દુર્ભેદ્ય ગઢનો પહેલો કાંગરો…

P1011405
(શ્વેત સમુદ્ર….               ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના માસિક મુખપત્ર ‘પરબ’માં પહેલવહેલીવાર મારી ગઝલ. ઢગલોક સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો બાદ પહેલીવાર આ દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો આ મહિને ખર્યો… એનો આનંદ પંડેથી કાઢીને નેટ-ગુર્જરી પર…

Parab - Paani Bharel Vaadalo
(‘પરબ’, ઑગસ્ટ, 2008…..                        ….તંત્રી: શ્રી યોગેશ જોષી)

*

(આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)

કવિતા

P1011353
(કોરતું ને કોરાતું એકાંત….                        …..જુલાઈ, ૨૦૦૮)

*

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

तू न हो तो क्या हुआ ? (तस्बी गज़ल)

_MG_2172
(જરા જરા ઉજાસ…                        …શોજા, હિ.પ્ર. નવે.-2007)

*

[audio:http://urmisaagar.com/saagar/audio/TuNaHoToKyaHua.mp3]

*

હું લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?

ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?

તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?

કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?

મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?

તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?

આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?

હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૦૮)

*

हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?

चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…
…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?

तू है-नहीं की बात में युगों है अंधियार,
है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?

कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,
उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?

यूँ रात पूरी रात काटने में काटी पर,
कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?

तू भूल गई जो उसी को कर के इस्तमाल
ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?

ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?

क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

-विवेक मनहर टेलर
(१५-०८-२००८)

તારા રંગે રંગાઈ હું તો આખી

IMG_2298
(આઈનો….                 ….સેરોલસર તળાવ, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

* * *

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)

જીવતો જાગતો માણસ ફૂટ્યો…

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.

ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.

આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬, ૩૦-૦૭-૨૦૦૮)

૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ વખતે લખેલું આ ગીત આ બ્લૉગને માત્ર ગઝલના બ્લૉગમાંથી કવિતાઓના ગુલદસ્તામાં ફેરવતી પહેલી રચના હતી. એ વખતે લયની દૃષ્ટિએ આ ગીત ઘણી જગ્યાએ ખોડંગાતું હતું. આજે પણ મારી સમજ પ્રમાણે લયમાં કરેલા ફેરફાર બાદ પણ અહીં લય પાક્કો ન થયો હોય એ બનવાજોગ છે. બેંગ્લોર અને બાદમાં અમદાવાદમાં ઉપરાછાપરી થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ અને સુરતમાંથી જડી આવેલ અઢી ડઝનથી પણ વધુ મોતના જીવતા સામાન સમા બૉમ્બના કારણે અસ્તવ્યસ્ત થયેલા માનસને પ્રસ્તુત કરતું આ ગીત કોઈ એકને પણ સ્પર્શી શકે તો ઘણું…