ખુશબૂને કેમ કરી મોકલું ?

flower by vivek tailor
(ખુશબૂનો ફોટો…..                                       …ઘર-આંગણાની મહેંક)

*

ફોટો પાડીને ફૂલ મોકલી શકાય પણ ખુશબૂને કેમ કરી મોકલું ?
વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

ભીતરના કાશ ! ચાસ પાડી શકાય તો તો
મબલખ હું પાક લહેરાવું;
અક્કેકા ડૂંડાના અક્કેકા દાણામાં
અક્કેકુ ખેતર ઊગાડું.
શબ્દો તો શક્ય, પણ ઊર્મિના કોશને ચલાવવાનું કામ નર્યું સોણલું.
વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

લાકડીને ઠોકીને કાન જરા માંડીને
દાખવીએ લગરીક યકીન;
ભીતરમાં કેટલો ભંડારો ભર્યો છે-
કહેવાને આતુર જમીન
પાણી કળાય એમ લાગણી કળાય નહીં એવું જીવતર સાવ ખોખલું.
વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

-વિવેક મનહર ટેલર
(૧૬-૦૧-૨૦૧૪)

*

Thol by Vivek Tailor
(પાણીકળો….  ….થોળ, અમદાવાદ, જાન્યુ. ૨૦૧૪)

11 thoughts on “ખુશબૂને કેમ કરી મોકલું ?

 1. પાણી કળાય એમ લાગણી કળાય નહીં એવું જીવતર સાવ ખોખલું.
  વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું
  ખૂબ સુંદર રચના અને ફોટો
  સંપત્તિ, સત્તા અને પૈસો કોઈને પણ સાનભાન ભૂલવવા માટે પૂરતા અનિષ્ટો છે, એવા સમયે જ્યારે તમારા પ્રભાવને લીધે અનેક લોકો તમારી આગળ પાછળ ફરતા હોય, પ્રસંશાના પુષ્પો વેરતા હોય અને બદલામાં તમારી સત્તા, સંપત્તિનો ઉપયોગ કરવાનો યત્ન કરે ત્યારે તમારા સગા વહાલા, મિત્રો વગેરેમાંથી કોઈ તમને પૂર્ણપણે ઓળખી શક્શે નહીં, તમને તમારા મનના દરેક પ્રશ્નનો સાચો જવાબ આપી શક્શે સ્થિર પાણીમા દેખાતો એ માંહ્યલા માંહેનો માણસ.

 2. અરે વાહ !કમાલ કરી વિવેક્ભાઈ બહુ સુન્દર …

  પાણી કળાય એમ લાગણી કળાય નહીં એવું જીવતર સાવ ખોખલું.
  વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

  બહુ સરસ પક્તિ …

 3. ી વિવેકભાઈએ સરસ રચના હૈયું વલોવીને કાગળ ઉપર
  ઉતારી કમાલ કરી વાચકોને વિચાર કરતા કરી દીધા છે,પ્રગ્નાજુ
  ની વાત તદ્દન ખરી છે.અભિનંદન !

 4. “પાણી કળાય તેમ લાગણી કળાય નહીં,એવું જીવતર સાવ ખોખલું
  વાત માહ્યાની કરવાનું દોહ્યલું”

  સરસ વાત

 5. ફોટો પાડીને ફૂલ મોકલી શકાય પણ ખુશબૂને કેમ કરી મોકલું ?
  વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું…. ક્યા બાત્…. ઃ)

 6. લાકડીને ઠોકીને કાન જરા માંડીને
  દાખવીએ લગરીક યકીન;
  ભીતરમાં કેટલો ભંડારો ભર્યો છે-
  કહેવાને આતુર જમીન

  પહેલી વખત વાંચ્યું ત્યારે જ – લાકડીને ઠોકીને કાન જરા માંડીને…
  અહીં જ અટકી ગઈ… લાકડીને ઠોકીને – આ શબ્દ પ્રયોગ અહીં આ રીતે જગ્યા બનાવી જાય એ જ કવિની સર્જન સિદ્ધિ ઉજાગર છે એ દર્શાવે છે.

Comments are closed.