મવાલી નીકળે…

0_img_9926-copy(ખાલી…..                       ….સિંગાપોર, ૨૦૧૬)

*

સંગ્રહમાંથી પસાર થતી વખતે અચાનક ખ્યાલ આવ્યો કે આ રચના વેબસાઇટ પર તો મૂકી જ નહોતી…  એટલે આજે આ એક જૂની રચના નવેસરથી આપ સહુ માટે… )

*

પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !

કાંદા પેઠે પડ ઉતારે એક એક,
છેક અંદરથી એ ખાલી નીકળે.

હાથ કાળો મેંશ થઈ પાછો મળ્યો,
સગપણો શેની દલાલી નીકળે ?

હું લિસોટા હાથના જોયા કરું,
વારસામાં પાયમાલી નીકળે.

સ્વપ્નના પાંચીકડે રમતા રહો,
બાળપણ છે, દોસ્ત ! ચાલી નીકળે.

પીઠ દઈને આંસુ જ્યાં બેસી શકે,
ભીંત કોઈ તો રૂમાલી નીકળે.

માનવી વિકસિત છે એવો ખયાલ,
માનવીને મળ, ખયાલી નીકળે.

જ્યાં ડૂબ્યાં મુજ શ્વાસનાં બારે જહાજ,
શબ્દની જાહોજલાલી નીકળે.

(૧૭-૦૬-૨૦૦૭)

*

0_img_1788
(સાપેક્ષ……                          ….મરિના બે સેન્ડ્સ, સિંગાપોર, ૨૦૧૬)

14 thoughts on “મવાલી નીકળે…

 1. કાંદા પેઠે પડ ઉતારે એક એક,
  છેક અંદરથી એ ખાલી નીકળે.

  🙂

 2. કાંદા પેઠે પડ ઉતારે એક એક,
  છેક અંદરથી એ ખાલી નીકળે.

  હાથ કાળો મેંશ થઈ પાછો મળ્યો,
  સગપણો શેની દલાલી નીકળે ?

  Kya baat

 3. ભીંત કોઈ રૂમાલી નીકળે
  શું વાત છે 👌👌👌

 4. પીઠ દઈને આંસુ જ્યાં બેસી શકે,
  ભીંત કોઈ તો રૂમાલી નીકળે.

  માનવી વિકસિત છે એવો ખયાલ,
  માનવીને મળ, ખયાલી નીકળે.
  વાહ! ખૂબ સુંદર રચના!

 5. જ્યાં ડૂબ્યાં મુજ શ્વાસનાં બારે જહાજ,
  શબ્દની જાહોજલાલી નીકળે….ા
  Waah !

Comments are closed.