એ આશામાં જીવે છે લાશ…


(ભલે શૃંગો ઊંચા….                 …ચિતકૂલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

નસોમાં ભાવનાના ઊઘડે શું નિત-નવાં આકાશ ?
રુધિરની એની એ ક્ષિતિજ, હૃદયમાં શી નવી ગુંજાશ ?

દુઆઓની કીધા કરવાની મારે વાવણીઓ ફક્ત;
દુઃખોની એની એ મળતી રહે હંમેશની પેદાશ.

મને શી જાણ કે તુજ વાંસળીનો છે નદીમાં અંત ?
મુષક મારા આ દિલના ઊલટું ધારી ચૂમ્યાં’તાં તુજ પાશ.

‘હવે હું છું સુખી’ કહેતાં રડેલી આંખ તું ના દેખ,
દદડવાની છે આદત આંસુને તો જો મળે અવકાશ.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

તરત તૂટી ગયું એ પણ, ઉઠાવ્યું મેં જો સુક્કું પર્ણ;
હું સુક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;
સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ !

નવાં ગીતો સુણાવ્યા હોત મેં પણ પ્યારના ઢગલોક,
નવી બસ એક દીધી હોત મુજને દાદ કોઈ, કાશ !

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૫-૧૯૮૯)

છંદ-વિધાન : લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગાગાગા

36 thoughts on “એ આશામાં જીવે છે લાશ…

 1. ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;
  સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ !

  શબ્દોના ઉપયોગની આગવી સૂઝ કેવી ચોટદાર ઉક્તિ સર્જી શકે તેનુ એક સુંદર ઉદાહરણ આ કૃતિ … અભિનંદન!
  ……………… હરીશ દવે અમદાવાદ

 2. ફૂલોમાં શ્રેષ્ઠ ફુલ ગુલાબનું..પણ અહીં તો હર શેર એક ગુલાબ..! બહુત અચ્છે જનાબ. દીલ બાગબાગ થઈ ગયું. કયા બગીચે બેસી આ લખ્યું, કહો સરનામું. શેર નં.૧,૫,૭ વીશેષ ગમ્યાં.

 3. ૧૯૮૯ની સાલમાં આ ગઝલ લખી હતી… કોલેજના પહેલા વર્ષની વાત ! ‘કયો બગીચો’ પ્રશ્ન વાંચતા જ વિનોદ જોશીની સહિયરનો પ્રશ્ન, ‘તમે કિયા પટારે મેલી મારા સહિયરની શરણાઈ જી’ યાદ આવી ગયું… મેડીકલ કોલેજની લૉન એ જ અમારો એ વર્ષોનો ભર્યો-ભાદર્યો બગીચો… પણ મને યાદ છે ત્યાં સુધી આખી રાતની છાતી ફાડીને બેઠો હતો એવા કોઈક પ્રસંગે આ ગઝલ લખી હતી… બે શે’ર યાદ આવે છે:

  કરચલી પથારીની રાત આખી જાગી,
  કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

  બદલતી રહી કરવટો પાંપણો, બસ !
  અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

 4. નવાં ગીતો સુણાવ્યા હોત મેં પણ પ્યારના ઢગલોક,
  નવી બસ એક દીધી હોત મુજને દાદ કોઈ, કાશ !

  આ શેર ખરેખર મને ખૂબ જ ગમ્યો.દાદ દીધી મેં તમને–હવે મીઠાં ગીતો સુણાવતાં રહો!!!

 5. પ્રિય વિવેકભાઈ,

  ત્રીજા શેરનો ભાવ મને બહુ સ્પષ્ટ ન થયો, જો કે બાકી આખી ગઝલ ગમી. આ શેર ખૂબ ગમી ગયાઃ

  તરત તૂટી ગયું એ પણ, ઊઠાવ્યું મેં જો સૂક્કું પર્ણ;
  હું સૂક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

  ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;
  સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ ! …. વાહ!

  બીજા શેરમાં “મળ્યાં” શબ્દને ગાગા માપમાં લીધો છે પણ એનું માપ લગા જ લઈ શકાય એમ હું માનતો હતો. ગાગા માપમાં ઉચ્ચાર લઈએ તો થોડોક unusual sound લાગે છે. તમારા વિચાર જણાવજો. અને ત્રીજા શેરની બીજી પંક્તિમાં એક ગુરુ વધારે છે એવું મને લાગ્યું. થોડીક છણાવટ કરશો તો ગમશે.

 6. પ્રિય હેમંતભાઈ,

  ત્રીજા શેરમાં બહુ જાણીતી વાંસળીવાળાની વાર્તાનો આધાર લીધો છે. ગામમાં ઉંદરોની વધી ગયેલી વસ્તીથી ત્રાસીને ગામલોકો વાંસળીવાળાને બોલાવે છે જેની વાંસળીના સૂરો પાછળ ખેંચાઈ જઈને ગામ આખાના ઉંદરડાઓ દોડતા આવે છે અને વાંસળીવાળો નદીમાં જઈ ઊભો રહી જાય છે અને સંગીતમાં ગુલ બધા ઉંદરો નદીમાં ડૂબીને મરી જાય છે. વાર્તા પછી આગળ ચાલે છે પણ અહીં આટલો સંદર્ભ લીધો છે.

  બીજા શેરમાં ‘મળ્યા’ને લગા તરીકે જ લઈ શકાય. મેં ગાગા તરીકે વાપર્યું છે એ છંદ-દોષ છે. જે સમયે આ ગઝલ લખી હતી એ સમયે બધા જ જોડાક્ષરોને ‘ગાગા’ તરીકે લેવાની સામાન્ય ભૂલ હું કરતો હતો. સંજોગોવશાત્ એ આજે નજર બહાર રહી ગયું. એને હમણાં જ મઠારી દઉં છું. ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  ત્રીજા શેરમાં ગુરુ ક્યાં વધુ લાગ્યો એ જણાવશો? એ પંક્તિનું સ્કેનિંગ મારી દૃષ્ટિએ આ રીતે છે:

  મુષક મારા/ આ દિલના ઊલ/ટું ધારી ચૂમ્ /યાં’તાં તુજ પાશ.
  લગાગાગા / લગાગાગા     / લગાગાગા   / લગાગાગા

 7. હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

  ખુબ જ સરસ

 8. નવાં ગીતો સુણાવ્યા હોત મેં પણ પ્યારના ઢગલોક,
  નવી બસ એક દીધી હોત મુજને દાદ કોઈ, કાશ !

  ઇર્શાદ ઇર્શાદ ઇર્શાદ………..અનેકવાર….

 9. આફરીન- આફરીન- આફરીન-ગઝલ પર
  તેમાં
  હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

  તરત તૂટી ગયું એ પણ, ઊઠાવ્યું મેં જો સૂક્કું પર્ણ;
  હું સૂક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ
  અંતરની વાહ્
  યાદ આવે છે—સૈફ સાહેબ
  કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
  કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
  સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
  એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
  અમદાવાદમાં ૧૯૮૮નો અક્સ્માત યાદ આવ્યો.
  મારો જ ફાયર ઓફીસર દિકરો- માસાજીની લાશ લાવ્યો!
  વિમાનમાં ”અનિલ” આવશે, હારતોરાની વધામણી,
  થયો વિમાનને અક્સ્માત ,મર્યા એમાં સૌ માનવ.
  ભાર્યા બની ગઈ બાવરી, પડી ભોંય પર પછડાટ ખાઈ,
  હતી એક આશ આજ, લાશ બની પડી એજ ઘરમાં !

 10. હવે હું છું સુખી’ કહેતાં રડેલી આંખ તું ના દેખ,
  દદડવાની છે આદત આંસુને તો જો મળે અવકાશ
  આ પન્કતિ ખુબ સરસ લાગી. અભિન્મ્દન.

  dr. j.r. parikh

 11. સુ’દર ગઝલ-બહુ બમી.
  હવે એક વિચાર- તમે કવિઓ કયા’ અટકવાના ? હરદય તોડ્યા’-આ’સુના દરિયા ભર્યા-કફન બનાવ્યા કબરો ખોદી-હવે લાશો પડવા મા’ડી–ભાઇસાબ આ પ્રેમ તમને શુ’ નથી કરાવતો-એના કરતા’ પરણી જવુ’ સારુ’-જીવન કયા’ વિતી જાય છે તેની ખબર પણ નહી’ પડે.લગ્ન તમને હસતા કરી દેશે-તમારી જાત પર.

 12. પ્રિય વિવેકભાઈ,

  ખુબ સુન્દર ક્રુતિ છે. તમારી નીચેની પન્ક્તિ મીરાબાઈની બે લીટીઓ યાદ કરાવે છે.

  “કાગા સબ તન ખાઈઓ, ચુબ ચુબ ખાજો માઁસ,
  દો નયના મત ખાઈઓ, ઈસે પિયુ મીલનકી આસ”

  આ પન્ક્તી ઓની હરોળ માઁ આવે તેવી તમારી કડી છે.

  હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ; (રદય માઁ રહી છે આશ)
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

  યોગ્ય લાગે તો પહેલી લાઈન મઠારજો. ખુબ સુન્દર રચના કરી છે. અભિનન્દન!

  દિનેશ ઓ. શાહ, ગએઇન્સ્વીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

 13. “કાગા સબ તન ખાઈઓ, ચુબ ચુબ ખાજો માઁસ,
  દો નયના મત ખાઈઓ, ઈસે પિયુ મીલનકી આસ”

  Dr. Dinesh bhai, you are right. fantastic ! this is true that these two lines are nearly match with mr. vivek’s two lines which you mark.

  I congratulate you Dr. dinesh for your two lines which was Meera’s.Thanks!

  I requiest to every reader of Mr. Vivek, please give your comment just like mr. dinesh’s comment with new comparision.

 14. પ્રિય વિવેકભાઈ,

  કમેન્ટ લખ્યા પછી ફરી એક વાર ત્રીજા શેર પર નજર નાખી ત્યારે જ પેલી વાર્તા યાદ આવી ગઈ. પણ પછી લાગ્યું કે ભલે લખાઈ ગયું, તમારા જ શબ્દોમાં એ સંદર્ભનો ઉલ્લેખ વાંચવાની મજા માણી લઈશું.

  મુષક મારા… વાળી લાઈનના ડિસેક્ષન માટે આભાર! હું ઊલટું ના ઊ ને ગુરુ ગણતો હતો એટલે તકલીફ થઈ. ઉચ્ચારની દ્રષ્ટિએ જોતા પણ ઊલટું નું ગાગા કે ગાલ માપ યોગ્ય જ લાગે છે. લિપિ આધારિત લઘુ-ગુરુની ગણતરીને કારણે આ ગોટાળો થઈ ગયો.

  congrats once again for nice creation.

 15. Vivek

  Very nice…

  તરત તૂટી ગયું એ પણ, ઊઠાવ્યું મેં જો સૂક્કું પર્ણ;
  હું સૂક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

 16. હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

  Dear Vivik Bhai Nice Gazal…
  this is good line of this gazal…

  This gazal remember “Bhamro and Phool”
  Pushpa Murjay jay che pan teni sugandh chodto nathi tevij rite Dhoop sadi potani jat nu balidan apine bija na mate sugandh relave che… tem j…

  Pushpa Bhanra ne kahi rahyu che આંખો નથી મીંચાઈ I always remember you… When you come.. કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
  What i understand this line k….this line is made for “Bhamro and Pushpa” temna prem ni vat thai hoi tecu lage che…
  Am i right….?

  Pls Reply…

 17. હૃદય જેવુ છે અમારે પણ એ અમે જાણ્યુ જ્યારે બહુ નજીકથી શબ્દો ગઝલના સ્પર્શતા ચાલ્યા..
  આ શબ્દોના શ્વાસ જાણે સ્ટેથેસ્કોપ જ કે!!!

 18. િવવેક્ ભાઇ, ખુબ મ્ઝા આવી ગઝલ વાચેીન.

 19. કાવ્ય અને ગઝલ વાચ્તા મન ને આનન્દ આવે અત્લે મારા જેવા વ્હાહક ને ભયો ભયો બકિ જો તમે સમ્જવો તો આ લ્ગાગગ/લગાગાગા વગેરે દસમ્જાય.. સરસ રચના …અભિનન્દન્…

 20. કાવ્ય અને ગઝલ વાચ્તા મન ને આનન્દ આવે એટ્લે મારા જેવા વાચક ને ભયો ભયો બકિ જો તમે સમજાવો તો આ લ્ગાગગ/લગાગાગા વગેરે સમજાય હો!! સરસ રચના …અભિનન્દન!!!!!!!!
  ઉપર લખવામા ભુલ બદલ સોરિ

 21. શાંત મને હું વિચારું ક્યાં ગયા શબ્દો કલમના
  વિવેકભાઇ વણી રહ્યાતા શ્વાસની નવી ગઝલમાં

  સુંદર અતિસુંદર કાયમ કહ્યા કરવાનું મન થાય છે.
  લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન.

 22. મ ને ખબર નથિ પદતિ કે તમરા મગજમા કેવો ખજાનો ભર્યો ચ્હ્હે ? ટમારિ બધિજ રચનાઓ મને ખુબજ ગમે ેચ.આ નાતાલ્ ના તહેવાર પ્રસન્ગે તમે મોકલેલ ગઝલો વન્ચિ ખુબજ મઝા આવિ આભાર સથે જય શ્રિક્સિશ્ન્ન.

 23. Excellent. Your contribution to Sahitya Jagat is wonderful, hope you will go a head till top up.

  Ajit Desai
  Jamnagar

 24. હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

  બહુત ખૂબ……….!!

 25. હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
  ધન્ય છે એ ” લાશ ” અને ” તું ”

  “કાગા સબ તન ખાઈઓ, ચુબ ચુબ ખાજો માઁસ,
  દો નયના મત ખાઈઓ, ઈસે પિયુ મીલનકી આસ”
  પ્રેમ ની આજ ગહરાઈ છે ” પિયુ “

 26. દુઆઓની કીધા કરવાની મારે વાવણીઓ ફક્ત;
  દુઃખોની એની એ મળતી રહે હંમેશની પેદાશ.

  આ પણ ખુબજ સરસ……

 27. વિવેકભાઇ, તમારી કવિતા વાઁચવાનો આનઁદ છે. ખરેખર કહુઁ તો ઘણી વખત મારે ઉપર પણ જાય છે કારણ મારુઁ ગુજરાતી પાકુઁ નથી! પણ તમારી કવિતાથી એક ઇંસ્પીરેશન રહે છે અને ઇફ એવેર આઇ રાઇટ પોએટ્રી ઇન ગુજરાતી, તમને પહેલા મોકલાવીશ. બાકી, મારી ઇઁગલીશ પોએટ્રી તમે અહિઁ માણી શકો છો. (http://www.kidsfreesouls.com/poetries.htm)
  ખરેખર, દદડે છે આઁસુ જ્યારે મળે છે અવકાશ પણ તમારી કવિતા વાઁચીને ફરી ગુજરાતીમાઁ કવિતા લખવાનો છે એક એહસાસ….ઓલ ધ બેસ્ટ વીશીસ.

 28. જ ટ લી વા ર વાંચી યે ન વી લા ગે………

  tame karta raho sabdo thi sreekar
  ame karshu tamaro jayjaykar………….!

 29. હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

  તરત તૂટી ગયું એ પણ, ઉઠાવ્યું મેં જો સુક્કું પર્ણ;
  હું સુક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

  ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;
  સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ !

  awweesoome….

Comments are closed.