Friendship Day Special

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે.

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે દીધા ઘાવ છે.

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, હતાં એ સૌ વિભીષણ સમ.

ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,
આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.

યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે!
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.

મિત્રતાની ઢ્રૌપદીના ચીર ક્યાંથી કૃષ્ણ દે?
વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

દૃષ્ટિમાં હો છતાં હોય ના ક્યાંય પણ
સાવ મૃગજળ સમા દોસ્ત મારા હતા!

આ સ્મિતનો ઉજાસ છે, બસ એટલે,
તું ક્યાંક આસપાસ છે, બસ એટલે;
તું, દોસ્ત! સૌમાં ખાસ છે બસ એટલે,
કે તું જ મારો શ્વાસ છે બસ એટલે…!

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એક જણ તો ખાસ હોવો જોઈએ,
ને એ બારેમાસ હોવો જોઈએ.
પ્રાણ માટે પ્રાણવાયુથી વિશેષ
મિત્ર કોઈ ખાસ હોવો જોઈએ.

– વિવેક મનહર ટેલર

30 thoughts on “Friendship Day Special

  1. “ઈશ્વર ઉપર ના એટલો વિશ્વાસ મૂક્યો છે,
    પણ દોસ્ત તારા નામ પર મેં ખાસ મૂક્યો છે. ”
    – ‘શિલ્પી’ બુરેઠા

  2. આ પાકા સુરતીએ આજે એક અમદાવાદીને પોતાની કવિતાથી મિત્રતાના બંધનમાં કેદ કરી લીધો. આ મિત્રતા માટે અમને જનમટીપની સજા આપે તો પણ કબૂલ છે આજે.વાહ ડો. સાહેબ વાહ!!

    • @પુષ્કરજી:

      મિત્રતાની જનમટીપની ખાસિયત એ છે કે એમાં બંનેને એકીસાથે કેદ મળે છે.

      ખૂબ ખૂબ આભાર

Leave a Reply to Hiren K Mungla Cancel reply

Your email address will not be published. Required fields are marked *