પ્રેમ જ… હા..હા…

Saras Cranes by Vivek Tailor
(સાથે સાથે….                    …સારસ ક્રેન, ઉભરાટ, ઑગસ્ટ-૨૦૦૯)

*

{સ્ત્રગ્ધરા (12)} {ખંડ મંદાક્રાન્તા (2)}

બોલો જોયું કશે સારસ યુગલ સમું પ્રેમમાં મગ્ન કોઈ?
પ્રેમે કેવો ? દીયા-બાતી, રુધિર રગમાં, સોયમાં દોર પ્રોઈ;
સંગાથે બેઉ જીવે, અનવરત લઈ ચાંચ-ચાંચે ફરે છે,
જ્યાં એકે જીવ ખોયો, તરત જ પટકી માથું બીજું મરે છે,

હૈયું જોડાયું’તું એમ જ ઉભયનું, ના રેણ ના કોઈ સાંધો,
જોડી જાણે કે રાધા કિશન પ્રણયમાં લીન હો રાત-દા’ડો;
ઈર્ષ્યા ના થાય કોને ? તનમનધનથી બેઉ સંપૃક્ત કેવા !
છો જગ જાતું રસાતાળ પણ ઉભયને કોઈ લેવા, ન દેવા.

કોની લાગી હશે રે નજર જળ થયા લાઠી માર્યે જુદા આ,
પત્તાનો મ્હેલ કે કાચ ઘર ? બધું થયું એક ફૂંકે સફાયા ?
નોખાં થૈ ગ્યાં સદાના હમસફર, ભલે વાસ એક જ રયો છે,
કાયા છોડી દઈ ભીતર રવરવતો શ્વાસ ચાલ્યો ગયો છે.

પાછો આવે ? ના.. ના.. શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
શંકા? ના…ના… પ્રેમ જ… હા..હા.. પરત દિલમાં લાવે તો માત્ર લાવે.

– વિવેક મનહર ટેલર
(જુલાઈ ૨૦૧૬)

Saras Cranes by Vivek Tailor
(અલગ અલગ….                  …સારસ ક્રેન, ઉભરાટ, ઑગસ્ટ-૨૦૦૯)

10 thoughts on “પ્રેમ જ… હા..હા…

  1. સરસ,સરસ,સરસ્……..
    શ્રધ્ધા અને શંકા અને પ્રેમની વાત મનભાવન્………

  2. રવરવતો શ્વાસ….મારી ભાષામાં કહું તો સખત, સહજ અને સાર્વત્રિક રચના…તમે સંભડાવેલી ત્યારે ખૂબ અદ્ભુત રહી હતી…બોં જ સરસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *