શ્વાનના માથે શકટનો ભાર છે…

દરિયા ઉપર સૂર્યાસ્ત… ઘોઘા હજીરા રો રો ફેરીમાંથી, ૨૦૨૨

નેજવે થીજ્યા સમયનો ભાર છે,
નહીં લખેલા ખતનો ઇંતેજાર છે.

આટલા તારા છતાં અંધાર છે!
ચાંદ છે કે કોઈ સરમુખત્યાર છે?

તું મળે છે એટલે તહેવાર છે*,
બાકીનું સૌ મારે મન વહેવાર છે.

એ તો નક્કી છે, ઉભયમાં પ્યાર છે,
તે છતાં તકરાર તો તકરાર છે.

આંખના ખૂણેથી અળગાં ના કરે,
કંઈ નથી કહેતાં છતાં દરકાર છે.

બાપના પગ ધરતી પર ટકતા નથી,
આમ માથે દુનિયાભરનો ભાર છે.

જોતજોતામાં ટીપાંની થઈ નદી,
જૂઠને પ્રસરી જતાં શી વાર છે?

એક કવિએ મીડિયાને માથે લીધું,
શ્વાનના માથે શકટનો ભાર છે…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૦૫/૦૨-૧૦-૨૦૨૨)

(*તરહી પંક્તિઃ શ્રી મનહરલાલ ચોક્સી)

રણમાં પથરાયેલ દરિયા ઉપર સૂર્યાસ્ત… સફેદ રણ, ધોરડો, ૨૦૨૨

16 thoughts on “શ્વાનના માથે શકટનો ભાર છે…

  1. ખૂબ સરસ રચના ….. આપની રચના સદા નાવિન્યસભર જ હોય છે… નવા જૂનાનો સવાલ જ નથી આવતો… 👌👌👌

      • ખૂબ સરસ.
        અભિનંદન

        હું બ્લોગ વિશે વિચાર કરી રહ્યો છું . શુ ગુજરાતી બ્લોગ બનાવાય કે ન બનાવાય. ભવિષ્ય શુ છે.?
        પ્રતિસાદ આપજો. Please

  2. ખૂબ જ સરસ ગઝલ.નખશિખ.ગઝલના મત્લાએ જ મન મોહી લીધું.કવિ એ કેવું સરસ કહ્યું.કે નેજવે સમય થીજી ગયો છે અને જે ખત નથી લખાયો એનો ભાર છે.વાહ.. અદ્ભૂત!!
    -કવિ ત્રીજા શહેરમાં કહે છે કે તું મળે તો મારે મન તહેવાર છે બાકી તો બધો વહેવાર છે.કયા બાત!
    દરેક શેર ચડિયાતા છે.મસ્ત ગઝલ.અભિનંદન ડોકટર!😊😊 જી..

  3. તું મળે છે એટલે તહેવાર છે*,
    બાકીનું સૌ મારે મન વહેવાર છે.…My All time Fevrt ! Sir Ji 😊

    – વિવેક મનહર ટેલર –

  4. @ ચિરાગ રાવલ:

    એક સમય હતો જ્યારે બ્લૉગ્સની ઝાકમઝોળ હતી. પણ આજે હવે બ્લોગ અંગત ડાયરી જેવા બનીને રહી ગયા છે… વાચકોની સંખ્યામાં તોતિંગ ઘટાડો થયો છે. પણ આપણાં લખાણ જળવાઈ રહે અને સારું હોય તો ભવિષ્યમાં કોઈને વાંચવા કામ આવે એ હેતુસર આજેય બ્લૉહ સાવ અપ્રસ્તુત તો ન જ કહેવાય…

    સ્નેહકામનાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *