આરપાર

  reflection by Vivek tailor
(પ્રતિબિંબની આરપાર… …શ્રીનગર એરપૉર્ટ તરફ જતાં ચાલુ કારમાંથી, મે ૨૦૧૪)

*

હું સંબંધની આરપાર જઈ શકતો નથી.
માંદ એકાદ દુઃખવગો ઊંડો ઊતરું
કે એક-બે સુખવેંત સ્પર્શું, ન સ્પર્શું
ત્યાં તો
મારાં કપડાં મારી ચામડી પહેરીને નાગાં થઈ જાય છે.
જે આવતીકાલે ઊગીને ભોંકાવાના છે
એ વાળ
દાઢીની બે પળ નીચેથી દેખાવા માંડે છે.
હું જે કહેવા માંગું છું
એ વિચારો
ભવિષ્યની જીભ પર ઊગી આવે છે જંગલ જેવા
પછી
એ જંગલમાં ગોઠવીને રાખેલા બે-ચાર શ્વાસભર શબ્દો બિચારા ભૂલા પડી જાય છે.
આંખોની ખીંટી પર
નફરતની સાઇઝની બે-ચાર દૃશ્યનિંગળતી વેદના ટિંગાવા માંડે છે.
હું બે પગલાં જેટલું જ માંડ હસું છું
તેવામાં તો
હું જેવો છું તેવો દેખાવા માંડું છું
હું જેવો છું તેવો કોઈ સ્વીકારી શકતું નથી.
હું જેવો છું તેવો કોઈ સ્વીકારી શકે એમ નથી.
હું સંબંધની આરપાર જઈ શકતો નથી.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૭-૨૦૧૪)

*

Pahalgam by Vivek Tailor
(પળોના જંગલોમાં…               …પહલગામ, કાશ્મીર, ૨૦૧૪)

8 thoughts on “આરપાર

 1. ભાવક ના મનની આરપાર ના જશો નહીં તો ત્યાં કોઈ “જજ” થઈ ને બેઠું હશે…અરે ક્યા કયા વિષય પર લખશો? જ્યારે લખો છો હ્રદય સ્પર્શી લખો છો વિવેકભાઈ….લખતા રહો …સ્-રસ લખતા રહો ને વાચકો ને કવિતા પીરસતા રહો…રક્ષાબંધન ના શુભાશિષ સહ !!

 2. હું જેવો છું તેવો દેખાવા માંડું છું
  હું જેવો છું તેવો કોઈ સ્વીકારી શકતું નથી.
  હું જેવો છું તેવો કોઈ સ્વીકારી શકે એમ નથી.
  હું સંબંધની આરપાર જઈ શકતો નથી.
  સુંદર દર્શન
  જીવનના તમામ આયામોમાં સંતુલન જરૂરી શરીર છે એવો ખ્યાલ પણ ન આવે તો તન અને મન બંને સ્વસ્થ. માણસને હું છું તેમ કહેવું પડે છે. ઘટનાને જોડ્યા અને તોડ્યા વગર બહાર દેખાવાનું મુશ્કેલ. આપણે કાંઈક છીએ એવો ખ્યાલ જ તમામ ઉપદ્રવોનું કારણ. ખરાબ માણસોને જેટલી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળે છે તેટલી સારા માણસોને મળતી થાય તો કોઈ ખરાબ રહે નહીં

Comments are closed.