ગુડ-બાય (નઝમ-સૉનેટ)

canal view by Vivek Tailor
(શહેરની વચ્ચે નહેર…..                …ભટાર રોડ, સુરત, ૦૧-૦૩-૨૦૧૪)

*

અગાઉ જે વિષય ઉપર એક દીર્ઘ નઝમ લખી હતી એ જ વિષય પર આ વખતે એક નઝમ-સૉનેટ…

સૉનેટના લક્ષણો: ચૌદ પંક્તિઓ (૪-૪-૪-૨), આઠ પંક્તિઓ સુધી ભાવાભિવ્યક્તિની ભરતી અને પછી ષટકમાં કથયિતવ્ય વળાંક બાદ ભરતી પછીની ઓટના બદલે ચોટ.

નઝમના લક્ષણો: મુખ્ય ત્રણ અંતરા. ત્રણેય અંતરાની ત્રણ પંક્તિઓના પ્રાસ એક-મેક સાથે અને નઝમ-શૈલી મુજબ દરેક અંતરાની ચોથી પંક્તિઓના પ્રાસ એક-મેક સાથે અને અંતિમ બે પંક્તિઓ સાથે. છંદ પણ નઝમનો.

આ કોક-ટેલ આપને કેવું લાગ્યું એ જણાવશો તો ગમશે…

*

કશેક દૂરના ખેતરને પ્રાણ દેવામાં,
કિનારે ઊગ્યાં છે એ ઝાડવાંની સેવામાં;
નહેર શહેરની વચ્ચેથી કેવા-કેવામાં
ન જાણે કેટલા વરસોથી કાઢે છે હડીઓ !

સમયની સાથે વહે છે કે એ વહે આગળ ?
સિમેન્ટી આંખમાં આંજ્યું ન હો લીલું કાજળ;
શિરા શરીરની, જ્યાં રક્ત વહે છે પળપળ
અલગ બે દ્વારને સાંકળતો જાણે આગળિયો.

હવે સિમેન્ટના ખોખામાં થાશે બંધ નહેર,
કિનારે ઊગ્યા બધા વૃક્ષ પર ઉતરશે કહેર,
સડક થશે ને ઉપરથી થશે પસાર શહેર,
શહેર જીવતું હતું, જીવશે- કોને ફેર પડ્યો ?

ઉતરતાં પાણીમાં દેખાતી સાફ માછલીઓ,
ત્યજી ગયો કહી, ‘ગુડ બાય’ એક કલકલિયો.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૨-૨૦૧૪)

*

Kingfisher by Vivek Tailor
(બંધાતી જતી નહેર અને કલકલિયો…     …ભટાર રોડ, સુરત, ૦૧-૦૩-૨૦૧૪)

5 thoughts on “ગુડ-બાય (નઝમ-સૉનેટ)

  1. અદ્ભુત …નઝમ

    નહેર વચ્ચે
    બેઠો કલકલિયો
    ભગત પ્યારો

  2. આધુનિકરણની-પ્રગતિ અને ઈકોલોજીકલ-અધોગતિનું ધારદાર નિરૂપણ … સમયાનુસાર અર્થપૂર્ણ “નઝમ” … Vivek Tailor …

  3. આ નઝમ-સૉનેટનું કોક-ટેલ એક અચ્છો કલાકાર જ સર્જી શકે… બંનેના લક્ષણને સાચવીને એક ઉમદા કોક-ટેલ બનાવવું એ તારી અંદરના જીવે કરી બતાવ્યું છે અહીં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *