હું ગીત છું પણ…

પર્પલ રમ્પ્ડ સનબર્ડ, ગોવા, ૨૦૨૧

હું ગીત છું પણ હૈયામાં બંધ,
કોઈ ધક્કાનો કરજો પ્રબંધ,
કે આડબંધ તૂટે ને ધડ ધડ ધડ ધડ ધડ ધડ વહેતો રે આવે મુખબંધ…

દિલની તિજોરીને ચાવીગર પાસે લઈ જઈ કહ્યું, ખોલી દે તાળું,
મૂઆએ તાળાંને ફટ્ટ કરી ‘રાઇટર્સ બ્લોક’ નામ દઈ દીધું રૂપાળું;
લ્યા! નામમાં તે એવાં શાં દટ્ટણપટ્ટણ, તને કામ નથ દેખાતું, અંધ?

રેખાની માયામાં પેન અટવાઈ છે, એવું કૈક જોશીડો ભણ્યો,
ભૂવાએ કાળ તણું નારિયેળ વધેર્યું ત્યાં ખાલીપો માલીપા ધૂણ્યો,
રામ જાણે! હચમચ ક્યાં ગઈ જે કંપાવતી’તી આંગળીથી માંડીને સ્કંધ.

મારગમાં જ્ઞાની એક મળ્યો એ બોલ્યો, કોઈ દિલના માલિકને તરસાવે,
થોડીક મહેર કે પછી થોડોક કહેર અગર એની ઉપર જો વરસાવે,
સંભવ છે તો જ ફૂટે ફૂવારો ક્યારનો જે ભીતર રહ્યો’તો અકબંધ.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૪/૦૮/૨૦૨૧)

ક્રિમસન સનબર્ડ, ગોવા, ૨૦૨૧

8 thoughts on “હું ગીત છું પણ…

  1. જ્યારે કંઈ ના સૂઝે લખવાનું
    ત્યારે પણ આવું ગીત આવે મજાનું
    તો કેમ કહી શકાય ‘રાઇટર્સ બ્લોક’!!?

    સુંદર ખૂબ મજાનું ભાવવાહી ગીત

    અભિનંદન 💐

  2. સરસ ગેીત વિવેકભાઇ અને ફોટોગ્રાફ.. તો .. ક્યા કહના !

Leave a Reply to Rasik bhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *