*
(વનવેલી સૉનેટ)
સાચો શબ્દ જડી આવે એની રાહ જોવામાં જ
એઝરા પાઉન્ડે એક આખું વર્ષ કાઢી નાંખ્યું.
પેરિસના મેટ્રો સ્ટેશને જોયેલા ચહેરાઓને
કંડારવા છત્રીસ પંક્તિઓ લખી. છત્રીસની અઢાર કરી ને અંતે
બે જ પંક્તિ ને ચૌદ શબ્દોની કવિતા વરસ પછી આ દુનિયાને આપી.
વરસોથી એ કવિતા જગ આખાને મંત્રમુગ્ધ કરતી આવી છે અને કીધા કરશે.
એક સાચી કવિતા, એક શબ્દની રાહ માણસ ક્યાં સુધી જોઈ શકે ?
મારે દર શનિવારે મારી વેબસાઇટ ઉપર એક નવી કવિતા અપલોડ કરવાની હોય છે.
પાઉન્ડને શું હતાં આવાં કોઈ કમિટમેન્ટ ?
આજે ફરી મારે અઠવાડિક કવિતા પૉસ્ટ કરવાનો દિવસ આવી ઊભો છે.
થોભો જરા, ગજવા ફંફોસી લઉં. ઘસાઈ ન ગયો હોય એવો કોઈ
શબ્દ કે ચવાઈ ન ગઈ હોય એવી કોઈ કવિતા બચ્યાં છે ખરાં મારા ખિસ્સામાં ?
ઓ પાઉન્ડ, યુ બાસ્ટર્ડ ! ખુશ ?
મેં કેલેન્ડરમાંથી શનિવાર જ ફાડી નાંખ્યા છે કાયમ માટે.
– વિવેક મનહર ટેલર
(૦૮-૧૦-૨૦૧૪)
Awesome……
ઓહ!
કેલેંડરમાંથી શનિવાર કાઢી નાખીને ખુશ ના થઈ જશો.
અમારે મન તમે ગુજરાતી એઝરા પાઉંડ જ છો.
સરસ………..જો કોઈ ઓફીસવાળો આ વાંચશે તો કેલેન્ડરમાંથી પહેલી અને છેલ્લી તારીખજ કાઢી નાંખશે……………….!!!!!!
સરસ….
વિચાર તો બહુ સરસ છે.
ફ્ક્ત અંતમાં એક વિચાર મને આવ્યો કે,
છેલ્લેથી બીજી પંક્તિમાં ચોથા શબ્દનો, જે રીતે
ઊપયોગ કરવામાં આવ્યો છે, તે ખરેખર કરી શકાય?
યોગ્ય કહેવાય?
@ દિપ્તી પટેલ ‘શમા’ :
કવિતામાં કોઈ પણ શબ્દનો છોછ શા માટે?