શરતને વશ રહીને પ્રેમ? ના, નથી કરવો,
તું જાનથીય છે પ્યારી, છતાં નથી કરવો.
શ્વસન સિવાયનું સઘળું સમર્પી દઉં હું તને?
પ્રણયને આ રીતે મારે અદા નથી કરવો.
પ્રણયના સ્વાંગમાં સોદો? જવાબ એક જ છે –
નથી કર્યો, નથી કરનાર, જા, નથી કરવો.
સહજ બે જણ ભળે અન્યોન્યમાં તો વાંધો શું?
પ્રણયના નામે સ્વયંને ફના નથી કરવો.
કબૂલ કરીએ ઉભયને યથાવત્ – એ જ શરત,
બીજા કશાનો સ્વીકાર અન્યથા નથી કરવો.
સ્વયં સહજ જે સ્ફૂરે એ જ છંદ છે મારો,
લગાલગાનો કદી ગાલગા નથી કરવો.
વિવેક મનહર ટેલર
(૦૪-૦૮/૦૪/૨૦૨૧)
ખૂબ સરસ રચના.
ખૂબ સરસ અભિવ્યક્તિ
સ્વયં સહજ જે સ્ફૂરે એ જ છંદ છે મારો,
લગાલગાનો કદી ગાલગા નથી કરવો.
ક્યાં બાત હે કવિ
પ્રેમીનો મિજાજ ગમી ગયો.
Very good
સરસ, સહજ આત્મનિવેદન….