૦૨. ખાલી ગરમાળાનો જવાબ

પીળપ તણા ફૂટે ઝરા… . . . . . . . …….ગરમાળો, ૦૨ મે ૨૦૨૬

ઊનાળો એટલે ગરમાળાના ખીલવાની ઋતુ. જેમ જેમ સૂર્ય વધુ તપે, એમ એમ ગરમાળાના અંગાંગે પીળપના ઝરા ફૂટે… ગામ આખામાં ગરમાળા ખીલવા માંડ્યા હોય એવા સમયે બધા જ પાન ખેરવી દઈને ખાલી થઈ ગયેલ ગરમાળા સાથે કવિ જે વાતચીત કરે છે એ આપણે ગયા વખતે સાંભળી… આ વખતે ખાલી થઈ ગયેલ ગરમાળો કવિને શું જવાબ આપે છે એ સાંભળીએ…

ધીર ધર, કવિ! જરા, ગણે છે શું ખરંત પાન?
ધીર ધર, તું વાત માન.

*ઘણું ઘણુંક ભાંગવું, તું ઘણ ઉઠાવ, ઓ ભુજા!* *
ખરે નહીં પરણ જૂનાં, શી વિધ ઊગશે દૂજા?
આજ રિક્ત ડાળ ડાળ, કાલ ફેર આનબાન.
ધીર ધર, તું વાત માન.

શું સૂર્ય, સૂર્યનો પ્ર-તાપ? ડર નથી મને જરા,
પ્રજાળ અંગ અંગ, છો! પીળપ તણા ફૂટે ઝરા;
બોલ, સૂર્ય સાંખશે શું મુજ પીળવંત વાન?
ગણે છે શું ખરંત પાન?

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૪-૨૦૨૬)

(* પુણ્યસ્મરણ: સુન્દરમ્ – ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!)

સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં, શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં… ૦૨ મે ૨૦૨૬

16 thoughts on “૦૨. ખાલી ગરમાળાનો જવાબ

  1. આ સંવાદ જાણે જીવનના સંદર્ભનો અરીસો હોય એવું લાગ્યું! ઉમદા!

  2. વાહ… બીજો બંધ સુંદર… ઝરા…કા જવાબ નહી..!!

Leave a Reply to રેખા Cancel reply

Your email address will not be published. Required fields are marked *