ગયા વખતે અછાંદસત્રયીમાંથી આપણે પ્રથમ અછાંદસ કાવ્ય માણ્યું… આજે એ ગુચ્છમાંથી બીજું અછાંદસ… ત્રણેયને એક જ સળંગ કાવ્યના ત્રણ ભાગ તરીકે પણ માણી શકાશે અને સ્વતંત્રપણે પણ…. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે…
લાશોના ગામમાં સૌએ મને સરપંચ બનાવી દીધો.
આમ ધોળે દહાડે
નિર્હેતુકતાની ખીણમાં કૂદનાર કદાચ હું પહેલવહેલો હતો એથી.
તો પછી બીજી બધી લાશો ક્યાંથી આવી હતી એ સવાલ મને થયો,
પણ એનો કોઈ જવાબ મળે એમ નહોતું.
મડદાં કંઈ ઉત્તર દે?
કાંડી દઈ સળગાવી દીધેલા શ્વાસોની રાખ
હજીય કગાર પરથી ધીમે ધીમે નીચે ખરી રહી હતી.
થોડા દિવસોમાં જ મેં જોયું
કે ચારેતરફથી
રોજેરોજ
પળેપળ
વધુને વધુ લાશો આવી રહી હતી.
ગામની વસ્તી તો દિન દૂની રાત ચોગુની વધી રહી હતી.
પણ મને જપ નહોતો વળતો.
રહી રહીને મારું ધ્યાન
જ્યાંથી હું કૂદ્યો હતો
એ મથાળાની ભેખડ તરફ જયા કરતું હતું.
ડાંગે માર્યા પાણી જેવો સંબંધ
કેમ કરતોકને બટકી ગયો એ સમજાતું નહોતું.
આમ તો લાશોના ગામમાં હુંય એક લાશ જ હતો,
પણ હું એક વિચારતી લાશ હતો.
બીજી લાશો પણ મારી જેમ વિચારી શકતી હશે કે કેમ એ હું જાણતો નથી.
પણ મને સતત એમ થયા કરતું હતું
કે કૂદકો ન માર્યો હોત તો સારું થાત.
તડજોડ ચલાવી લેવા જેવું હતું.
આત્મહત્યા કરી લીધા પછીની આ પરિસ્થિતિ કરતાં તો
એ બહેતર જ હોત.
કદાચ.
પણ આ તો હું નથી ખીણમાં સરખો જીવી શકતો,
નથી જ્યાંથી આવ્યો હતો ત્યાં ફરી જઈ શકાતું.
આમ અધવચ્ચે ક્યાં સુધી લટકતો રહીશ?
– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫-૨૦૨૪)
ઓહો…
માર્મીક ને મનોવૈજ્ઞાનિક.
જિંદગી ના આમ પણ અંત થતા હશે ને એના કેટલાયે વણ ખેડાયેલા પોપડા જમીન માં ધરબાયેલા પડ્યા હશે….
@ Anonymous
ખૂબ ખૂબ આભાર્..
સરસ રચના !
‘પણ આમ તો હું નથી ખીણમાં સરખો જીવી શકતો
નથી જ્યાંથી આવ્યો હતો ત્યાં ફરી જઈ શકાતું
આમ અધવચ્ચે ક્યાં સુધી લટકતો. રહીશ !
ત્રિશંકુની મથામણ !
@ ધૃતિ મોદીઃ
ખૂબ ખૂબ આભાર્…
Pingback: અછાંદસત્રયી : ૦૩. ત્વચા | શબ્દો છે શ્વાસ મારા