ઘર કરી ગઈ

હા, એક્સ-રેથી પણ વધુ એ સોંસરી ગઈ,
ભીતર ગઈ એ છોકરી, ને ઘર કરી ગઈ.

જે ડાળ મારા થડથી તૂટીને ખરી ગઈ,
તારી જમીનમાં પડી ને પાંગરી ગઈ.

મા સરસતીને ત્યાં હતી એ નોકરી ગઈ,
તારા જતાંની સાથે મારી શાયરી ગઈ.

હોવું હજી બચ્યું છે શું અકબંધ સાચેસાચ?
તું ગઈ અને જે પણ હતી સૌ ખાતરી ગઈ.

ધીમેથી જેમ દૂધ ઘનીભૂત થાય એમ
મારામાં એક દૃષ્ટિ ભળી, ને ઠરી ગઈ.

ઇતિહાસ એનો એ જ છે ઇચ્છાનો કાયમી,
‘જાઉં છું’, ‘જાઉં છું’ કરે ને લાંગરી ગઈ.

ઇતિહાસ નહિ ભૂંસાય તસુભર, મથો ભલે,
તો શું થયું કે દુર્ગથી બે કાંગરી ગઈ?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૫-૨૦૧૯)

12 thoughts on “ઘર કરી ગઈ

  1. “ઇતિહાસ એનો એ જ છે ઇચ્છાનો કાયમી,
    ‘જાઉં છું’, ‘જાઉં છું’ કરે ને લાંગરી ગઈ. ”
    વાહ્ ! બધા શેર ટાંકવા જેવા.સુંદર્.

  2. હા, એક્સ-રેથી પણ વધુ એ સોંસરી ગઈ,
    ભીતર ગઈ એ છોકરી, ને ઘર કરી ગઈ….
    Dr saheb chalke aama…

    ઇતિહાસ એનો એ જ છે ઇચ્છાનો કાયમી,
    ‘જાઉં છું’, ‘જાઉં છું’ કરે ને લાંગરી ગઈ…

    ઇતિહાસ નહિ ભૂંસાય તસુભર, મથો ભલે,
    તો શું થયું કે દુર્ગથી બે કાંગરી ગઈ ?
    Adag itihas…

  3. क्या बात क्या बात क्या बात 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌

  4. જે વીતી ગયું,એ પતી ગયું,રડી લીધું,…. હવે શું…..
    જે ભુલી ગયું, એ યાદ રહ્યું, મળી ગયું….. હવે શું…….
    ચાંદની રાત, તારી યાદ, નથી મુલાકાત……
    જાણી લીધું….. હવે શું……..
    હું હતો,જામ હતો,અવસર હતો, માદકતા હતી,
    છલકાયા રહ્યા, તરસ્યા રહ્યા,….. હવે શું…..
    જીવન માં શોધખોળ,જીવનની શોધખોળ. ગુમાવ્યું ઘણુ, મેળવ્યું ઘણું……. હવે શું……

Leave a Reply to Dilip Chavda Cancel reply

Your email address will not be published. Required fields are marked *