હર શ્વાસ છે ઉજાણી…

(ઝીરો મોબિલિટી…                                                                 …મેટ્રો, સિંગાપોર, ૨૦૧૬)

*

રમતા રહીશું ક્યાં લગ,બોલો, ચલકચલાણી?
આગળ તો આવે કોઈ, પોતાનો વારો જાણી.

શા માટે થઈ રહ્યાં છો, સરકાર! પાણી-પાણી?
પાણીમાં જઈ રહી છે ઈજ્જત ગગન-સમાણી?

સંબંધમાં હું છેક જ તળિયા સુધી જઈ આવ્યો,
તળિયામાં શું બળ્યું’તું? તળિયામાં ધૂળધાણી.

હોવાની પેલી બાજુ આવી મને મળો તો
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.

પંખીએ ચોપડામાં શેરો કરી લખ્યું કે –
વૃક્ષોના શેરો ખોટા, બિલ્કુલ નથી કમાણી.

મોબાઇલ આવ્યો એ દિ’ માણસની કુંડળીમાં,
બધ્ધા જ ખાને ઝીરો મોબિલિટી લખાણી.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૬-૨૦૧૭)

*


(છટા….                                                                   …….પંગોટ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

11 thoughts on “હર શ્વાસ છે ઉજાણી…

 1. “હર શ્વાસ છે ઉજાણી!” વાહ! બેમિસાલ! કોઈક પ્રચલિત ગેીતના રાગમાં ગાઈ પણ શકાય છે, પણ ગેીત યાદ આવતુઁ નથેી.

 2. હોવાની પેલી બાજુ આવી મને મળો તો,
  સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.

  ક્યા બાત …!

 3. હોવાની પેલી બાજુ આવી મને મળો તો
  સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.

  – સરસ !

 4. રમતા રહીશું ક્યાં લગ,બોલો, ચલકચલાણી?
  આગળ તો આવે કોઈ, પોતાનો વારો જાણી

  વાહ…

  • જો કે આખેઆખી ગઝલ જ એકદમ મઝાની… અને પાછો આ સિંગાપૂર મેટ્રોનો ફોટો – જાણે મક્તા નો શેર આ ફોટા પરથી લખાયો હોય !!

Comments are closed.