![]()
(પીળું સોનું…. …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)
છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા
-
વાહ…
મને તો આ છેલ્લો શેર બહુ જ ગમી ગયો….શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.અને ડોક્ટર સાહેબ..
તમારુ આ prescription બહુ જ ગમ્યું. ચોક્કસ એના પર અમલ કરીશું. -
વાહ…
મને તો આ છેલ્લો શેર બહુ જ ગમી ગયો….શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.અને ડોક્ટર સાહેબ..
તમારુ આ prescription બહુ જ ગમ્યું. ચોક્કસ એના પર અમલ કરીશું.
-
સુંદર ગઝલ વિવેકભાઈ! “વચ્ચે મૂકી ગઝલો વાંચજો” જેવા “બંધનકર્તા” રદીફને સહજતા ચલાવવો ખરેખર અઘરુ કામ છે.
આ અશઆર ખૂબ ગમ્યાં:
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.જોજનો દૂર થઈ ગયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.“જોજનો દૂર..” વાળા શેરમાં દૂર ને એક ગુરુમાં સમાવી નિર્વાહ્ય છૂટ જ લીધી છે. પણ પઠન વખતે “દૂર”નું જ્યારે “દુર” કરીને વાંચવું પડે છે ત્યારે થોડુંક તો કઠે છે. એવો જ એક શબ્દ “પીડા” છે જેનું “પિડા” કરવાથી ઉચ્ચારની સહાજીકતા તુટતી હોય એમ લાગે છે. ઘણા શબ્દોના પઠનમાં આ ફરક ધ્યાનમાં આવતો નથી. જેમકે વીજળીનું વિજળી, બીમાર નું બિમાર વગેરે વગેરે. ઉચ્ચારની આ માથાકૂટમાં છૂટછાટો અંગે ફેરવિચાર કરવાની ઈચ્છા થઈ આવે છે.
આ બધું અહીં લખું છું કારણ કે આપની site એક e-મુશાયરાથી કમ નથી. અહીં વાત કાઢીએ તો ઘણા ભાવકો અને શિક્ષકો પાસે સહજતાથી પહોંચી જવાય છે.
-
કેટલુ સચોટ છે! કંઈ પણ સમજવા-માણવા માટે શ્વસતા આત્માની જરૂર છે. અભિનન્દન!
ડૉ. નિશીથ ધ્રુવ. -
શ્રી પુણેકરની ટિપ્પણી વિષે એટલું જ કહીશ કે કાવ્યના કોઈ પણ પ્રકારમાં જોડણીની છૂટ વૈધ છે. ઉચ્ચાર તો ગાવાની અનુકૂળતા પ્રમાણે કરાય એ જ અપેક્ષિત છે. મરાઠી ભાષામાં પદ્યમાં ગાવાને છન્દ કે ગાવાને અનુકૂળ જોડણી કરાય છે.
નિશીથ. -
વાહ્
આ પંક્તી વધુ ગમી
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
મનગણ ગણવા લાગ્યું
ફક્ત વાંચવું? ના હું તો ગાઈશ
વડીલ કહે ધગેડા ગણશે!
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
આ શેર પર તો નાચીસ!
તો કહે ગઝલ મરતા મૃગની ચીસ.હઝલ પર નચાય
આ તો અમારી વાત-
બધાને મઝા આવી
યાદ આવી
ભાષાની ભરમાળ મહીં હું
ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો
…સૌ વાગોળીને બેઠી છું. -
આપનાં બહુ ગમેલા શે’ર ફરીથી માણું છું………………..
જડ બધી ઈંટો વચાળે જીવતી રાખી ગઝલ
શ્વાસ ને સીમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.છે બધે અંધાર તેથી બાળું છું હું જાતને,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.શબ્દમાં ગાઈ લઉં છું હું હવે પીડા બધી,
આંસુઓની સેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
સુંદર ગઝલ,જય ગુર્જરી,
ચેતન ફ્રેમવલા -
પહેલા ગઝલ વાંચી ગઈ ત્યારે મને પણ તરત ‘દૂર’ શબ્દને એક ગુરુ તરીકે અને ‘પોતીકો’ નો ‘તી’ ને લઘુ લીધેલો જોઈને મનમાં તરત જ સવાલ ઉઠ્યો… (એમ પણ ગુરુ અક્ષરોને શબ્દોની મધ્યમાં સ્વીકારીત-લઘુ તરીકે ક્યારે લેવાય એની ગડમથલમાં હું કાયમ હજી અટવાઉ જ છું) પછી નીચે કોમેન્ટ જોઈ ત્યારે હેમંતે ચાલુ કરેલી ચર્ચા જોઈને મજા જ આવી ગઈ…
વૃંદાવનવાળો શેર તો સરસ જ થયો છે… પણ એક સવાલ ઉઠ્યો છે:
‘મોરપિંછ’ ની સાચી જોડણી ‘મોરપિચ્છ’ કે ‘મોરપીછ’ નથી? અને માથે અનુસ્વાર પણ નથી આવતો કદાચ… મોરપીછું બોલીએ તો જ ‘છુ’ ને માથે અનુસ્વાર આવે છે… યોગ્ય જાણકારી મને પણ કામ આવશે.રદીફ બરાબર હોવા છતાં ‘ગઝ’ ને દરેક શેરમાં વારંવાર ગા તરીકે લઈને ગાવાનું મને બહુ ગમ્યું નહીં… ‘[આ] ગઝલને વાંચજો’ જેવું બોલવાનું જેટલું સરળ અને સહજ લાગે એટલું ‘ગઝલો વાંચજો’ નથી લાગતું… અને આ વાત કદાચ દરેક શેરમાં થતાં રદીફનાં આવર્તનને લીધે મને વધારે હોઈ એવું લાગે છે.
છેલ્લા બે શેર તો ખૂબ જ ગમ્યાં…
એમાંય મનનાં ઈન્ટર-નેટ હોવાવાળી વાત તો ખૂબ જ ગમી ગઈ. -
Diff. kafiya like “internet” & “cement” r really nice…lt’s time to do something new,out of box,ahead from the old way….bye…tc…
-
સરસ ગઝલ્
-
સરસ ગઝલ..
હેમંતભાઈ, ઉર્મિબેને સરસ મુદ્દે ચર્ચા ઉપાડી છે. વિવેકભાઈની સ્પષ્ટતા ગમી. જાણકારો દ્વારા વધુ ચર્ચાને અવકાશ છે. મારા જેવાને નવું જાણવા મળશે. -
મોરપિચ્છ્ બસ એક વચ્ચે મૂકીને તમારેી આ ગઝલ વાઁચી !
આભારસહ અભિનદન ! -
મને તો પ્રથમ બે શેર વધારે ગમ્યા.
એનો ભાવ સ્પર્શેી ગયો.
-
પિચ્છ એ મૂળ સંસ્કૃત શબ્દ છે અને એનું ગુજરાતીકરણ થતાં પીંછ કે પીંછું રૂપો થયાં. મોરપિંછ-મોરપીછ-મોરપીછું ત્રણેય ખોટી જોડણી છે. પિચ્છ અનાસિક્ય છે, પીંછમાં પ્-વ્યંજન જોડે અનુનાસિક દીર્ઘ ઈ છે અને પીંછું શબ્દમાં પ્-વ્યંજન જોડે નાસિક્ય દીર્ઘ-ઈ છે અને છ્-વ્યંજન જોડે નાસિક્ય હ્રસ્વ-ઉ છે. કોશનો નિયમ ૩૨ સાફ છે કે કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્ર્સ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં. એટલે વિવાદને સ્થાન જ ક્યાં છે? ઈન્ટર-નેટ પણ ખોટી જોડણી છે – ઇન્ટર-નેટ શુદ્ધ છે. પુનરુક્તિનો દોષ વહોરીને કહું છું કે પદ્ય-લેખનમાં જોડણીની છૂટ લેવાની ન હોય તોય લેખનદીર્ઘ સ્વરોને લઘુ તરીકે અથવા લેખનહ્રસ્વ સ્વરોને ગુરુ તરીકે વાપરવાની સમ્પૂર્ણ છૂટ છે જ અને એને દોષ ગણી શકાય નહિ.
નિશીથ ધ્રુવ -
શબ્દમાં માઈ શકે એવી નથી પીડા બધી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
………………………………………………………..
ભાવનાઓના અનેક જાળા રચતા શબ્દો જાણે શબ્દો નથી રહ્યા..
અકથ્ય વેદનાને સાત્વિકતાનો સૌમ્ય સ્પર્શ મળ્યો આ શબ્દોથી,
……………………………………………………………
‘મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.’ -
ખબર ચ્હે મને તારિ યાદો માથ્હેી ભુસઐઇ ગયો ચ્હુ..પન્હ મારુ નામ વચ્ચે મુકિ ગઝલો વન્ચ્જો
-
માહિતી ગમી માટે આભાર. પણ મોરપીંછું શબ્દ કાનમાં જચતો નથી, મોરપીંછ સામાન્ય વપરાશમાં છે. ઊર્મિબહેને વળી મારા નામની જોડણી ખોટી કરી! નિશીથ ખરી જોડણી છે. અત્રે જોડણીની વાત થા છે માટે આ લખ્યું બાકી હું તો અનાગ્રહી છું!
નિશીથ -
અત્રે પત્ર લખતી વેળા નિજી કી-બૉર્ડ વાપરવું હોય તો શું કરવું? આ કી-બૉર્ડ વડે ઓઙ્કાર, અવગ્રહ વગેરે કેમ બતાડાય?
ડૉ. નિશીથ ધ્રુવ -
ગઝલ પઠન કરતી વખતે ‘મૂકી’ ધ્યાનથી સાંભળજો. કી ભલે લેખનમાં દીર્ઘ હોય, પ્રસ્તુત ગઝલ માટે તો લઘુ જ છે કે નહિ? પણ પઠનમાં ક્યાંય બાધા આવે છે? જોડણીમાંનાં હ્રસ્વ-દીર્ઘત્વ અને કાવ્યમાંનાં લઘુત્વ-ગુરુત્વ વચ્ચે સંગતિ સદા-સર્વદા શક્ય પણ નથી, આવશ્યક પણ નથી. પઠનમાં ક્યાંય લય-તાલ ખટકે નહિ અને શબ્દો અને ભાવ મનને સ્પર્શે એ જ બધુ મહત્ત્વનું છે.
નિશીથ -
ગઝલનો આનંદ લેવા લખી ગઝલો
એ આનંદથી માણી ગઝલો વાચંજો…..તમે ગઝલના જાદુગર છો!!!
તમારા પેશન્ટ થવાનું મન થઈ આવે છે!! -
અફલાતુન !
-
શબ્દમાં માઈ શકે એવી નથી પીડા બધી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
Dear Vivek Taylor (Doctor),
Keep sending to Boston,
I love to read your Gazals and Poems.
I wish You can put in this in the brail.
Many who can not read will enjoy too.
Do cotact our school.Rajendra
http://www.bpaindia.org -
યાત્રા વૃંદાવનની કરવી કે ગઝલના ગામની ?
મોરપિંછ બસ, એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે તોય
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.મારા મતે હ્રસ્વ-દીર્ઘ ઈ કે ઉ ને લઘુ કે ગુરુ બનાવવામાઁ એટલો દોષ નથી જેટલો આ /એ / ઓ વગેરેને હ્રસ્વ કરવામાઁ દોષ છે.
ઉપરની ચર્ચાઓના દાખલાઓમાં મને કોઈ જ દોષ જણાતો નથી.જે જણાય છે તે ફક્ત યાત્રામાંનો ‘ત્રા’ ; પોતીકો લાગે એ ખાતર માંનો ‘એ’ અને અડધા માંનો ‘ધા’; ગુજરેમાંનો ‘રે’ આટલા ગુરુઓને બળજબરીથી લઘુ કરાયા જણાય છે. આને હું દોષ જ સમજું છું પરંતુ ગઝલકારો એની છુટ આપતા હોવાનું કહેવાય છે.
બાકી તો ગઝલની મસ્તી જ માણો – એ તો કોઈ ઑર જ છે !! ધન્યવાદની જ અધીકારીણી છે આ ગઝલ. -
ઉત્તમ રચના ….ઉત્તમ શેર્……પણ મેીટ્ર્ના દોષ દૂર થાય તો સારુ.
Sur na janme share ma ગા લ ગા ગા , ગા લ ગા gujare પાસે પૂર્ણ થાય છે અને ” તોય” વધારાના છે .
vrindavan શબદ બદ્લાય તો બેહ્તર ….વજન તુટે છે
ંરદિફ ના શબ્દો “મૂકી ગઝ્લો” ગા લ ગા ગા ના વજન્મા નથી
વિવેકભાઈનુ ભાવ્વિશ્વા વધુ strong છે !Sanjay Pandya , mumbai .
-
ઘણા કવિમિત્રો અને જાણકારમિત્રો તમારી આ ગઝલના બંધારણ વિશે જે ત્રુટિઓ અંગે વાત કહે છે તે જ હું પણ કહીશ.
જરા વધારે પડતી જ છૂટ લીધી છે.બાકી તો બાની બરાબર છે.અભિનંદન !! -
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.જોજનો દૂર થઈ ગયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.સુંદર શેર.
-
વિવેક અને ટેઈલર બન્ને શબ્દો જાણે કે કાવ્યના આંતર-બાહ્ય કલેવરના સુચક હોય તેવું જણાય છે. વ્યવસાયે ડૉક્ટર અને શોખે કાવ્યસર્જક એવા વિવેક ડૉક્ટર-’સર્જન’ અને સર્જક છે !!
એમનું આંતરજગત વિવેકસભર છે અને કાવ્યોનું બાહ્ય કલેવર ટેલરીંગની કુશળતા અને કારીગીરીથી શોભે છે. એમનો કાવ્ય સાથેનો જ નહીં, ભાવકો સાથેનો સંબંધ પણ વિવેકપુર્ણ છે.
એમનાં સર્જનોને “મોરપીંછું એક વચ્ચે મૂકી” આપણ માણીશું…..
-
ગુજરાતી ભાષામાં આ, એ અને ઓ એ ત્રણેય સ્વરોનાં પણ હ્રસ્વ તથા દીર્ઘ બન્ને રૂપો સ્વીકૃત છે જ, ભલે લિપિમાં એવી વ્યવસ્થા ન હોય. માટે એમનો લઘુ-ગુરુ બન્ને રીતનો પ્રયોગ વૈધ ગણાય.
નિશીથ. -
ગઝ્ લ વાચવા ની શુ મજા આવી ગઈ*
-
બહુઆયામી ગઝલ અને એવાં જ વૈવિદ્યપૂર્ણ મતમતાંતરો. કાવ્ય/વિવેચન સત્ર માણવાની મજા આવી વિવેકભાઈ.
ક્યાં, કેટલી છૂટ, કેવી રીતે નભે, એ જ તો કવિકૌશલ છે ને? (રીઢા રસોયાની રસોઈ અને લોકભોગ્ય રૅસિપીની રસોઈના તફાવત જેવું ક્શું કાવ્યસર્જનમાં પણ પરખાય ખરું?).
ઉપસંહારમાં આટલું કહું?
છંદબંધારણ રહે, વૈયક્તિક ઉચ્ચારણ સહે અને પ્રિય! કર્ણધારણ કહે એ રીતે ગઝલો વાંચજો! -
ઉત્તમ રચના ….ઉત્તમ શેર્……
-
આ ફલક પર નિષ્પક્ષ ચર્ચાને ખુલ્લા દિલનો આવકાર, વેબસાઈટની ગરિમા સૂચવે છે.. દરેક અભ્યાસુ માટે નિઃશંક બહુમૂલ્ય ખજાનો !! રહી વાત ગઝલની , તો વૃંદાવન , વાંસળી ને મોરપિચ્છ થી ગઝલનાં મંડાણ કરી ઈન્ટરનેટ ને સિમેન્ટ સુધીનું ખેડાણ ડોક્ટર કવિનાં ભાવવિશ્વનું વિશાળ ફલક સૂચવે છે.. દરેક શેર અર્થસભર , મર્મવેધી અને બોલકો… આખરે તો અનુભૂતિ એ જ સાચો આનંદ !!
-
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજોલાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો….awesome..beautiful…..:) -
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો
superb

55 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/225/trackback