નરી એકલતાથી હું મને આવરું

IMG_8881
(એકલું….                                …ઓફ આણંદ હાઇવે, 2016)

*

જંગલની વચ્ચોવચ ખીલ્યું છું એકલું, મને સમજી લ્યો છો ને અવાવરૂ,
નરી એકલતાથી હું મને આવરું.

એકલા જ આવવાનું, જવાનું એકલા જ,
એકલા રહેવામાં વળી શું ?
એકલા હોવાના ભાણામાં રોજરોજ
મને જ મને હું પીરસું,
વાયરોય હળવા અડપલાં જ્યાં આદરે, નમી જઈ જાતને હું છાવરું.
નરી એકલતાથી હું મને આવરું.

સાથે જો હોય કોઈ, સારું તો લાગે
એ વાત હુંય દિલથી સ્વીકારું;
હાથમાં લઈ હાથ કોઈ ચાલે સંગાથે
જીવતર તો લાગે હૂંફાળું,
પણ અધરસ્તે છોડી એ ચાલ્યું જો જાય તો જીવવું થાય કેવું આકરું!
નરી એકલતાથી હું મને આવરું.

– વિવેક મનહર ટેલર

*

IMG_8851
(જંગલની વચ્ચોવચ….               …ઓફ આણંદ હાઇવે, 2016)

23 thoughts on “નરી એકલતાથી હું મને આવરું

  1. અવાવરુ સાથે આવરુ શબ્દપ્રયોગ ચપોચપ ગયો. સરસ ગીત.

  2. એકલા હોવાના ભાણામાં રોજરોજ
    મને જ મને હું પીરસું, ક્યા બાત

  3. વાહ…
    એકલી એકલતાની વાત ચાલતી હતી તેમાં એકલાપણુ લાગતા, બીજો બંધ સંગાથ એક નવો આયામ લઈને આવ્યો…..
    બંને બંધ ખૂબ ગમ્યા…

Comments are closed.