મરવા દે –

ધોધમાર… ગૌમુખ ધોધ, સોનગઢ, ઓગષ્ટ 2024

મને મારા એકાંતમાં મરવા દે.
પ્રાણવાયુ વિનાની હવાને શ્વાસોનું નામ દઈ છાતીમાં ભરવા દે.

બાર તમે સાંધો ને તેર તૂટે એ રીતે વરસોના વરસ ચલાવ્યું,
ચલાવ્યું? ના ભઈ ના,
નહીં સાંધો, ને નહીં રેણની જેમ નિત જિગરાંને જિગરાંથી ફાવ્યું;
પ્રેમમાં શી ખોટ હતી? કંઈ નહીં.. કંઈ નહીં… સાચ્ચું જ હતું સાવ સગપણ,
પ્રેમમાં કંઈ ખોટ ન’તી,
ખોટના નામે તો બસ ઓછી પડતી’તી – આ ‘હું’ને કેમ ભૂંસવો એ સમજણ;

તૂટ્યો છે સમજણનો છેલ્લો તરાપો, અને તળિયે બૂડ્યો છું, હવે ઠરવા દે,
મરવા દે.

લીપાપોતી કરી કેટલાક દિ’ હજી ભીતરના લૂણાને ઢાંકશું?
કેટલાક દિ? કહો
તકલીફની બારી પર ક્યાં લગી આંખ આડા કાનના પડદા ચડાવશું?
લાગણી તો સાચી છે, સાચી છે, સાચી, હા! નફરત શું ખોટી છે, ભઈ?
શું સાચું! શું ખોટું!
છાંયડા ને તડકા હકીકત છે જીવતરની, સ્વીકારવાનું, રડવાનું નંઈ;

સમ-બંધની વસિયતના છેલ્લા પાના ઉપર છૂટા પડ્યાની સહી કરવા દે,
મરવા દે.

– વિવેક મનહર ટેલર

(૨૮-૦૯-૨૦૨૩)

જળશીકર… … ….ગૌમુખ ધોધ, સોનગઢ, ઓગષ્ટ 2024

22 thoughts on “મરવા દે –

  1. ખુબ સરસ કાવ્ય . પ્રાણવાયુ વિના હવા ને શ્વાસ માં ભરવાની વાત તે પણ આવા સુંદર ધોધ સામે તમને પહેલ વહેલો ઝટકો આપી દે છે !
    પછી ધીરે ધીરે સંબંધો / ઇગો ની વાત લાવો છો
    રેણ કે સાંધા વગર ટકી જતા સંબંધો ઘણું કહી જાય છે
    અને અંતે …..મરવા દે
    મઝા પડી જય હો

  2. મનને કેટકેટલું સમજાવ્યા પછી ય ન જ સમજે તો ‘મારા એકાંત માં મને મરવા દે’ કહી કવિ સંબંધ પર માંડવાળ કરવાનું નક્કી કરી લે. કારણ માત્ર અહમ.
    રેણ કે સાંધા વગરનાં સાચુકલા સંબંધો પણ જ્યારે પ્રાણવાયુ વિહીન ખાલી હવા જેવા શ્વાસમાં ભરવાની પ્રક્રિયા બની જાય અને સમજણનો તરાપો ય તૂટી પડે, અરે આંખ મીંચામણાં કરીને ય ભીતરનાં લુણા ઢાંકવા પડે એવી સ્થિતિ આવી જાય અને છુટ્ટા પડવાના હસ્તાક્ષર કરવા પડે એ વાસ્તવિકતા સ્વીકારી લઈ સાક્ષી ભાવે જીવનમાં તડકા છાયા હોવાનું આશ્વાસન આપી પોતાને આપવું પણ છતાંયે ‘હું’ નો ટેંટવો અડિખમ રાખીને કવિ એકાંતનો ભેખ ધારણ કરી લે છે. આ ગીતમાં આડકતરી રીતે તો કવિ પોતાને ઉદાહરણ સ્વરૂપે પ્રગટ કરી igo ને કારણે સમાજમાં વિઘટિત થતાં દાંપત્ય જીવનને પ્રભાવિત કરતા દુષ્પરિણામો તરફ આંગળી ચીંધે છે. આ ગીત માં બહું જ વિવેકપુર્ણ રીતે કવિશ્રીની લાગણી અને સમાજ માટેની નિસ્બત વ્યક્ત થાય છે. અભિનંદન

  3. સરસ ગીત !

    સંબંધ નું તૂટવું એ એક મોટું દુ:ખ છે ! છેલ્લે પાટલે બેસનારને કોણ સમજાવે ? માટે છૂટાં થવું એમા જ બંન્નેના હ્રદયનો ભાર હલકો થશે !

  4. મરવા દે.… આઅહ ને વાહ !
    – વિવેક મનહર ટેલર –
    मगर जाने दे… geet yad aa gaya sir 🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *