એન્ડ્રોપૉઝ કે ?

(મૈં નહીં બોલના જા….                                                               …સિંગાપુર, ૨૦૧૬)

*

(મંદાક્રાન્તા)

સૂતાં બંને પરસપરની બાંહમાં રોજ પેઠે,
વચ્ચે પેઠો અણકથ ડૂમો, મૂકશે કોણ હેઠે ?
ના કો’ ચૂમી, તસતસ થતાં કોઈ આલિંગનો ના,
હોઠોમાં કંપન હળવું છે, મૌન છે તોય વાચા.

છે તારામૈત્રક ઉભયમાં, કૈંક તોયે ખૂટે છે,
આશા-સ્વપ્નો હરિતવરણાં, કોણ બોલો, લૂંટે છે ?
છે બંનેના નયન તર એ હાલ બંને જુએ છે,
આંખોથી તો દિલ વધુ, અરે ! પોશપોશે રુએ છે…

નાયેગ્રા જે રગરગ મહીં દોડતો એ ગયો ક્યાં ?
વાયેગ્રા લૈ કરકમળમાં ચાલવાના દિ’ આવ્યા.
બેઠો કેવો ડર ઘર કરી, સ્પર્શ પાછા પડે છે !
સાથે વીત્યાં સુખ-દુઃખમાં એ વર્ષ કાચાં પડે છે.

થાકોડો છે વધત વયનો ? પ્રેમ આછો થયો શું ?
કે પ્રેમીના ઉરઝરણની મધ્ય આવી ઊભો ‘હું’ ?

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૬)


(માની જા ને ભઈલા….                                                                 …સિંગાપુર, ૨૦૧૬)

11 thoughts on “એન્ડ્રોપૉઝ કે ?

  1. wahh wahh vivekji.. shneh na zarnane sex na karne thodu sukava devay???

  2. ભઈ વાહ..!
    વધતી વય સાથે આવતી સમસ્યાનું ખૂબ સુંદર, કાવ્યમય આલેખન.

  3. ખૂબ સરસ .
    આજના સમયમાં સમય અને વધતી જવાબદારી માં કાવ્ય સાથે રજુઆત આ વિષય પર ઘણા લોકોને મદદ રૂપ થશે.

Comments are closed.