આજ અંધાર ખુશબો ભર્યો લાગતો

PB064510
(ખુશબૂ…                                                             ….ગોવા, નવે, ૨૦૦૮)

*

આજ વર્ષો પછી આપ પાછાં ફર્યાં, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
ચાંદ સો-સો પૂનમનાય ઝાંખા પડ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

નાડ સામાન્ય છે તોય લાગે છે તેજ, આજની રાત શા માટે લાગે વિશેષ ?
આપ શું રાતના શ્વાસમાં તરવર્યાં ? આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

આ ગુફાનો નથી આદિ કે અંત ક્યાંય, અહીં સતત ચાલવું તેય થાક્યા સિવાય,
એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

-વિવેક મનહર ટેલર
(૨૨,૨૩-૦૬-૨૦૦૯)

(રદીફ સૌજન્ય: શ્રી પ્રહલાદ પારેખ)

46 thoughts on “આજ અંધાર ખુશબો ભર્યો લાગતો

 1. પરંપરાની ગઝલો જેવા મિજાજની અભિવ્યક્તિનો હું પ્રથમથી જ ‘આશિક’ રહ્યો છું……
  સુંદર અને સરળ રીતે અહીં વણાયેલું વ્યક્તિવિશેષનું સાનિધ્ય પણ ખુશ્બૂભર્યું લાગ્યું, ગઝલની જેમ જ.
  -અભિનંદન.

 2. ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
  યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

  નામ તારું લઈ, યાદ તારી લઈ, વાત તારી લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

  વાહ વિવેકભાઇ રદીફને નખશીખ નિભાવતી સુંદર રચના.ભીતરી સાથે ભાર-અંધાર પ્રયોજાતાં કલ્પનાનો નવો ઉઘાડ રચાયો તેથી ખૂબ અભિભૂત થયો. વાહ…!!!!!.

 3. સુંદર ગઝલ,
  રાજેન્દ્ર શુક્લ યાદ આવ્યા. એમની શૈલીમાં વાંચવાની અનેરી મજા આવી.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 4. મસ્ત રદીફ્,મસ્ત ગઝલ અને આ શેર….

  નામ તારું લઈ, યાદ તારી લઈ, વાત તારી લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

  શુ ભા ન અ લ્લા હ્

  યાદ આવી

  શબે વિશાલ હૈ ,બુઝવાદો ઇન ચિરાગોંકો
  ખુશીકી બઝ્મમેં ક્યા કામ જલનેવાલો કા?

 5. ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
  યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
  વાહ્
  એજ અંધાર માટે તલસતા
  ઊંઘી શકુ હું એટલો અંધાર પણ નથી
  ખોવાઈ જાઉં એટલો વિસ્તાર પણ નથી.

  અસ્તિત્વમાં રહી ગયો અસ્તિત્વનો અભાવ
  શંકાય થાય શી રીતે ઈતબાર પણ નથી.
  તો કોઈ

  એ બિચારાના નસીબમાં રાતનો અંધાર છે
  એ છતાં એ જાત બાળી સૂર્યની ગાથા લખે

 6. સુંદર ગઝલ.. બે અશઆર વિશેષ ગમી ગયા..

  આ ગુફાનો નથી આદિ કે અંત ક્યાંય, અહીં સતત ચાલવું તેય થાક્યા સિવાય,
  એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
  નામ તારું લઈ, યાદ તારી લઈ, વાત તારી લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

  અને…આવા વિશિષ્ટ રદીફને નિભાવવાનું કપરું કામ સુપેરે પાર પાડ્યું. અભિનંદન મિત્ર.

 7. આજ અન્ધાર ખુશબોભર્યો લાગતો..આજ સૌરભભરી રાત સારી…
  પ્રહલાદ પારેખની મારી માનીતી પંકિત અહીં રદીફ તરીકે…વાહ !

  યાદના એકાદ બે ફૂલ અંધારને ખુશબોભર્યો જરૂર બનાવી શકે…

  સરસ ગઝલ….

 8. પ્રભાતી ઝૂલણાના લયમાં – સ્રરળ બાનીમાં- અંધારના અચરજનું સંગોપન કરતી ગઝલ આસ્વાદ્ય થઈ છે.
  બહુ જ જાણીતી પંક્તિનો પ્રલંબ રદીફ બહુ સહજ રીતે દરેક શેરમાં નીખરે છે. ગાલગાના ૮ આવર્તનની કદાચ પહેલી ગઝલ વિવેકભાઈ પાસેથી મળી છે. હવે લગાગા ના આવર્તનોનો વારો!

 9. ગઝલ નેી બહુ વધારે સમજ તો મને નથેી પરન્તુ તે જે લખ્યુ તે વાચ્વુ ગમ્યુ.અને તેમાનેી તારા શબ્દો દ્વારા વ્યક્ત થતેી વાતો મને સ્પર્શેી ગઈ …..! સુન્દર્ર રચના……!આમ જ લખતો રહે…!

 10. ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
  યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

  સરસ !

 11. ગઝલ મારો વિષય નથી કારણ હું છંદ કે અછાંદસ નહિ પણ સ્વછંદ છંદમાં ( pure prose only)
  એ મારિ પધ્ધતિ કે વિશેષતા છે.છતાં ક્યારેક -જેમ અહીં છે-ગઝલમાં ઉર્મિકાવ્ય પ્રપ્ત થાય ત્યારે
  તેમાં કવિતા માઝા મૂકે અને એક કડી પણ રસતરબોળ કરી જાય છે, અહીં ગઝલ અને ગીતનું
  સંયોજન વિષેશ છે;
  ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
  યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
  વિવેકભઈ વેબ પર અચાનક આવી પહોંચવુ ગમ્યુ, આભાર.

 12. વિવેકભાઈ,

  વાહ, વાહ! આખી ગઝલ સરસ થઈ છે. પણ આ શેર જરા વધારે ગમી ગયાઃ

  આજ વર્ષો પછી આપ પાછાં ફર્યાં, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
  ચાંદ સો-સો પૂનમનાય ઝાંખા પડ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

  નાડ સામાન્ય છે તોય લાગે છે તેજ, આજની રાત શા માટે લાગે વિશેષ ?
  આપ શું રાતના શ્વાસમાં તરવર્યાં ? આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

  નામ તારું લઈ, યાદ તારી લઈ, વાત તારી લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

 13. એક સુદર રદીફ પસદ કરી લખેલી સરસ ગઝલ પણ પહેલા ને બીજા શેરમા “આપ” સબોધન પછી આખરી શેરમા ”તારુ” અને “તારી” સબોધન ગઝલનુ સૌદર્ય હણે છે.

 14. ગૌરાંગભાઈ,

  શેર પોતાનામાં જ એક કવિતા હોવાથી વિવેકભાઈ મૂકેલો છેલ્લો શેર આમ તો યોગ્ય જ ગણાય. પણ એક સળંગ કવિતા તરીકે જોઈએ તો ગૌરાંગભાઈની વાત વિચારવા લાયક તો ખરી જ!

  મનમાં આવેલું એક version:

  આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

 15. સૈદ્ધાંતિક રીતે કદાચ હેમંતભાઈની વાત બરાબર લાગે પણ તાર્કિક રીતે ગૌરાંગભાઈ પણ સાચા છે. આ પૉસ્ટ મૂકી એ જ દિવસે મુંબઈથી મીના છેડાએ મને આ દોષ દેખાડ્યો હતો અને જે સુધારો હેમંતભાઈએ આજે સૂચવ્યો છે, હૂબહૂ એ જ સુધારો મેં એમને ઇ-મેઇલ વડે કરવાનું વચન પણ આપ્યું હતું… વ્યવસાયની વ્યસ્તતા હોય કે પછી સ્વભાવગત આળસ, એ સુધારો કરવાનું બાકી રહી ગયું એ રહી જ ગયું…

  આજે એ અમલમાં મૂકી દઉં છું…

  આભાર માનવો પડશે, દોસ્તો?

 16. यादों की बारात निकली है आज दिल के द्वारे
  सपनों की शहनाई बीते दिनों को पुकारे
  छेड़ो तराने मिलन के प्यारे प्यारे सङ्ग हमारे!
  आ जूनुं गीत याद आवी गयुं. अने आ तो शृङ्गारनी रात – हूंफाळा श्वासोनी रात – नाडीने तेज करी नाखनारां स्पन्दनोनी रात! अने मधुरी अनुभूतिनी ए मधुरी याद माण्या पछी मळती सुखद गाढ निद्रानी रात! विवेकने मनथी धन्यवाद.
  //એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા// – \\એક-બે યાદનાં ફૂલ રસ્તે મળ્યાં\\
  //આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા// – \\આજ કંઈ કેટલાં વરસે ઊંઘી શક્યા\\
  आ रचनाथी श्री कीर्तिकान्त पुरोहिते पोते अभिभूत थई गयानुं लख्युं छे. अभिभूत शब्दनो मूळ संस्कृतमां अने तेम ज आपणा कोशमां पण जे अर्थ छे ते हारेलो के अपमानित थयेलो. अभिभूत शब्दनो impressed एवा अर्थमां प्रयोग थतो में जोयो छे, पण एक पण कोशमां ए अर्थ नथी आप्यो. माटे एनो प्रयोग करवामां जरा सावधानी राखवी जोईए एवुं मने घणा वखतथी लागी रह्युं हतुं. कदाच विवेकना आ मञ्च पर नीर-क्षीर विवेक थई जाय!

 17. નિશીથભાઈની કમેન્ટ અંગે મારું મંતવ્ય:

  ભગવદ્ગોમંડલમાં અભિભૂત શબ્દનો એક અર્થ “જડ થયેલ” એમ આપેલો છે. એટલે કે જડવત્, સ્તબ્ધ, દિગ્મૂઢ, સ્તંભિત. બીજો અર્થ “વશ કરાયેલું” એમ પણ આપેલો છે. મને લાગે છે કે “અભિભૂત” શબ્દ આ જ અર્થમાં સૌથી વધુ વપરાય છે.

  અભિભૂત શબ્દ ગુગલમાં નાખીને સર્ચ કરતા જણાયું કે પહેલી દસ વેબસાઈટ્સમાં અભિભૂત શબ્દ આ જ અર્થમાં વપરાયેલો છે, જેમાં સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્યભાસ્કરની સાઈટ્સના વેબપેજીસ પણ છે.

  મને લાગે છે કે અભિભૂત શબ્દનો અર્થ પૂછીએ તો ૯૦%થી વધુ ગુજરાતીઓ એનો અર્થ સ્તબ્ધ, દિગ્મૂઢ, વશીભૂત એવો જ કહેશે. “અપમાનિત” એવો અર્થ કહેનારા તો સો એ પાંચ પણ કદાચ જ મળે.

  મારી દૃષ્ટિએ લોકો જે બોલે એ ભાષા વધારે મહત્વની. “છોટે મૂંહ બડી બાત” કહુ તો એ શબ્દનો પ્રયોગ બદલવાને બદલે ગુજરાતી શબ્દકોશમાં એ શબ્દનો પ્રથમ અર્થ જડવત્, સ્તબ્ધ, દિગ્મૂઢ, સ્તંભિત, વશીભૂત એમ દર્શાવવો જોઈએ.

 18. ખૂબજ સુંદર રચના.
  રહી રહીને એક વાત સ્ફૂરે છે, જો અંધકાર ખુશ્બુ ભર્યો લાગતો હોય તો પ્રકાશની
  તો વાત જ શી? શબ્દે શબ્દમાં ભાવના પ્રગટ થાય છે.

 19. દિવાળીની સુંદર ખુશ્બુદાર ભેટ!!
  જાણે મારો સ્ક્રિન પણ ખુશ્બુદાર થઈ ગયો.

  આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

  પ્રેમીની કે પ્રેમિકાની યાદ એટલે શું?

  એના ન હોવા છતાં એના અસ્તિત્વની અનુભુતિ.
  યાદનું તો એવું હોય છે કે ન કરો તો યાદ તો ય યાદ આવે.

  આવી જ રચનાઓ આવતા યુગોમાં પણ આપના તરફથી મળતી રહે એવી જ અભ્યર્થના.

  કંઈક અલગ પ્રકારની પ્રેમકથા વાંચવી હોય તો ઉપર મારા નામ પર ક્લિક કરવા કૃપા કરશોજી!

 20. Dr Vivek
  At the moment of Diwali, a nice gift from your side, it freshen up the mood
  we enjoyed
  Regds

 21. મજાની ગઝલ …

  ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
  યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

  આ ગઝલ લખ્યા પછી તમને જે આનંદ થયો હશે એ એમાં છલકતો દેખાય છે. મત્લાનો શેર ગઝલને અનોખો રંગ અને ખુશ્બો આપે છે.

  આજ વર્ષો પછી આપ પાછાં ફર્યાં, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
  ચાંદ સો-સો પૂનમનાય ઝાંખા પડ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

  દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ.

 22. એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.
  …..
  આખી ગઝલના શિરમોર સમા શબ્દોએ કઇ કેટલી યાદોને ઝણઝણાવી દીધી,

  જોકે એકલતાની રાહ પર ચાલ્યા જતા જ્યારે યાદ ‘ખુશબુ’ બનીને આવે છે ત્યારે એક બે ફુલો નહી ઉપવનોના ઉપવનો રસ્તામા પથરાયેલા મળી આવે છે.

  વધુ એક સુંદર ગઝલ પ્રણયોર્મીથી મહેકતી મહેકતી…

 23. સરસ…
  આપનુ નામ લઈ, આપની યાદ લઈ,આપની વાત લઈ જાગવાનુ થયુ,
  આજ કંઈ કેટ્લા વરસે ઉન્ઘી શક્યા, આજ અન્ધાર ખુશબો ભર્યો લાગતો.
  ખુબ જ સરસ..

 24. //જડવત્, સ્તબ્ધ, દિગ્મૂઢ, સ્તંભિત, વશીભૂત // आमांथी एक पण अर्थ श्री पुरोहितभाईना कथयितव्यने व्यक्त करी शके तेम नथी. गुजराती लेक्सिकॉन अने भगवद्-गोमण्डळनी डिजिटल आवृत्तिमां आपेलो एक पण अर्थ विधायक नथी. में तो लख्युं ज छे के अभिभूत शब्द impressed एवा अर्थमां वपरातो में घणे ठेकाणे जोयो ज छे. हेमन्तभाईनी ए वात तो ठीक छे के अमुक शब्दनो अमुक अर्थ प्रचलित थाय पछी भले मूळ अर्थ कंई पण होय, प्रचलित अर्थ ज एनो कायम गणवो जोईए. पण एमनी ए वात के 90% गुजरातीओ अभिभूत शब्दनो ए ज अर्थ जाणे छे ते तो जरा अतिशयोक्ति लागे छे. हुं नथी मानतो के व्यापक शिक्षित वर्ग पण एनो ए अर्थ जाणतोय होय! बाकी तो साम्यता, पुनरावलोकन, पुनरोच्चार जेवी केटकेटली अशुद्धिओ गुजरात समाचार, सन्देश वगेरेमां होय छे. तो ए बधी मान्य करवानी?

 25. આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
  આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !
  આજ કેટલા વરસે સુખની ઊંઘ મળી…પછી અંધાર ખુશ્બુ ભર્યો લાગે જ ને..ઃ)
  સપના

 26. પ્યાર વો દિયા હૈ જો બુઝાયે ના બુઝે ઔર જલાયે ના જલે !
  નૂતન વર્ષનાઁ સૌને મુબારકબાદ સાથે અભિનઁદન !!

 27. તમારી ગ ઝ લ લોકો ને મ્ જ બૂ ર ક્ રે પ્ર તિ ભા વ મા ટે અને લોકો ના પ્ર તિ ભા વ ત મા રી ગ ઝ લ ને મ જ બૂ ત ક રે ………જ્યોત સે જ્યોત જ્ગાતે ચ્ લો પ્રે મ કી ગ્ં ગા બ હા તે ચ લો………

 28. સરસ મજા નિ કવિતા સર આપનિ ગઝલ અવિ સરસ હોય કે સુ લખવુ સર

 29. પ્રિય શેતલ,

  આ ફોટો મારી પત્ની વૈશાલીનો છે અને મેં પાડ્યો છે… સ્થળ અને સમય તસ્વીર સાથે લખ્યા જ છે.

  આભાર…

 30. સરસ. રચના અને શબ્દો બન્ને હદય ને સ્પર્શિ ગયા.

 31. ખૂબ જ સુંદર અને ખૂશ્બુદાર રદીફ લઈને ઝૂલણા છંદમાં મસ્ત થઈ ઝૂલતી અને ઝૂલાવતી માતબર ગઝલ. મન ભરીને માણી. વિવેકભાઈને અભિનંદન!
  સુધીર પટેલ.

 32. તમારુઁ કુટુઁબ હવે તો પરિચિત છે જ !સૌને યાદ !

 33. તમે સાલમુબારક કહો તો સારુ લાગે,
  આ દુરનુ આકાશ મને મારુ લાગે,
  આ એક અમથુ ફુલ પણ સુન્દર લાગે,
  તમે મુન્ગા તો ઝરણ પણ ખારુ લાગે

 34. (ઘણા વખતથી ટીપ્પણી મૂકવાની રહી જતી હતી…)

  ખૂબ જ સુંદર ગઝલ… પઠન સાથે મૂકી હોત તો?!

  જો કે એક ધરમસંકટ થઈ ગ્યું-
  તારી ‘ખુશબૂ’નાં ચિત્રને વખાણું કે તારા શબ્દોનાં શ્વાસને ? 🙂

Comments are closed.