સનમ! તુજને કહું હું બેવફા

સનમ ! તુજને કહું હું બેવફા, હિંમત નથી મારી,
નથી વિશ્વાસ જ્યાં ખુદ પર, કરું શી વાત હું તારી ?

હતું એજ લાગનું, મુજ ઊર્મિનું છો ઘાસ કચડાયું,
હતી ક્યારે ખડકને ચીરવાની એની તૈયારી ?

આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?

રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,
ફકત ઇતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી.

હવે બુલબુલની દેખી રાહ એ રડતી નથી રહેતી,
પડી રહે છે, ગીતોની માંગ પણ કરતી નથી બારી.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

ડૉ. વિવેક મનહર ટેલર

7 thoughts on “સનમ! તુજને કહું હું બેવફા

 1. ખુબજ સુંદર રચના છે.અમારી મેર જ્ઞાતિની ભાષામાં કહુ તો “આતા હેવ તારા દુખણા લઉ બે’ય હાથથી”
  અમારામાં કોઈ ઘરે આવે કે આંનદ માં સામ સામા દુખણા બેઉ હાથથી માથા ઉપર મૂકીને લઈ છે.

 2. કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
  કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !
  ———————–
  બેફામ યાદ આવી ગયા. ગઝલનો અંત અને જીવનનો અંત- માનનીય અને ઘણા બધાના પ્રિય એ શાયરની આ શૈલી તમારી કલમે સજીવન થઇ ગઇ.
  છેલ્લો શબ્દ ‘ પરભારી ‘ હોત તો કદાચ બરાબર થાત.

 3. આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
  કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?

  રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,
  ફકત ઈતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી….વાહ.

 4. કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
  કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

Comments are closed.