સુસ્ત-ચુસ્ત કાફિયાની મત્લા ગઝલ

(અપના કિનારા….                         ….ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

સિમ્પલ છે, જોવા નહીં મળે તમને કશે
આ વારતામાં ‘પણ’, ‘યદિ’, ‘અથવા’, ‘અને’…

વર્ષા પછીના વૃક્ષ સમ તું છે, પ્રિયે!
થોડી હવા ચાલી ને તેં ભીંજ્વ્યો મને.

શું શબ્દ, તું તો શ્વાસ પણ માંગી શકે,
બસ, પ્રેમથી એકવાર કહી દે, ‘આપ ને’

સ્મિત દઈને પૂછ્યું ‘કેમ છો’ એ દૃષ્ટિએ,
ઉત્તર દીધો ચૂકી ગયેલી ધડકને.

એવું નથી કે ભાગ્ય બસ, ભાગ્યા કરે,
એવું બને, જાણ જ ન હો પણ હો કને.

આયામ દિલના નિતનવા ખૂલ્યા કરે,
બંનેમાં વારંવાર થાતી અનબને.

તકલીફ વહેતી રહે સતત એક છત તળે,
બે જણ કિનારા થઈ રહે એ પણ બને.

રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.*

– વિવેક મનહર ટેલર
(૧૨/૧૩-૦૮-૨૦૧૭)

 

આખી ગઝલમાં બધા મત્લા જ છે. દરેક મત્લાના પહેલા (ઉલા) મિસરામાં સુસ્ત કાફિયા અને બીજા (સાની) મિસરામાં ચુસ્ત કાફિયા પ્રયોજ્યા છે. આપને આ પ્રયોગ કેવો લાગ્યો એ જણાવશો તો આનંદ.

(*= પુણ્યસ્મરણ : “ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ” -ઝવેરચંદ મેઘાણી)

(ધુંઆ ધુંઆ સા હૈ શમા…                 …કૌસાની, ૨૦૧૭)

12 thoughts on “સુસ્ત-ચુસ્ત કાફિયાની મત્લા ગઝલ

  1. બે જણની, બે જણ વચ્ચેની, બે જણ માટેની, અંગત રીતે જાહેરમાં વંચાતી વાર્તા…એક પ્રયોગશીલ, કૈંક મુસલસલ બનતી ગઝલમાં! વાહ!

  2. સિમ્પલ છે, જોવા નહીં મળે તમને કશે
    આ વારતામાં ‘પણ’, ‘યદિ’, ‘અથવા’, ‘અને’
    Waah!

  3. ગઝલ સરસ , મજેદાર .
    પણ સુસ્ત કાફિયાને સુસ્ત કે મુક્ત કહેવાને બદલે હું ગુપ્ત કાફિયા કે છદ્મ કાફિયા કહેવાનું પસંદ કરીશ

Comments are closed.