સૂરજની ગુલ્લી – વિવેક મનહર ટેલર

ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ

*

આજે સવારે સૂરજ ઊગ્યો જ નહીં.
પૂર્વનું આકાશ થોડું ઊંચું કરીને મેં ભીતર ડોકિયું કર્યું.
સાલું, એ ક્યાંય દેખાતો જ નહોતો!
સૂર…જ… સૂ…ર…જ…
-મેં બૂમોય પાડી જોઈ-
ક્યાંક લાંબી તાણીને પડ્યો ન હોય,
આપણાથી ઘણીવાર થઈ જતું હોય છે ને, એમ.
આખરે એય બિચારો થાકે તો ખરો જ ને!
ચાંદાને તો તોય અમાસની છુટ્ટી મળી જાય છે,
અને એ સિવાય પણ એણે
રોજેરોજ ફુલ પ્રેઝન્સ ક્યાં પુરાવવાની હોય જ છે?!
બે ઘડી આકાશમાં ડોકિયું કરવાનું મેલીને મેં સહેજ નીચે જોયું.
આખી દુનિયા કન્ફ્યૂઝ હતી.
જે લોકોએ જિંદગીમાં આકાશ સામે જોયું નહોતું,
એય માળા બેટા આજે આકાશ તરફ જોતા હતા.
માણસો તો ઠીક, પંખીઓ સુદ્ધાં ભાન ભૂલી ગયેલ દેખાયાં.
અલ્યાવ ! બચ્ચાવ માટે ચણ લેવા કોણ જશે, મારો બાપ?
પણ હદ તો ત્યાં થઈ જ્યાં
નદી-નાળાં ને ઝરણાં પણ વહેવાનું છોડીને અટકી ગયેલાં દેખાયાં.
પછી મારી નજર દરિયા પર પડી.
મને એમ કે દુનિયામાં સૌથી વિશાળ ને વયસ્ક છે તો
એણે તો બધાની જેમ હથિયાર હેઠાં નહીં જ મૂકી દીધાં હોય..
લો કર લો બાત!
ન મોજાં, ન ભરતી, ન ઓટ.
અલ્યા! તું તે દરિયો છે કે વાન ઘૉઘે દોરેલું ચિત્ર?!
ને માછલીઓ પણ જાણે હવામાંથી ઓકિસજન મળવાનો ન હોય
એમ ડોકાં બહાર કાઢીને સ્થિર ઊભી હતી.
કાલે ક્યાંક પશ્ચિમમાં ડૂબ્યા બાદ સૂરજ ત્યાં જ ભૂલો પડી ગયો હોય તો?
– મને વિચાર આવ્યો.
મારે કરવું તો એ જ જોઈતું હતું કે ચાલીને પશ્ચિમ સુધી જાઉં,
ત્યાંનું આકાશ ઊંચકું, સૂરજને શોધી કાઢું
અને ઊંચકીને પૂર્વમાં લાવીને મૂકી દઉં.
પણ આખી દુનિયાને બંધ પડી ગયેલી ઘડિયાળના કાંટાની જેમ
અટકી ગયેલી જોઈને મનેય આળસ ચડી.
જો કે બધા જ આશાભરી નજરે મારા તરફ મીટ માંડી ઊભા હતા
એટલે સૂરજ કે નદી-નાળાં-દરિયા કે એ લોકોની જેમ
સાવ નામુકર જવાનું મને સારું ન લાગ્યું.
વળી, હું સૂરજ તો હતો નહીં કે ફરજ ચૂકી જાઉં એ ચાલે.
હું તો કવિ હતો.
એટલે રાત આખી પાંપણની પછીતે સાચવીને રાખ્યું હતું
એ આંસુના એક ટીપાંને
મેં પૂર્વમાં ગોઠવી દીધું.
પત્યું!
એના અજવાળામાં
આખી દુનિયા તરત ધંધે લાગી ગઈ.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૨૨)

*

ચિત્ર: ડૉ. કલ્પન પટેલ, સુરત

15 thoughts on “સૂરજની ગુલ્લી – વિવેક મનહર ટેલર

  1. વાહ…સરસ કવિતા.
    કવિતાનો અંત સંવેદના સભર રહ્યો.
    અભિનંદન.

  2. આ..હા! શું કલ્પન છે! સૂરજ ન ઉગે તો કઈં નહિ .. અમે કવિને રોવરાવશું .. તેમના આંસુ ઊર્જા – સ્રોત!

  3. હુ સુરજ તો હતો નહિ કે ફરજ ચુકિ જઉ
    Liked it boss.
    Thanks

  4. હું સૂરજ તો હતો નહીં કે ફરજ ચૂકી જાઉં એ ચાલે.
    હું તો કવિ હતો… uff…
    – વિવેક મનહર ટેલર –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *