શું કહેવું? કેમ કરી કહેવું?

સતર્ક….. … ….ગ્રેટર રોડરનર, લેક પોવેલ, પેજ, અમેરિકા, ઓક્ટૉબર 2024

શું કહેવું? કેમ કરી કહેવું?
ન પૂનમ, ન બીજ,
ન મસ્તી, ન ખીજ,
શું આને કહેવાય છંછેડવું?

તું તો કહેતો’તો કે મસ્તી-મજાક તારા લોહીનો ભાગ નથી, લોહી છે,
ને વાયરાની એકધારી છેડખાની પર જ તો મધુમાલતી મૂળે મોહી છે.

શું કહેવું? કેમ કરી કહેવું?
રે ચતુર સુજાણ,
શું છે તને જાણ
કે રાહ જોઈ જીવતું બટેરવું?

પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવું કહેતું આવ્યું છે લોક સદીઓથી,
પણ તારો બદલાવ તો એવો કે દરિયે જળ બંધ કર્યું લેવાનું નદીઓથી;

શું કહેવું? કેમ કરી કહેવું?
હોય જ્યાં અપેક્ષા
પણ મળે ઉપેક્ષા
એ જીવતરને કેમ હવે વેઠવું?

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૦-૨૦૨૩)

ये कौन शिल्पकार है?…… …. …….હૂડૂ, બ્રાયસ કેન્યન, ઓક્ટોબર 2024

26 thoughts on “શું કહેવું? કેમ કરી કહેવું?

  1. પ્રવાહી લય, નવી રીતનો આકાર અને અંતરાનો બંધ કલ્પનોની નવીનતા
    સ્વરૂપમાં પ્રયોગોના અવકાશનો સદુપયોગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *