લટ

મનોર, સપ્ટેમ્બર-૨૦૦૭

*

ફટ ચહેરા પર આવી જે લટ
સૈં! સમજી લે એને ઘુંઘટ!

અચિંતો આવી ઊભો મનનો માણીગર ને જડ્યું ના સંતાવા ઠામ,
આફતની વેળ લટે આગળ આવીને કેવું કીધું જો ડહાપણનું કામ;
વીજ અને વાદળને ઢાંકી દઈને એણે પત મારી રાખી ઝટપટ!
પણ હૈયું તો ધકધક નટખટ!

લટને હટાવીને લુચ્ચાએ જે ઘડી આંખ્યુમાં આંખલડી પ્રોઈ,
પગ તળે ધરતી હતી જ નહીં એ છતાં ડરી ના હુંય વાલામોઈ;
હળવેથી વાળને આગળ આણીને ફરી જાળવી લીધો મે મારો વટ!
ને કહી દીધું, જા આઘો, હટ!

– વિવેક મનહર ટેલર
(૧૮-૧૨-૨૦૨૦)

10 thoughts on “લટ

  1. સરસ,
    લટ અને સ્રીનો વટ સાથે સૌન્દર્ય જળવાઈ રહે એની માર્મિક રજુઆત,
    ડો. વિવેકભાઈને અભિનંદન….

  2. શું લટ નો વટ અને ghungat નો વિવેક!
    વાહ વિવેકભાઈ

  3. ખૂબ સરસ ગીત…લટને ઘૂંઘટ કરવાની વાત સરસ રીતે વણાઈ છે..

  4. વાહ શું અદા છે લટની
    લટે જબરો વટ રાખ્યો હો મોજ મોજ

  5. પગ તળે ધરતી હતી જ નહી …
    બહુ ઊંચૂ..

    ખૂબજ સરસ…

  6. વાહ

    આ લટ અમારી આંખને,
    રાખ્યા કરે બેધ્યાનમાં !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *