એક ચૂંટિયો તો ખણ!

(એક ચૂંટિયો તો ખણ….                                            ….જુરોંગ બર્ડ પાર્ક, સિંગાપુર, ૨૦૧૬)

*
તું દૂર થાતી જાય છે એ વાત હું જાણું છું, પણ…
હું હાથ લંબાવી અડી શકતો’તો, તું ક્યાં છે એ જણ?

હા, કૈંક છે જેના લીધે સગપણનું થઈ ગ્યું છે મરણ,
વ્યક્તિ મટી તું ધીમેધીમે થઈ રહી છે સંસ્મરણ.

જે વારતા બટકી ગઈ એને લખીને શું કરું?
કાગળ ઉપર મેં જાત મૂકી ને તરત જન્મ્યું કળણ.

ચાલે નહીં એવી કલમ લઈને હવે હું જઈશ ક્યાં?
અ-ક્ષરશીશીમાંથી જીવન સરકી રહ્યું છે કણ-બ-કણ!

નિઃશ્વાસ છાતીમાં ભરું છું કે ભરુ છું શ્વાસને?
આવી ઊભી છે આ સમજની પારથી ઊગેલી ક્ષણ.

ને હા, હજી પણ શ્વાસની આવાગમન ચાલુ જ છે?
વિશ્વાસ બેસે, કમ સે કમ તું આવી એક ચૂંટિયો તો ખણ!

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૧૭)


(એય…. આ બાજુ તો જો….                        …સ્ટ્રિક્ડ લાફિંગ થ્રશ @ કૌસાની, ઉત્તરાખંડ, ૨૦૧૭)

બારણું


(આર યા પાર…..                                               …ચાંપાનેર, ૨૦૧૭)

*


દરવાજો છે
એનો અર્થ જ એ છે
કે
એ ખોલી શકાશે.


કયું બારણું
ક્યાં લઈ જશે
એ તો
બારણાંનેય નથી ખબર.


બહારનું અે બારણું
તો
અંદરનું ?


આખેઆખી ભીંત તોડવાની પયગંબરી
કંઈ બધાના નસીબમાં હોતી નથી
આપણે તો
ભીંતમાં
એક બારણું કરી શકીએ
તોય ઘણું


દરવાજો ખોલો જ નહીં
ત્યાં સુધી
ગમે એટલી કોશિશ
ક્મ ન કરો,
બહાર જઈ શકાતું નથી


બધા દરવાજામાં
આગળા હોતા નથી
ને હોય તોય
બધા મારેલા હોય એ જરુરી નથી
પણ
ક્યારેક
આગળો શોધવામાં ને શોધવામાં
આપણે બારણું ખોલવું જ ભૂલી જતાં હોઈએ છીએ.


બારણું
કયા લાકડાનું, કે પ્લાસ્ટિકનું બનેલું છે
એની સાથે
એ ક્યા લઈ જાય છે
એને શું લાગે વળગે ?


કેટલાક દરવાજા
અંદરની બાજુએ
ખૂલતા હોય છે
ને
આપણે
ધક્કો માર માર કરીએ છીએ
બહારની તરફ જ


ચિત્રમાંના દરવાજા
ગમે એટલા સુંદર
કેમ ન હોય
એ ક્યાંય લઈ જતાં નથી

૧૦
બારણું ખોલીએ
ત્યારે જે કિચૂડાટ થાય છે

મિજાગરાનો અવાજ નથી
કપાયેલા ઝાડનું આક્રંદ હોય છે.

૧૧
દરવાજો દરવાજો છે.
એ ખોલીને
આગળ વધવાનું હોય છે.
દરવાજાના પ્રેમમાં પડી જનારા
ક્યાં ઉંબરા
ક્યાં બારસાખ
ક્યાં આગળા બની જતા હોય છે.

૧૨
ભીંતના જેટલા ભાગમાં
શક્યતાઓ ભરી પડી હોય છે
એને દરવાજો કહૈ છે

૧૩.
દરવાજો તમે કોને કહો છો?
ક્યાંક જવા-આવવા માટેની
લાકડાની ખોલ-બંધ થઈ શકે એવી વ્યવસ્થાને?
કે જે બિંદુએથી
આપણો કશાકમાં પ્રવેશ થઈ શકે એને?

૧૪.
એની આંખોમાં તો કોઈ બારણાં નહોતાં.
પણ
પાંપણ ઢાળીને એણે આમંત્રણ દીધું
ને
હું ક્યારે અંદર ગરકી ગયો
એની મનેય ખબર ન રહી.

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૬-૨૦૧૭)


(શ્રદ્ધાના દરવાજા……                                    …ફતેહપુર સિક્રી, ૨૦૧૨)

એન્ડ્રોપૉઝ કે ?

(મૈં નહીં બોલના જા….                                                               …સિંગાપુર, ૨૦૧૬)

*

(મંદાક્રાન્તા)

સૂતાં બંને પરસપરની બાંહમાં રોજ પેઠે,
વચ્ચે પેઠો અણકથ ડૂમો, મૂકશે કોણ હેઠે ?
ના કો’ ચૂમી, તસતસ થતાં કોઈ આલિંગનો ના,
હોઠોમાં કંપન હળવું છે, મૌન છે તોય વાચા.

છે તારામૈત્રક ઉભયમાં, કૈંક તોયે ખૂટે છે,
આશા-સ્વપ્નો હરિતવરણાં, કોણ બોલો, લૂંટે છે ?
છે બંનેના નયન તર એ હાલ બંને જુએ છે,
આંખોથી તો દિલ વધુ, અરે ! પોશપોશે રુએ છે…

નાયેગ્રા જે રગરગ મહીં દોડતો એ ગયો ક્યાં ?
વાયેગ્રા લૈ કરકમળમાં ચાલવાના દિ’ આવ્યા.
બેઠો કેવો ડર ઘર કરી, સ્પર્શ પાછા પડે છે !
સાથે વીત્યાં સુખ-દુઃખમાં એ વર્ષ કાચાં પડે છે.

થાકોડો છે વધત વયનો ? પ્રેમ આછો થયો શું ?
કે પ્રેમીના ઉરઝરણની મધ્ય આવી ઊભો ‘હું’ ?

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૬)


(માની જા ને ભઈલા….                                                                 …સિંગાપુર, ૨૦૧૬)

તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

(હેલો…. હેલો….                                                   …કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

હેલો! હેલો!
ધાર્મિક લાગણી દુભાઈ છે અમારી, તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

સૂરજને કેમ તમે સૂરજ કીધો ને વળી ચાંદાને કેમ કીધો ચાંદ?
કાણાને સાફસાફ કાણો કહીને તમે કર્યો છે સંગીન અપરાધ;
કૂવાના તળિયેથી ઊલેચી અંધારા ખુલ્લામાં શાને ધકેલો?
આવી આ જુર્રત ને બદતમીજીનો ફેલાઈ ગયો જો બધે રેલો?
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

ડાબે પગ મેલશો તો સેના અટકાવશે ને જમણે જો મેલશો તો ફતવા,
વાણી-સ્વાતંત્ર્યનાં ટિશ્યુ પેપર છે બસ, ઇચ્છાનાં આંસુઓ લૂછવા;
ચાહે એ કરવું એ કાનૂન છે જંગલનો, અહીંનો કાનૂન નથી સહેલો,
લોકના ચહેરા પર શાહી ઉછાળી છે, તૈયાર થાવ ખાવા હડસેલો.
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૭)

*

(સૂરજને કેમ તમે સૂરજ કીધો? ….                                          ….અંદમાન, ૦૩-૧૧-૨૦૧૩)

હર શ્વાસ છે ઉજાણી…

(ઝીરો મોબિલિટી…                                                                 …મેટ્રો, સિંગાપોર, ૨૦૧૬)

*

રમતા રહીશું ક્યાં લગ,બોલો, ચલકચલાણી?
આગળ તો આવે કોઈ, પોતાનો વારો જાણી.

શા માટે થઈ રહ્યાં છો, સરકાર! પાણી-પાણી?
પાણીમાં જઈ રહી છે ઈજ્જત ગગન-સમાણી?

સંબંધમાં હું છેક જ તળિયા સુધી જઈ આવ્યો,
તળિયામાં શું બળ્યું’તું? તળિયામાં ધૂળધાણી.

હોવાની પેલી બાજુ આવી મને મળો તો
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.

પંખીએ ચોપડામાં શેરો કરી લખ્યું કે –
વૃક્ષોના શેરો ખોટા, બિલ્કુલ નથી કમાણી.

મોબાઇલ આવ્યો એ દિ’ માણસની કુંડળીમાં,
બધ્ધા જ ખાને ઝીરો મોબિલિટી લખાણી.

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૬-૨૦૧૭)

*


(છટા….                                                                   …….પંગોટ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

(હરિતબુંદ….                               …બિન્સર, ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

મૂળિયાં વાઢીને જીવવાનું ને વળી ફૂલ પણ માથે ખીલવવાનું,
ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

હાથો કુહાડીનો કાયામાં રાખી તું મોટું થાય, સાચી એ વાત છે;
ફળો ભેટ દેવાને માટે તું મૌન રહી પથરા ખાય, સાચી એ વાત છે,
પણ જાતની જ આરી બનાવીને જાતને પોતાના હાથે જ કાપવાનું?
બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?

અંગારવાયુ પી પ્રાણવાયુ દેવાનું કામ, કહે લોક, ઘણું કપરું છે,
પણ અંગારા ખાઈનેય પ્રાણ પાથરવાથી વિશેષ, કહો, શું એ અઘરું છે?
હસતું મોં રાખીને સાવ લીલાં પાન સૌ એક પછી એક ખેરવવાનું,
હાય ! આ જીવવાનું કેમનું જીરવવાનું?
બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?

-વિવેક મનહર ટેલર
(૨૩-૦૬-૨૦૧૫)


(ત્રિશૂલ….                       …બિન્સર, ૨૦૧૭)

મા

Monkeys by Vivek Tailor
(ઊભુ રહે… ક્યાં ભાગે છે તું?..                       …..કૌસાની, મે-૨૦૧૭)

*

મા વિશે લખવા માટે મારી પાસે કંઈ જ નવું નથી.
અય મા! તેરી સૂરત સે અલગ…
जननी जन्मभूमि श्च..
મા તે મા….
માવતર કમાવતર…
જનનીની જોડ સખી!
જે કર ઝુલાવે પારણું….
-આ બધું તો ઑલરેડી લખાઈ ગયેલું છે.
મા માટે કવિતા લખવા માટે મને કોઈ ગીત-ગઝલ સૂઝતાં નથી
કેમ કે મા સાથેના મારા સંબંધો બિલકુલ નિયમિત નથી.
મને બહુ મોડું થાય તો મા મારી રાહ જોઈને બેસી રહેતી નથી.
એ સૂઈ જાય છે.
માને કંઈ દુર્ગાની જેમ દસ હાથ નથી.
રસોઈ મીનાક્ષીબેન બનાવી જાય છે.
કચરા-પોતું, વાસણ-કપડાં પણ એણે કરવા પડતાં નથી.
ટેક્સ્ટબુકમાં છપાયેલું હોય કે ફિલ્મોમાં બતાવે
એવું કંઈ ખાસ એણે કરવાનું આવ્યું નથી.
પ્રેક્ટિકલી મા પાસે એવું કંઈ કરવા જેવું છે જ નહીં જેની કવિતા કરી શકાય.
હું ડ્રૉઇંગરૂમમાં વધારે બેસતો નથી;
મા સાથે તો જવલ્લે જ.
એની સાથે વાત કરવા જેવું મારી પાસે કશું હોતું નથી,
તો પછી કવિતા શેની કરવાની?
પણ એય માણસ છે, માણસ… ભગવાન તો નથી જ ને?
મારા વર્તનથી એને દુઃખ પણ થતું જ હશે,
કેમકે એના ચહેરા પર મારા વડે થતી અવહેલના ક્યારેક જોઈ શકાય છે.
મા મરી જશે તો શું મને તકલીફ થશે ખરી?
શું હું ત્યારે મા વિશે કવિતા લખીશ?
ખબર નહીં.
હું એને ભગવાન ગણતો નથી.
મેં ભગવાનને જોયો પણ નથી ને હું ભગવાનમાં માનતો પણ નથી.
પણ ગઈકાલે જ્યારે મારા દીકરા પર ગુસ્સામાં મારો હાથ ઊંચો થઈ ગયો
ને મારા દીકરાની માએ
ફક્ત એની આંખો વડે મારા હાથને હવામાં જ પકડી લીધો
ત્યારે…
બસ ત્યારે, મને થયું કે મા મને થોડી થોડી સમજાય છે.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૫-૨૦૧૭)

 

Francolins by Vivek Tailor
(તીતર કે દો આગે તીતર                  …..કોર્બેટ, મે-૨૦૧૭)

હાઇકુ

Kausani by Vivek Tailor
(એક આશાનું કિરણ….          ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

મારું મૌન જ
મારી જિંદગી વિશે
બોલતું રહ્યું.

*

સ્નેહની ભીંત
ના ટકે, સ્મરણની
સિમેન્ટ વિના

*

બંધાઈ રહ્યાં
આજીવન. શું હતું
આપણી વચ્ચે?

*

ચકલી ગુમ:
હવે શહેર પોતે
નિષ્પર્ણ વૃક્ષ.

*

શ્હેરની છાતી
ચીરી, નીકળ્યો ઊડી
ગયેલો ટૌકો.

*

બે કાંઠા વચ્ચે
પુલ તો બાંધી દેશો,
હૈયાં જોડાશે?

*

હું ચુપ. તુંય.
બોલે બસ બંનેના
મોબાઇલ જ.

-વિવેક મનહર ટેલર
(મે, ૨૦૧૨ – મે,૨૦૧૭)

Bird by Vivek Tailor
(ભૂલો પડેલો ટહુકો….           ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

જીવનને અઢેલીને !

man at ease by Vivek Tailor
(જીવનને અઢેલીને….            ….તવાંગ, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

*

બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !

રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?

તમારા પર ગઈકાલે નજર એની પડેલી ને ?
પૂછો, ચાદરના સળમાં પાંગરેલ ચંપા-ચમેલીને.

પછી પૂછી શકાઈ નહીં કશી પણ વાત ઘેલીને,
તમારું નામ સાંભળતાં જ એ આંખો રડેલી ને…

વખાઈ ગઈ હશે ગઈકાલ નક્કી કો’ક કમરામાં,
થયાં વર્ષો છતાં ક્યાં ઊંઘ આવી છે હવેલીને?

હજી પણ દઈ નથી શક્તો કશું પણ નામ હું એને,
ભીતર આખ્ખુંય તાણી ગઈ’તી એ ગમખ્વાર હેલીને.

તમન્ના, તક કે સગવડ, નોકરી કે છોકરી યા ડિશ-
નથી નક્કી થતું છેવટ સુધી, આ લઉં કે પેલીને ?!

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૧-૨૦૧૭)

*

lady by Vivek Tailor
(પ્રતીક્ષા…                                       ….કોચી, ડિસે. ૨૦૧૬)

સંબંધ – બ્લેક & વ્હાઇટ : ૦૨ : વ્હાઇટ

IMG_6957 copy
(તેરા સાથ હૈ તો….                                   ….ગોવા, ૨૦૧૫)

*

૧.
કાપડ ભલે ધસુ-ધસુ થઈ જાય
પણ દોરો બે પડને
ચસોચસ પકડી રાખે
એ સમ્-બંધ !

૨.
લગ્ન
મોટાભાગે
ચામડીના સ્વિમિંગપુલમાં
ડબ્બો બાંધીને તરતા રહેવાનું બીજું નામ છે,
દોસ્તી
ચામડી ચીરીને ઝંપલાવે છે
તળિયા સુધી
ને
શોધી લાવે છે મોતી.

૩.
ડિઅર જિંદગી!
તારો હાથ
હાથમાં લઉં છું
અને રસ્તો
આપમેળે કપાઈ જાય છે.
તું શું છે ?
પગ કે પગથી?
રથ, રથી કે સા-રથી?

૪.
થર્મૉમીટરમાં
વચ્ચેની
પારાવાળી કાચની સાંકડી નળીની આજુબાજુ
ફેરનહીટ અને સેલ્શિયસની
જેમ પડખોપડખ ગોઠવાયેલા આપણે બે.
પારાની જેમ
વચ્ચેથી
વિશ્વાસ ઉતરી જાય
પણ શ્વાસ રહી જાય
એ દુનિયાદારી
અને
શ્વાસ ઉતરી જાય
પણ વિશ્વાસ રહી જાય એ સંબંધ.

૫.
ચાર પગલાં
રેતીમાં
હાથ હાથમાં લઈને
ચાલ્યાં જતાં હોય
તો
દરિયાને પણ
ચાલુ ભરતીએ
ઓટે ચડવાનું મન થાય.

૬.
નાડાછડી,
અગ્નિના ફેરા
અને
સાથે ભરાતાં સાત પગલાં
કરતાંય
મોટાભાગે
આઠમા પગલાના સંબંધ
વધુ ટકી જતાં હોય છે.

૭.
વાત
જીભ ઊઘડે
એ પહેલાં
સંભળાઈ જાય
ને પલક ઊંંચકાતા
પહેલાં જ સમજાઈ જાય
એવા સંબંધના સમીકરણ
ચોપડી ને ખોપડીની બહારનાં હોય છે.

૮.
ચાદરના સળ
ચામડીના સળ
પછી પણ ટકી રહે
એ ખરો સંગાથ.

૯.
નામ વિનાના સંબંધ
હંમેશા
વધારે એવરેજ આપતા હોય છે.

૧૦.
જાતના પ્રેમમાં ન પડીએ
ત્યાં સુધી
બીજાને
કરેલો પ્રેમ
ગણતરીથી વિશેષ હોતો નથી.
જાત વિનાની જાતરા નકામી
એ કંઈ એમનેમ કહ્યું હશે?!

૧૧.
બે જણનું મળવું-ચાહવું-જોડાવું
-બધું ‘એમ’ જ હોવાનું.
પોતાની જાતને
પૂર્ણપણે ચાહવાનું ફેવિકૉલ હાથ ન લાગે
ત્યાં સુધી
આ ‘એમ’ની આગળ
‘પ્ર’ ચોંટશે જ નહીં.

૧૨.
સંબંધ એટલે
એવા ચશ્માં
જે
સામી ચોપડીમાં
આંસુની પ્રસ્તાવના
લખાતા પહેલાં જ
વાંચી શકે.


Two

(સાથ-સાથ….                          …..જાંબુઘોડા, એપ્રિલ- ૨૦૧૭)