મૃગજળ (ગઝલ-સૉનેટ)

(યે હસીન વાદિયાઁ….                                                           …ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

લોકો કહે છે પ્રેમથી ચડિયાતો કો’ નાતો નથી,
એ માનવી માનવ નથી જે પ્રેમીજન થતો નથી.
જગની બધી કડીઓમાં કહે છે સ્નેહની સૌથી વડી,
એના વિના સગપણની બંસીમાં પવન વાતો નથી.
નક્કી જ હોવી જોઈએ કો’ દિવ્ય શક્તિ પ્રેમમાં,
અમથો કવિ સદીઓથી ગીતો પ્રેમના ગાતો નથી.

પણ પ્રેમનું સાચે જ શું અસ્તિત્વ છે આ વિશ્વમાં?
કે ચાલતા આવ્યા ને ચાલ્યે રાખશે ગપ્પા સદા?
છે હાથ-પગમાં સૌના બેડીઓ જરૂરતની ફકત,
ને પ્રેમને આઝાદીનું દઈ નામ જીવે છે બધા.
ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

દીસે ભલે, હોય જ નહીં, મૃગજળ પીવા ભાગે છે સૌ?
શું પ્રેમમાં હોવાના ભ્રમના પ્રેમમાં રાચે છે સૌ…?

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૯-૨૦૧૭)

ફ્યુઝન પોએટ્રી: ગઝલ-સૉનેટના લક્ષણ:

છંદ: ઉભયજીવી (ગઝલ: રજઝ, સૉનેટ: હરિગીત)

સૉનેટ: ચૌદ પંક્તિ – બે ષટક અને યુગ્મ. પહેલા ષટકમાં કથન, બીજામાં ખંડન અને યુગ્મમાં ચોટ.

ગઝલ: મત્લા-શેરનું બંધારણ, બંને ષટકમાં નવા મત્લા અને નવા રદીફ-કાફિયાની ગોઠવણ. યુગ્મમાં નવો જ મત્લા. દરેક શેરનો સ્વતંત્ર અર્થ શક્ય.

*


(કહીં દૂર જબ દિન ઢલ જાયે….                                                    …ઉત્તરાખંડ, ૨૦૧૭)

10 thoughts on “મૃગજળ (ગઝલ-સૉનેટ)

  1. સરસ,સરસ,સરસ………….બધા જ શેર મનભાવન અને આનંદ આનંદ કરાવી જાય છે……….. આપને અભિનદન અને આભાર…..

  2. ખરેખર ખૂબજ સુંદર ભાવ વણી લીધા છે પ્રેમ વિશે જીઓ વિવેક સર

  3. Maaraj vicharo che em lagyu ,prem sacho hoy ke khoto pn prem hoy che ,ae ehsas vagar kon sadiyo thi prem geet gaay…saras

  4. શું પ્રેમમાં હોવાના ભ્રમના પ્રેમમાં રાચે છે સૌ…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *