પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?

ઠસ્સો…. ….યલો બિલ્ડ બ્લૂ મેગપાઇ, મેકલિઓડગંજ, 2022

*

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
આ જો, રણમધ્યેથી નંદકુંવર નાનુડો પાડી રહ્યો છે મને સાદ!
મને ગોકુળિયું આવે છે યાદ..

હાથમાં જે રથની લગામ છે એ જાણે કે મા-બાંધી હીર તણી દોર,
ગોધૂલિવેળાની ઘૂઘરી છે ચારેકોર, ગાયબ રણભેરીનો શોર;
વણતૂટ્યાં શીકાં ને વણમાંગ્યા દાણ, જો ને, અહીં આવી કરે ફરિયાદ.
મને ગોકુળિયું આવે છે યાદ..

લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
તને એકલાને ક્યાં છે વિષાદ?

-વિવેક મનહર ટેલર
(૧૯-૨૧/૦૫/૨૦૨૨)

*

Brooding…. …yellow billed blue magpie, MacLeod Ganj, 2022

35 thoughts on “પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?

  1. યુદ્ધની રણભેરી વાગી રહી છે ત્યારે કૃષ્ણને પોતાનું બાળપણ સાંભરે એ કલ્પના આવવી જ ઉત્તમ કવિકર્મની સાબિતી છે.
    ષટ્કલનો લય પણ સૂચક છે.
    મા યશોદાએ ખાંડણિયે હીરની દોરથી કાનાને બાંધ્યો ત્યારે એનો ઉપયોગ કરી એણે યમલા અને અર્જુનનો ઉદ્ધાર કર્યો. રથની લગામ ઝાલીને હવે એ ધર્મનું સ્થાપન કરી જગતનો ઉદ્ધાર કરવા નીકળ્યા છે.. સાંજે વનમાં ગયેલી ગાયો પાછી આવે… જીવનસંધ્યાએ ઈન્દ્રિયો વશમાં આવે.. અહીં યુદ્ધ થકી સમાજમાં પ્રવર્તતી અંધાધૂંધી વશ કરવાની વાત છે.. દ્રોણ, ભિષ્મ અને કર્ણ જેવા જ્ઞાનિ સાથે વણતૂટ્યાં શીકાનો સંદર્ભ કેવો ચપોચપ જાય છે !
    એમ છતાં મનુષ્ય હોવાથી યુદ્ધની સાર્થકતા અને નિરર્થકતા વચ્ચે અટવાઈ ગીતા ગાનાર ખુદ ભગવાન પણ ક્ષણિક ગ્લાનિનો અનુભવ કર્યો હશે એ વાત સરસ રીતે આવી છે..
    એકંદરે સરસ કવિતા.. અભિનંદન.

    • વાહ! કેવો સ-રસ પ્રતિભાવ!

      આવો પ્રતિભાવ સાંપડે તો લખવું સાર્થક થયું અનુભવાય…

      ખૂબ ખૂબ આભાર…

  2. પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?

    તને એકલાને વિષાદ નથી પણ અહી તો સૌ પોતપોતાના વિષાદથી ઘેરાયેલ છે. અને ઇશાવાસ્યમ્ પ્રમાણે સૌમાં કૃષ્ણ વ્યાપ્ત હોવાથી ખુદ પણ વિષાદગ્રસ્ત છે એવા એકરાર સાથે કવિતા ઊઘડે છે.
    दुनिया में कितना गम है, तेरा गम कितना कम है।
    આપની કસાયેલી કલમ દ્વારા કૃષ્ણના વિષાદયોગ ને અહી સુંદર રીતે ગીત સ્વરૂપે મુકાયું છે. યુદ્ધ સમયે સગાવ્હાલાને સામે જોઈ પાર્થને જે પ્રકારની ગ્લાનિ થાય એને ગીતાજ્ઞાન સાથે સામાન્ય રીતે એક ખરા મિત્રનાં ભાવથી *we are sailing in the same boat* કહી પોતાના બાળપણનાં પ્રસંગો/લીલાઓ સાથે…
    આ જો, રણમધ્યેથી બાળુડો કાનુડો પાડી રહ્યો છે મને સાદ..
    મને ગોકુળની આવે છે યાદ..
    કહી કવિતાનાં એક પછી એક પડળ ખોલી આપે છે.
    બાળલીલા નાં વિવિધ સંદર્ભો સાથેરણભેરીનો ગાયબ થતો શોર સરસ છે. હા, બીજા બંધમાં આઝાદ શબ્દ ખૂંચે છે.
    સુંદર ગીત બદલ કવિશ્રીને અભિનંદન.

  3. વાહ વાહ….
    કોમેન્ટ માટે શબ્દો ક્યાંથી શોધવા?

  4. ‘પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
    મને ગોકુળિયું આવે છે યાદ.”
    કૃષ્ણ વિષાદની પ્રસ્તુતિ..

  5. થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
    કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
    તને એકલાને ક્યાં છે વિષાદ?
    -વિવેક મનહર ટેલર – Waah ! Kya baat !

  6. વાહ…કૃષનીની પીડાને વાચા 👍.. અદભૂત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *