વૃક્ષ

(માંડુ, મધ્ય પ્રદેશ, 2005)

વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

ડૉ.વિવેક મનહર ટેલર

Excellent - creation of a great artist. Now your work radiates a mastery.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

આ કડીઓ બહુ જ ગમી. અઝીઝ નાઝાની કવ્વાલી યાદ આવી ગઇ. શબ્દો બરાબર યાદ આવતા નથી પણ તેમાં ‘લકડી’ જીવનની સાથે કેટલી વણાઇ ગઇ છે તેનું વર્ણન આવે છે.