ઘર વિશે એક ગઝલ


(રાજાપાઠ…                      …કીંગફીશર, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(White Breasted Kingfisher ~ Halycon smyrmensis)

*

હતી ક્યારે છતો, દીવાલ કે કો’ આવરણ ઘરનું ?
અમે તો નામ દઈ દીધું છે, જ્યાં થંભે ચરણ, ઘરનું.

યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું,
છતાં પણ થઈ નથી શક્તું પૂરૂં સ્પષ્ટીકરણ ઘરનું.

ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.

હું તારી સામે જોઉં ને મને પીંછા સમી હળવાશ
અગર લાગે તો સમજી જઈશ, છે આ અવતરણ ઘરનું.

ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,
કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.

રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,
અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું.

હવે ઘરમાં જ દૃશ્યો એવા દેખાતા રહે છે રોજ
કે થઈ ગ્યું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું.

કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?

જતી વેળાએ મેળવવાને તેં લંબાવ્યો જ્યારે હાથ,
હું અવઢવમાં રહ્યો ત્યાં થઈ ગયું હસ્તાંતરણ ઘરનું.*

બની રહે જો ગઝલ તોરણ તો સૂકાતી જશે પળ-પળ,
રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું.

-વિવેક મનહર ટેલર

ચંપાકરણ= ચંપામય
સંક્રમણ=ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ
મહાભિનિષ્ક્રમણ = રાજકુમાર સિદ્ધાર્થની કાયમી ગૃહત્યાગ અને સંસારત્યાગની મહાન ઘટના જેમાંથી ભગવાન બુદ્ધનો જન્મ થયો

* = આ શેર હવે પછીથી આ ગઝલનો ભાગ નથી… અર્થ-દોષ બદલ ક્ષમાયાચના !

19 comments

 1. JaLeBi’s avatar

  Tame kharekhar GREAT chho..

  tamari darek gazal jaane mane anulakshi ne j lakhay hoy tem barabar bese chhe.

  Salute you!!!!

 2. Mr. Weepul Ranjan’s avatar

  salam vivek bhai…..salam…..
  atyare 23 varas ni picture 3 minute ma aakh pasethi pasar thai gai …..je ghar ma me aatla varso vitavya tana vishe me aavi rite kyarey na hatu vicharyu……wah………adbhut……avismarniya…..
  so so salam aavi anubhuti karavva badal…..

 3. Jayshree’s avatar

  મહાભિનિષ્ક્રમણ એટલે ?

  કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
  મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?

  એકવાર એક મિત્ર સાથે થયેલી વાત યાદ આવી…. અહીં અમેરિકામાં જ્યાં રહું છું એ તો અપાર્ટમેંટ છે… ઘર તો ત્યાં.. અમદાવાદ… વાપી….

  ઘર યાદ આવી ગયું…

 4. ઊર્મિસાગર’s avatar

  સુંદર ગઝલ!

  મને પણ- જ્યાં હવે પોતાનું મકાન પણ નથી એ શહેર યાદ આવી ગયું…. કે જેમાં પોતાનું કાંઇ ન હોવા છતાંયે એના રસ્તા પર ચાલવા માત્રથી જ એવી અનુભુતિ થઇ છે કે, જાણે હું ‘ઘર’માં ફરું છું…!

  ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,
  કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.

  આ વાંચીને તો આપણું પેલું ગુજરાતીઓનું ગીત યાદ આવી ગયું… ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!’ આપણે બધા ગુજરાતીઓ પણ રોમે-રોમે ‘ઘર’ ઉપાડીને જ ચાલીએ છીએ ને, અને ચાલવું જ જોઇએ!!

  ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
  એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.

  આ શેર બહુ ગમ્યો…

  આમ તો શબ્દોનાં ઉપયોગથી થોડો ખ્યાલ જરૂર આવે છે છતાં આ શબ્દોનાં અર્થ સમજાવશો?
  શાશ્વતી ચંપાકરણ, મહાભિનિષ્ક્રમણ, હસ્તાંતરણ

 5. વિવેક’s avatar

  પ્રિય ઊર્મિ અને જયશ્રી,

  પોસ્ટની નીચે ઈચ્છિત શબ્દાર્થ ઊમેરી દીધા છે…

 6. Chetan Framewala’s avatar

  વિવેકભાઈ,
  સુંદર……………………….

  ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
  એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.
  *******
  એકાદ પળ તારી નજર અમ પર પડી,
  ને સૌ દિલે ફૂલો મહેકે પ્રેમનાં

  ——————————-
  રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,
  અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું
  ********
  રોજ ભીંસે છે મને ઘરની દિવાલો,
  તે છતાં ઝંખું સદા ઘરની હવાઓ.
  ————————————
  કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
  મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?
  **********
  હું સદા ચેતનપણાનો દંભ જીવ્યો
  જડ થયો ક્યારે? ખબર મુજને થઈ ના…

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા.

 7. Chirag Patel’s avatar

  વિવેકભાઇ, હસ્તાંતરણ એટલે હાથ બદલાવો. અર્થાત, જે તે વસ્તુ એક વ્યક્તિ પાસેથી બીજા પાસે જવી. જો ઘર હાથમાં બદાલાઇ જતું હોય તો એને માટે રૂપાંતરણ શબ્દ જ યોગ્ય લાગે છે.

  ભાવોર્મિઓનું અદ્ભૂત શબ્દકરણ:)

  મનહર ઉધાસે ગાયેલી એક ગઝલના રાગમાં મેં આ ગઝલને ગણગણવાનો સફળ પ્રયાસ કરી જોયો – જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, પ્રથમ ગઝલની ત્યારે રચના થઇ હશે…

 8. વિવેક’s avatar

  ચિરાગભાઈ,

  મનહર ઉધાસે ગાયેલી કોઈ ગઝલના ઢાળમાં જો આ ગઝલ ગાવી હોય તો પહેલી જે ગઝલ મને યાદ આવે છે તે આ છે:

  નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે,

  તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયાં છે.

  (આ ગઝલ અને મારી અહીંની ઘર વિશેની ગઝલનો છંદ એક જ છે:
  લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા).

  પણ જે ગઝલની તમે વાત કરી છે (જ્યારે પ્રણયની જગમાં…), એનો તો છંદ જ અલગ છે…

 9. visheadeep’s avatar

  પ્રેમ થી આવકાર ને સ્વાગત ની શરણાઈ ,એજ બને આસરો,
  સુખનો સાથ ને મધુર સંગીત ના સુર એજ બને આસરો.

 10. Chirag Patel’s avatar

  મને છંદની સમજણ નથી, પરંતુ હું ગણગણી શક્યો એટલે જણાવ્યું.:) તમે કંઇક ગુરૂકૃપા કરો.:) માફ કરજો, જો મે કહેવામાં થોડી વધુ છુટછાટ લીધી હોય તો.

 11. hiral’s avatar

  Very nice gazal.. NO WORDS TO DESCRIBE IT. REALY….

 12. nilam doshi’s avatar

  માણવાની મજા આવી.

  મકાનનું રૂપાંતરણ ‘ઘર’ માં કે ઘરનું રૂપાંતરણ મકાનમાં?
  હવે પ્રતીક્ષા છે આપના સંગ્રહની.

 13. Pancham Shukla’s avatar

  I was thinking હસ્તાંતરણ is more like being ‘taken over’. Usually used with company take over, share or stake transfers etc. However, new dimension to the word is quite educative.

 14. વિવેક’s avatar

  પંચમભાઈ,

  ‘હસ્તાંતરણ’ શબ્દ-પ્રયોગ અંગે આપે અને અગાઉ ચિરાગ પટેલે જે કહ્યું છે એ જ વધુ સુસંગત છે. કાફિયાને શેરમાં ઢાળવાનો લોભ જતો ન કરવાના કારણે આ અર્થ-દોષ થયો છે. બ્લૉગ ઉપર આ શેર વિશે ચર્ચા થઈ ગઈ હોવાના કારણે હાલ આ શેર અહીંથી હું કાઢી નાંખી નથી રહ્યો, પણ આ શેર હવે પછી આ ગઝલનો ભાગ નથી જ નથી. હસ્તાંતરણ એટલે ‘હાથ-બદલો’ જ થઈ શકે, ઘરનું હાથમાં રૂપાંતરણ ન જ થઈ શકે. (હાલપૂરતું ગઝલની નીચે ફૂટ-નોટ મૂકી દીધી છે. ગઝલ બ્લૉગના જૂના પાને જશે પછી આ શેર અહીંથી કાઢી નાંખીશ).
  આભાર માનવો પડશે, મિત્ર?

 15. ketul patel’s avatar

  Ghar etle Ghar

  Solid

  you are excelent

 16. krunal parmar’s avatar

  MANE TAMARI GAJLO BAHU J GAME CHE…….HU TAMARO GANO AABHARI CHU……………

 17. Priyakant’s avatar

  You are very very gretttttt………………..
  jivan ma kyare moko madse to tamne madvani echha che……
  tama ri thodij kavita vachi ne hu tamaro fan thai gayo chu……..

 18. Rina’s avatar

  awesome expression….

 19. vineshchandra chhotai’s avatar

  warnni9ng ; BE AWARE MY DEAR FREIND , some builder will take away …………this from u ……………………..with prem n om

Comments are now closed.