
કેરાલા, 2024
તમે જઈ વસ્યાં અવઢવને ગામ,
મળવું પણ હોય તો કઈ રીતે, કહો ને! મારો નિશ્ચેના મહેલમાં મુકામ.
તમે ‘જો’ અને ‘તો’ની નાજુકડી દોર પર પળ-પળ ઝૂલંતા બજાણિયા,
અમે ‘જે છે તે આ છે’ની નક્કર જમીન પર હોવાના અશ્વો પલાણિયા;
તમે ભૂશિરના વાસી,
અમે સમથળનિવાસી
પછી કઈ રીતે પાર પડે કામ?
તમે બીજાએ સ્થાપેલા આંકાથી હૈયાના ભાવોને માપો ને કાપો,
અમે મનડાની મોજના હલ્લેસે હલ્લેસે હાંકીએ જીવનનો તરાપો;
તમે દુનિયાના બંદી
અમે બંદા સ્વચ્છંદી
કહો, કઈ રીતે એક થશે નામ?
તમે એકદા તો દલડાની કેડી પર મનગમતું પગલું માંડો ને, ભલે એક,
પછી ‘લોકો શું કહેશે’નો બીજા ડગલે થાય ઇચ્છા તો કરજો વિવેક;
સૌ બંધન છોડી-છાંડી
એક શ્વાસ આઝાદી
માણો, હું આપનો ગુલામ…
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૬-૨૦૨૫)

(અવઢવનું ગામ…… …બેકવૉટર્સ, પુવાર, કેરાલા, 2024)
વાહ, સરસ મજાનું ગીત
@રેણુકા દવે:
ખૂબ ખૂબ આભાર
વાહ, સરસ.
@નેહલ:
ખૂબ ખૂબ આભાર
તમારેી કવિતા વાંચેીને હવે તો અવઢવનુ ગામ પણ ગમવા લાગ્યુ. ખુબ ખુબ સરસ વરણન ડો. સાહેબ્.
@પુષ્કર રાઠોડ:
સ-રસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
Saras geet..
@rachna shah
ખૂબ ખૂબ આભાર
તમે દુનિયા નાં બંદી
અમે બંદા સ્વચ્છન્દી
વાહ કવિ વાહ..શબ્દો થી અદ્ભૂત કામ લીધું છે.અભિનંદન
@રીતા ત્રિવેદી:
સરસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
beautiful! emotions are expressed within the lyrics beautifully!
@જ્યોતિ પટેલ:
સુંદર પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર
પ્રેમ પણ અદભૂત વ્યક્તિકરણ પણ અદભૂત
@ઉમા શરદ દોશીઃ
ખૂબ ખૂબ આભાર
તારી અવઢવની વાત વાંચીને એમ કહી શકાય કે વાહ અદ્ભુત! અને આ બિલકુલ અવઢવ વગર કહી શકાય એવું છે 🫡👋
@મીના છેડાઃ
સહૃદય પ્રતિભાવ બદલ હૃદયપૂર્વક આભાર…