહેબ્.

  2. તારી અવઢવની વાત વાંચીને એમ કહી શકાય કે વાહ અદ્ભુત! અને આ બિલકુલ અવઢવ વગર કહી શકાય એવું છે 🫡👋

Leave a Reply to Rachna Prashant Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *