મૂંઝારો

ડૂબકી…. … અમૃતસર, ૨૦૨૨

*

કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. કૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા. અક્રૂર કૃષ્ણને મથુરા લઈ આવ્યા. ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ ઉદ્ધવને પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા વૃંદાવન મોકલ્યા, કારણ કે કૃષ્ણ કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, હવે માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…

*

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)

ખજ્જિયાર, ૨૦૨૨

11 thoughts on “મૂંઝારો

  1. વાહ આગળની વાતનું અદ્ભુત સર્જન…
    મોજ મોજ.,.

  2. ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
    જાવ અને જઈ કાનાની વહી માંય ઉધારો… (Jaav Na ketala bhavo) 👌🏻
    – વિવેક મનહર ટેલર –

  3. વાહ વિવેક સર
    ગોપીઓની વેદનાને વાચા… ઉત્તમ

  4. યાદોને પણ ત્યાગો…..વાહ

    કિંતુ શાને લ્હાય વધારો? ક્યા બાત કવિ…..
    ખૂબ સુંદર ગીત….

    અભિનંદન

  5. પહેલી બે કડીઓ! આનાથી વધારે શું કહેવાનુ?
    વાહ વાહ. અભિનંદન!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *