ગરમાળો ખીલ્યો છે આજે


(મારા ઘરના ગરમાળાની પહેલી સેર…. …૦૩-૦૫-૨૦૧૯)

*

આંખો વાવીને મે રોપ્યો’તો જેને એ ગરમાળો ખીલ્યો છે આજે,
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

ઉનાળે દર વરસે ખાલીખમ ડાળીઓ
રોજ મને કેવો ટટળાવતી!
ઓણ સાલ? પોર સાલ? એક સીંગ? એક કળી?-
લગરિક અણસાર નહોતી આલતી.
સઘળી નિરાશાનું સાટું વાળે એ પીળચટ્ટો દિ’ ઊગ્યો છે આજે.
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

પીળાં ખીલ્યાં છે એને ફૂલોનું નામ ન દો
દૃષ્ટિ ખુલી છે, મારી દૃષ્ટિ,
વર્ષોથી આવું આવું કરનારાં સ્વપ્નોએ
સર્જી છે સોનેરી સૃષ્ટિ.
પીળા પલકારાની ઈર્ષ્યાના તોરમાં સૂરજ પણ સળગ્યો છે આજે.
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૫-૨૦૧૯)

13 thoughts on “ગરમાળો ખીલ્યો છે આજે

  1. પીળાં ખીલ્યાં છે એને ફૂલોનું નામ ન દો
    દૃષ્ટિ ખુલી છે, મારી દૃષ્ટિ,
    વર્ષોથી આવું આવું કરનારાં સ્વપ્નોએ
    સર્જી છે સોનેરી સૃષ્ટિ.
    Aahaa…

  2. વસંત ને વધાવતુ લીલુંછમ ગીત. કહૂ કે ગરમાલા ની પીલાશ ને વધાવતુ ગીત કહું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *