વિશ્વાસ

leaf by Vivek Tailor
(પાંદડાની હસ્તરેખાઓ….                                  ….એટલાન્ટા, ૨૦૦૯)

*

૧.
જિંદગીભરના શ્વાસ
ખર્ચી નાંખીને પણ
ચપટીક વિશ્વાસ
ખરીદી શકાતો નથી.

૨.
વિશ્વાસમાંથી
શ્વાસ ખરી પડે
એને
આપણે નિઃશ્વાસ કહીએ છીએ.

૩.

ફેફસાં હવાને નહીં,
એક માથું
એક છાતી
એક આખા જણને
શ્વાસમાં ભરે
એ વિશ્વાસ.

૪.
એ જ બીજ
જમીનમાંથી માથું ઊંચકી શકે છે
જેને
પાંખ ફૂટ્યાનો વિશ્વાસ છે.

૫.

વિશ્વાસ લથડે છે
ત્યારે
સંબંધને ફ્રેક્ચર થાય છે
અને
ભલભલા POP એને સાંધી નથી શક્તા.

૬.

સ્મરણોના ઓરડામાં
ફરી ફરીને હું આવ્યા કરું છું,
એનું કારણ
તારા માટેનો પ્રેમ નહીં,
તારા પરનો વિશ્વાસ છે.

૭.

સાચવીને મૂકાયેલા
પીપળાના પાનને
ચોપડીના પાનાં
પારદર્શક બનાવી દે છે
કેમકે એને વિશ્વાસ છે
કે
આ પાનની અંદરની ચોપડી વધુ ઇન્ટરેસ્ટિંગ છે.

૮.
સવારે
એક ચોપડીના પાનાં વચ્ચે
થોડો વિશ્વાસ મૂકીને હું ગયો હતો,
સાંજે આવીને જોયું તો
આખું વૃક્ષ.

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૧૪)

*

tree by Vivek Tailor
(આકાર….                          …ગ્રાન્ડ કેન્યન, ૨૦૧૧)

7 comments

 1. M.D.Gandhi, U.S.A.’s avatar

  શ્વાસ અને વિશ્વાસની બહુ સુંદર વ્યાખ્યા આપી છે…… જેનો શ્વાસ સુંદર, એને નિશ્વાસનો ભેટોજ નથાય…

 2. dhruti upadhyay’s avatar

  ફેફસાં હવાને નહીં,
  એક માથું
  એક છાતી
  એક આખા જણને
  શ્વાસમાં ભરે
  એ વિશ્વાસ… વાહ ! કેવી સરળ વ્યાખ્યા !

 3. nehal’s avatar

  ફેફસાં હવાને નહીં,
  એક માથું
  એક છાતી
  એક આખા જણને
  શ્વાસમાં ભરે
  એ વિશ્વાસ.
  એ જ બીજ
  જમીનમાંથી માથું ઊંચકી શકે છે
  જેને
  પાંખ ફૂટ્યાનો વિશ્વાસ છે..

  Waah. .sunder

 4. Maheshchandra Naik ( Canada)’s avatar

  વિશ્વાસ વિષે સરસ રચનાઓ બદલ આભાર…………

 5. Indu Shah’s avatar

  વિવેકભાઇ,
  તમારા, વિશ્વાસને સલામ.

 6. દીપક’s avatar

  એ જ બીજ
  જમીનમાંથી માથું ઊંચકી શકે છે
  જેને
  પાંખ ફૂટ્યાનો વિશ્વાસ છે.

  ….અતિઉત્તમ!

Comments are now closed.