પાઘડીપને હું…

IMG_7169

*

પ્રતિકાર, વિઘ્ન, બંધન, અગણિત નિયમ અને હું,
આ સમયનો છે તકાજો – ન મળી શકું તને હું.

છું હું આયનાની સામે અને આયનો છે ખાલી,
કહે, તું ન હો જો સાથે, મળું શી રીતે મને હું?

તને શોધવાને માટે હું ‘અહીં‘ ત્યજી ગયો છું,
તો પછી કહે, શી રીતે જડું ખુદને આયને હું?

નથી દોરડું, ન ગાગર, તું નસીબ તો જો, વહાલી!
છે તરસ યુગોયુગોની ને ઊભો કૂવા કને હું.

તું દિવસ છે, રાત છું હું, થશે સંધિકાળ ક્યારેય?
તું સરે-સરે સરે છે, ફરું છું વને-વને હું.

નદી બેય કાંઠે થઈ છે, ને અમાસ મેઘલી છે,
હું કૂદી પડ્યો તો છું પણ શું મળી શકીશ તને હું?

તું ન હો તો હાલ મારા, હતા, છે ને આ જ રહેશે-
છે અનંત પટ જીવનનો અને પાઘડીપને હું.

જીવતરનો જામ મારા તું નથી તો રિક્ત રહેશે,
મળે લાખ છો વિકલ્પો, ન ભરીશ અભાવને હું.

સદીઓ ભલે ને વીતે, ભલે રાફડાઓ ઊગે,
તું ‘મરા’‘મરા’ છે મારી, અને વાલિયાસને હું

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૭/૧૭-૦૮-૨૦૨૧)

20 thoughts on “પાઘડીપને હું…

  1. વાહ વાહ ડૉ. વિવેક. ખુબ સુંદર. ગઝલના છંદ વિષે તો હું જાણતો નથી. પણ મને એક શેર ગમી ગયો છે, તેનો રાજીપો.
    છું હું આયનાની સામે અને આયનો છે ખાલી,
    કહે, તું ન હો જો સાથે, મળું શી રીતે મને હું?
    બહુ સુંદર કલ્પના. આભાર અને અભિનંદન.

  2. વાહ.. સરસ ગઝલ..સરસ ગઝલ-પાઠ..!!
    આ ગઝલની બહર જણાવવા વિનંતી..

  3. તું સરે સરે સરે છે …
    ત્રણ સરે શબ્દ નો શું સુંદર વિનિયોગ સાહેબ!👌💐

  4. સદીઓ ભલે ને વીતે, ભલે રાફડાઓ ઊગે,
    તું ‘મરા’‘મરા’ છે મારી, અને વાલિયાસને હું

    – વિવેક મનહર ટેલર – Waah re Aasan !

    😊

  5. તું ‘મરા’‘મરા’ છે મારી, અને વાલિયાસને હું

    વાહ્ વિવેકભાઇ

Leave a Reply to Pragna Vashi Cancel reply

Your email address will not be published. Required fields are marked *