આપણી વાતો

camp fire by Vivek Tailor
(આનંદ…                          …નામેરી, અરુણાચલ પ્રદેશ, નવે. ૨૦૧૦)

*

‘ए दिल-ए-नादान, आरजू क्या है ? जूस्तजू क्या है?’ – આ ગીત પહેલેથી પ્રિય. “ગાલગાગાગા”ના આવર્તન લઈ લખાયેલ બીજી કોઈ ગઝલ કદી નજરમાં ચડી જ નહીં. આ છંદ વાપરીને ગઝલ લખવાનું જેટલીવાર વિચાર્યું, લખી જ શક્યો નહીં… અચાનક લેહ-લદાખની ધરતી પર આ છંદમાં, પણ એક જ આવર્તનમાં, આ ગઝલ કાગળ-પેન વળોટીને સીધી મોબાઇલમાં જ ટાઇપ થઈ ગઈ…

*

આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?

દાઢીની જેમ જ,
વાઢી છે રાતો.

તું વગરનો હું ?
છું તો છું ક્યાં તો ?

તું અને શબ્દો,
શ્વાસનો નાતો.

શબ્દ છે ને શ્વાસ,
કોણ ચડિયાતો ?

મૌન થઈ થઈને
શબ્દ પડઘાતો

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૬-૨૦૧૩)

*

evening by Vivek Tailor
(આનંદ…                          …નામેરી, અરુણાચલ પ્રદેશ, નવે. ૨૦૧૦)

10 thoughts on “આપણી વાતો

 1. આ ગઝલ વિષે શું લખવું !! પડઘાતા જતા શબ્દો ઘેરી અસર કરી મૌનમાં પરિવર્તિત
  થઇ જાય છે.

 2. વારંવાર ઉમદા કહી દેવાથી વાત પૂરી થઈ જતી હશે ખરી… એકનો એક શબ્દ કેટલી હદે અભિવ્યક્તિને વ્યક્ત કરી શકે એવો વિચાર પણ આવ્યો.
  એક તો આ ગીત મારું પણ અત્યંત પ્રિય છે… પણ એને આ રીતે માણવા મળશે એનો અંદાજો ન હતો.
  શરૂઆત જ …
  આપણી વાતો,
  કેટલી રાતો ?…
  એક જ આવર્તન પણ અર્થવિસ્તાર વિચારીએ તો ….

 3. મીનાજી, તેમ છતાં હું તો કહીશ –વાહ વાહ–

 4. ટૂંકી બહેર ની સુંદર ગઝલ
  શબ્દ છે ને શ્વાસ,
  કોણ ચડિયાતો ?

  મૌન થઈ થઈને
  શબ્દ પડઘાતો
  અ દ ભૂ ત અભિવ્યક્તી
  શબ્દ છે ને શ્વાસ…
  હજુ અમને જવાબ જડ્યો નથી…
  કદાચ જડશે પણ નહીં
  સત્ય ફક્ત મૌન

 5. મૌન થઈ થઈને
  શબ્દ પડઘાતો
  બધુ અનુભવાતુ હોવા છતાં છેવટે તો મૌન નો જ સહારો હોય છે, ડો વિવેકભાઈ ઓછા શબ્દોમા ઘણુ કહી દીધુ,ફોટોગ્રાફ્સ પણ ખુબ સરસ છે,,,,,,,,,

 6. ટૂંક બહેરમાં મજાની ગઝલ…..!!!

 7. હરનિશભાઈ
  મારા તરફથી પણ વાહ! તમારી વાત કબૂલ…

Comments are closed.