હવે બીજું કશું ન જોઈએ

ગંગા નહીં, હવે કરીએ સૂર્યનું અવતરણ…. ….એન્ટિલોપ કેન્યન, પેજ, અમેરિકા, ઓક્ટો-2024

તું મળી… હવે બીજું કશું ન જોઈએ,
જિંદગી! હવે બીજું કશું ન જોઈએ.

તું યદિ નહીં રહે તો શું કહીશ હું?-
‘તું નથી… હવે બીજું કશું ન જોઈએ.’

આંખમાં તું હોય ને આ આંખ બંધ થાય,
એ પછી હવે બીજું કશું ન જોઈએ.

આખરી કહી ફરી ફરી કહે બધા –
આખરી ! હવે બીજું કશું ન જોઈએ

તૃપ્તિ એવી રાખવી કે જિંદગી પૂછે-
‘માનવી! હવે બીજું કશું ન જોઈએ?’

અન્યને કલમ મળી, તને ગઝલ મળી;
બસ કવિ! હવે બીજું કશું ન જોઈએ

– વિવેક મનહર ટેલર

ગઝલનો પહેલો શેર લખાયો ૨૬-૦૧-૨૦૧૮ના રોજ. બીજો શેર લખાયો ૦૫-૦૪-૨૦૨૨. અને બાકીની ગઝલ લખાઈ ૨૭-૦૧-૨૦૨૫ના રોજ… સાત વરસે ગઝલ પૂરી થયાની તૃપ્તિનો ઓડકાર ખાધો તો ભીતરથી અવાજ ઊઠ્યો: હવે બીજું કશું ન જોઈએ…

પારલૌકિક…. ….એરિઝોના, અમેરિકા, ઓક્ટો-2024

35 thoughts on “હવે બીજું કશું ન જોઈએ

  1. વાહ… લાંબી રદીફ, સાનીમાં માત્ર ગાલગા જેટલી જગ્યા, જેમાં કાફિયાનું બંધન અને છતાં આટલી સુંદર ગઝલ… 👏👏👏

    • @ડૉ પ્રણય વાઘેલા:

      ગઝલની બારીકી પર ધ્યાન દઈ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર

      • જોરદાર અભિવ્યક્તિ માટે આટલી લાંબી યાત્રા ખેડતાં થયેલી અનુભૂતિ ને આટલી સરળ ગઝલના માધ્યમથી રજૂ કરવાની આપની શૈલી દાદ માંગી લે છે….

  2. ખરેખર ખૂબ ખૂબ ઘૂંટાઈ ને આવી હોય એવી લાગે છે . આખરી વાળો શેર સૌથી સરસ થયો છે મજા પડી વિવેક સાહેબ પ્રણામ

  3. વાહ સરસ. કવિતા,ગઝલની જાણકાર નથી પણ સારી રચના મનને સ્પર્શે છે.સાત વર્ષની સાધનાનું ફળ તો પરિપક્વ જ હોય ને?

  4. વાહ વિવેક સર ખુબ સરસ ગઝલ.મનનીય રચના છે.

  5. જગતની જંજાળથી મુક્ત થનાર વ્યક્તિ માટે પ્રભુ સિવાય બીજું કોઈ નથી. જે માનવીએ સંસારના મોહને જ તજી દીધો છે તે સદા આનંદમાં રહે અને પ્રભુને ભજે !

  6. જોરદાર અભિવ્યક્તિ માટે આટલી લાંબી યાત્રા ખેડતાં થયેલી અનુભૂતિ ને આટલી સરળ ગઝલના માધ્યમથી રજૂ કરવાની આપની શૈલી દાદ માંગી લે છે….
    આભારી
    રાકેશ ઠાકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *