દોઢવેલી ગઝલ

PA312667
(જે રીતે ટોચથી….                 ….ડાંગ, 2011)

*

સતત કંઈક નવું અને જરા હટ-કે કરવાની મારી ખંજવાળના પરિણામસ્વરૂપ આજે આપ સહુ માટે આ દોઢવેલી ગઝલનો વિશિષ્ટ પ્રયોગ… ઉલા મિસરા (પ્રથમ પંક્તિ)માં ગાલગાના પાંચ આવર્તન અને સાની મિસરા (બીજી પંક્તિ) માં ગાલગાના ત્રણ આવર્તન… આશા છે મારા બીજા પ્રયોગોની જેમ આ પ્રયોગ પણ આપને ગમશે…

*

જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
એમ મારામાં તારું સ્મરણ.

એ રીતે શ્વાસમાં પહેરું છું હું ગઝલનું રટણ,
એ જ ના હોય કંઠાભરણ !

જ્યાંથી બે માર્ગ ફંટાયા હંમેશ માટે એ ક્ષણ,
ત્યાં જ અટકી ગયો છું હું, પણ…

જિંદગી ઝંખતી – કો’ક દિ થાય વૈયાકરણ,
હાય હૈયું ! અભણનું અભણ.

કોણ શોધી શક્યું, કોણ શોધી શકે, પ્રેમમાં-
શી રીતે થાય હૈયાંતરણ ?

એ જ આશે હું વાંચું છું આ ચોપડી કે હશે
ક્યાંક એ નામનું અવતરણ.

ખિસ્સું એકેય ખોલાય નહીં શબ્દનું તારે ત્યાં
એટલું મૌન વાતાવરણ.

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૨-૨૦૧૪)

*

IMG_8823
(બે માર્ગ….                                 …ભરતપુર, ફેબ્રુ, 2014)

21 thoughts on “દોઢવેલી ગઝલ

 1. વાહ…ક્યા બાત હૈ…માન ગયે….
  નવું અને અતિસુંદર..
  જિંદગી ઝંખતી – કો’ક દિ થાય વૈયાકરણ,
  હાય હૈયું ! અભણનું અભણ.
  એ જ આશે હું વાંચું છું આ ચોપડી કે હશે
  ક્યાંક એ નામનું અવતરણ.
  સરસ…સરસ…

 2. ઉલા મિસરા ગાલગાના પાંચ આવર્તન અને સાની મિસરા ગાલગાના ત્રણ આવર્તન લઈને ચાલતી આ ગઝલને શું કહીશું? દોઢવેલી ગઝલ? વિષમ છંદ ગઝલ? જે કહેવું હોય તે કહો
  આ પ્રયોગ ગમ્યો– કવિનો ખુમારીદાર મિજાજ ગમી ગયો

  જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
  એમ મારામાં તારું સ્મરણ.

  એ રીતે શ્વાસમાં પહેરું છું હું ગઝલનું રટણ,
  એ જ ના હોય કંઠાભરણ

  વાહ

  વૈયાકરણાચાર્ય પાણિનિના નિરૂપણમાં ક્લિષ્‍ટતા છે, હેમચન્‍દ્રાચાર્યના નિરૂપણમાં સરળતા અને વ્‍યવહારીકતા છે ત્યારે અહીં કવિએ પોતાની મૌલિક ઉદ્દભવનાઓ પ્રસ્‍તુત કરી છે—
  હાય હૈયું ! અભણનું અભણ.
  સમૃદ્ધિના શિખરે પણ છકી ન જવાની ચિવટાઈ સ્પર્શી ગઈ. નાના અમથા હૃદયમાં બીજું કશું ન માઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રેમના અઢી અક્ષર જ સમાઈ શકે તોય કવિ ખુશ છે.
  કોણ શોધી શક્યું, કોણ શોધી શકે, પ્રેમમાં-
  શી રીતે થાય હૈયાંતરણ ?
  અને જિંદગી પાસેથી ભલે દુઃખ અને વેદનાની કાળી શાહી કેમ ન મળે, કવિ એના કાવ્યોને રંગીન ઓપ જ આપવા માંગે છે…
  ખિસ્સું એકેય ખોલાય નહીં શબ્દનું તારે ત્યાં
  એટલું મૌન વાતાવરણ.

 3. શ્બ્દ ને ખિસ્સામા રાખિ ને કમાલ કરિ

 4. આપનો નવતર વિશિષ્ટ પ્રયોગ આવકારદાયક બની રહે છે, અમને પણ નવુ માણવાનુ મળ્યુ, આપને અભિનદન ,આપનો આભાર………………….

 5. ખુબ જ સુંદર પ્રયોગ વિવેકભાઈ….

 6. સુંદર પ્રયોગ વિવેકભાઈ.. અને પઠનમાં પણ ચમત્કૃતિ બરકરાર !

 7. શ્રી વિવેકભાઇ

  છંદ, ગઝલનું બંધારણ , મિસરા, આવર્તન વગેરે માં બહુ સમજ નથી પડતી પણ ગઝલ ખુબ ગમી.
  એમાં પણ પ્રથમ શેર….
  જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,એમ મારામાં તારું સ્મરણ.

  અને
  ખિસ્સું એકેય ખોલાય નહીં શબ્દનું તારે ત્યાં
  એટલું મૌન વાતાવરણ.

  આ બને શેર ખુબ જ ગમ્યા ……
  સુંદર ગઝલ આપવા બદલ આભાર …..
  ડૉ . અમિષ આચાર્ય….

 8. Pingback: ગઝલ – રમણીક સોમેશ્વર | લયસ્તરો

Comments are closed.