૦૨. આ બ્લૉગ વિશે…

મારો અ-ક્ષરદેહ…

શબ્દો એ મારું સાચું અસ્તિત્વ. જાણે મારા શ્વાસ. મારા શબ્દો અને એ રીતે મારા શ્વાસ લઈને નિયમિત રીતે મિત્રોને મળતા રહેવાની ખ્વાહિશ સાથે ૨૯-૧૨-૨૦૦૫ના રોજ આ બ્લોગની શરૂઆત કરી. શરૂઆતમાં કલ્પના નહોતી કે દર અઠવાડિયે બે નવી કૃતિઓ – દર બુધવારે અને શનિવારે સાંજે – લઈને મિત્રોને મળતા રહેવાની કટિબદ્ધતા જાળવી શકીશ. પણ યાર-દોસ્તોનો પ્યાર શું નથી કરાવતો? અડધે રસ્તે મેં પાડેલા ફોટોગ્રાફ્સ પણ કૃતિઓની સાથે સાંકળતા જવાની શરૂઆત કરી અને એ પણ પછી તો એક ક્રમ બની ગયો. કૃતિને અનુરૂપ ફોટાઓ સંગ્રહમાંથી મળે એવું કાયમ શક્ય ન હોવાથી ગમતી કૃતિઓ અને ગમતી છબીઓ – પરસ્પરના અનુસંધાન વગર પ્રસ્તુત કરી રહ્યો છું.

લાંબા અરસા લગી અઠવાડિયે બે કૃતિનો સિરસ્તો જાળવી રાખ્યા પછી અહેસાસ થયો કે કવિતાનો જન્મ મશીનમાં થતો નથી અને વાયદો પાળવો શક્ય નથી એટલે અધરસ્તેથી અઠવાડિયે -દર શનિવારે- એક કૃતિનો નિયમ રાખ્યો જે આજ દિન સુધી પાળી શકાયો છે… આગળની મને જાણ નથી પણ આ સફર જ્યાં સુધી શક્ય હોય જારી રાખવા જરૂર મથીશ… જરૂર મથીશ કેમકે આ માત્ર મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા નથી, આ મારી ઊર્મિઓની મિત્રો સુધીની મુસાફરી પણ છે…

મિત્રોના પ્રતિભાવોની, પછી એ સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરા હોય, સદૈવ પ્રતીક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.