મારામાં જીવે યયાતિ !

Monk by Vivek
(કાળની કેડીએ કંડારાયેલું શિલ્પ…    ….લેહ, જુન-૨૦૧૩)

*

વીતતા આ વરસોના પોટલાં ઉપાડી મારે કરવા નથી કંઈ ઢસરડા,
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

વીત્યાનો ભાર નથી, આવનારા વર્ષ !
તું આટલું જાણી લે ભલીભાંતિ;
રંગો-પ્રસાધન પર જીવતો નથી ને તોય
મારામાં જીવે યયાતિ !
રોમ-રોમ હર્ષંતા હણહણતા હય અને કાળ ! તને સૂઝે ગતકડાં ?
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

આમ-તેમ ભાગ્યા છે તોડીને દોરડાં
આ ખોરડાના પાંચેય ઓરડા;
થાળીમાં બત્રીસું પકવાન હોય તોય
કરવા પડશે શું નકોરડા?
અકબંધ આ ટહુકાના અંગ-અંગ ઉપર પાડે છે કોણ આ ઉઝરડા ?
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

शिशिरवसंतौ पुनरायात:
काल: क्रीडति गच्छत्यायु;
પણ મન મારા ! બોલ જરા તું-
લગરિક ઘરડા તુજથી થવાયું ?
ઘડિયાળના આંક સમ સ્થિર છું ને રહેવાનો, કાંટા બને છો ભમરડા.
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૧૩)

(शिशिरवसंतौ पुनरायात: काल: क्रीडति गच्छत्यायु = શિશિર અને વસંત ફરી-ફરીને આવે છે. કાળ રમત કરે છે અને આયુષ્ય પૂરું થાય છે)

*

old lady by Vivek
(સમયના શરીરે કરચલીનું જાળું …    ….લેહ, જુન-૨૦૧૩)

9 comments

 1. મીના છેડા’s avatar

  વીત્યાનો ભાર નથી, આવનારા વર્ષ !
  તું આટલું જાણી લે ભલીભાંતિ;
  રંગો-પ્રસાધન પર જીવતો નથી ને તોય
  મારામાં જીવે યયાતિ !

  મજાનું ગીત !

 2. Heta’s avatar

  વાહ….

 3. urvashi parekh’s avatar

  ખુબજ સરસ.
  આમ તેમ ભાગ્યા છે તોડી ને દોરડા,થાળી માં બત્રીસુ પકવાન હોયે તોયે
  કરવા પડશે શું નકોરડા? અને મન કદી ઘરડુ થતુ નથી. સરસ રીતે કહેવાણુ છે.

 4. Rina’s avatar

  વીત્યાનો ભાર નથી, આવનારા વર્ષ !
  તું આટલું જાણી લે ભલીભાંતિ;
  રંગો-પ્રસાધન પર જીવતો નથી ને તોય
  મારામાં જીવે યયાતિ !

  Waahhhh

 5. Darshana Bhatt’s avatar

  હૃદયમાં જ રહેલું,કદી જીર્ણ ના થતું આ મન,શુભ સંકલ્પવાળું બનો …
  વાચતા જ ગીત ગમી ગયું.

 6. Rekha shukla(Chicago)’s avatar

  મન કદી ઘરડુ થતુ નથી. સરસ રીતે કહેવાણુ છે.વાહ્

 7. vajesinh pargi’s avatar

  બધામાં જ એક યયાતિ જીવતો હોય છે. યયાતિના માનસને સારી રીતે વ્યક્ત કર્યું છે. મન ક્યારેય ઘરડું થતું નથી. સારી રચના
  – વજેસિંહ પારગી

 8. સુનીલ શાહ’s avatar

  સશક્ત અભિવ્યક્તિ

 9. Chintya’s avatar

  At last some raloinatity in our little debate.

Comments are now closed.