‘ફોર અ ચેઈન્જ’ આજે કોઈ કવિતા નહીં કે નહી કોઈ પ્રકાશિત રચના… આજે જરા જુદી જ વાત માંડવી છે અને એ પણ મારે નહીં,મારા કેમેરાએ…. ગયા મહિને પટ્ટાયા, થાઈલેન્ડ ફરી આવેલ મારા કેમેરાનો લેન્સ આપ સહુ સાથે કેટલીક વાતો કરવા તલપાપડ છે… એ આંખોથી કહે છે, આપ આંખોથી સાંભળજો… (૨૦ થી ૨૫ ઑગસ્ટ, ૨૦૦૮)

P1011562

(પટ્ટાયાનો શ્વેત રેતી અને ભૂરાં પાણી અને છમ્મલીલાં કિનારાવાળો લગભગ મોજાંરહિત સમુદ્ર તટ)

*

P1011432

(મારા રૂમની બારીમાંથી રિસોર્ટનું વિહંગાવલોકન)

*

P1011434

(આ જાળાં યાદ અપાવે મને હિંદુસ્તાનની…)

*

P1011585

(વોટર સ્પૉર્ટ્સ… પટ્ટાયાની મુખ્ય લાક્ષણિક્તા)

*

P8221743

(કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો…)

*

P8221749

(ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…)

*

P1011550

(લેડી-બૉય દ્વારા થતો વિશ્વવિખ્યાત અલ્કાઝાર શૉ)

*

P1011560

(રોયલ ક્લબ બીચ રિસૉર્ટનો એક ભાગ અને મારી જિંદગીનો બીજો હિસ્સો)

*

P8231850

(ના…ના… હવે ઘરે પાછાં તો નથી જ જવું…)

પટ્ટાયા, બેંગકોક અને અલ્કાઝાર શૉના બાકીના ઘણાબધા ભાતીગળ ફોટોગ્રાફ્સ જોવા ઈચ્છતા મિત્રોનું અહીં સ્વાગત છે:

http://vmtailor.spaces.live.com/photos/

કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો…


(”ગઝલે સુરત”….            …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. 25)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563

.

*

.

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.  

 


(”અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)

 


(”કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)


(કોનાં પગલે…?          સુંવાલીના દરિયાકિનારે, એપ્રિલ,07)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

-આ પંક્તિ લખી ત્યારથી મેં જે છૂટ અહીં લીધી છે એ માન્ય ગણાય કે નહીંનું વાવાઝોડું મનમાં ફુંકાયા કરતું હતું. આ બ્લૉગ પર અને અન્ય બ્લૉગ પર આ સંદર્ભે વાત નીકળી અને મને વાત કરવાનું બહાનું મળ્યું. આ ગઝલનું છંદ-બંધારણ આ પ્રમાણે છે- ગાલગાગા ગાલગાગા ગાલગા. આ છંદ પ્રમાણે બીજી પંક્તિની તક્તી પહેલી નજરે આ પ્રમાણે થાય:

ગાલગા(લ)ગા ગાલગાગા ગાલગા.
બહુ જ સરળતાથી આ પંક્તિને “એથી લોહીઝાણ વચગાળો હશે?”-એમ લખીને હું દેખીતા છંદ-દોષમાંથી બચી શક્યો હોત. પણ મેં એમ નથી કર્યું. કેમ?

એજ પ્રમાણે આજ ગઝલનો એક બીજો શે’ર જોઈએ:

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

-અહીં પણ બીજી પંક્તિની દેખીતી તક્તી આ રીતે થશે:
ગાલગાગા (લ)ગાલગાગા ગાલગા.

હું જે રીતે છંદ શીખ્યો છું એ પ્રમાણે આ બંને છૂટ યોગ્ય છે. આ બંને પંક્તિમાં જ્યાં એક લઘુ વધારાનો લાગે છે ત્યાં તરત જ પછવાડે સ્વર આવે છે. પહેલા ઉદાહરણમાં ‘લોહીઝાણ’માં શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ ‘ણ’ એના પછીના શબ્દારંભે આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાય છે અને ણ+એ = ણે એવો એક ગુરુ બનાવે છે, જે છંદ-દોષ નિવારે છે. આજ પ્રમાણે બીજા ઉદાહરણમાં ‘દેહ’ શબ્દાંતે આવતો વધારાનો લાગતો લઘુ અક્ષર ‘હ’ એની પછીના શબ્દ ‘ઓર’ના શબ્દારંભે આવતા સ્વર ‘ઓ’ સાથે સંયોજાઈને હ+ઓ=હો એવો એક જ ગુરુ બનાવે છે જે પ્રથમ નજરે દેખાતા છંદ-દોષની શંકાને નિવારે છે.

પ્રશ્ન એ છે કે આ પ્રકારની છૂટ માન્ય છે ખરી? સાહિત્યના આકાશમાં મારું સ્થાન એક બિંદુથી વિશેષ કંઈ જ નથી ત્યારે મારા કહેવા માત્રથી આ છૂટ માન્ય બની જાય ખરી? તો શરૂ કરીએ એક પછી એક ઉદાહરણથી… હું દરેક ઉદાહરણને અલગ-અલગ રીતે સમજાવવાના બદલે કવિએ જ્યાં-જ્યાં આ પ્રકારે સ્વર સાથે સંધિની છૂટ લીધી હશે એ શબ્દના આખરી અક્ષરને અને એની સાથે જોડાતા સ્વરને ગાઢો કરી નીચે લીટી દોરીને માત્ર ઈશારો જ કરીશ જેથી બિનજરૂરી લંબાણ ટાળી શકાય:

या रब ! न वो समझे हैं, न समज़ेंगे मेरी बात,
दे और दिल उनको, जो न दे मुझको ज़बाँ और । (गालिब)

ये न थी हमारी किस्मत कि विसाले-यार होता,
अगर और जीते रहते यही इन्तज़ार होता ।
तेरे वादे पर जिये हम तो यह जान झूट जाना,
कि खुशी से मर न जाते अगर एतबार होता ।
तेरी नाजुकी से जाना कि बंधा था अहद बोदा,
कभी तू न तोड सकता अगर उस्तुवार होता ।
कहूं किससे मैं कि क्या है ? शबे-गम बुरी बला है,
मुझे क्या बुरा था मरना ? अगर एक बार होता । (गालिब)

हम कहां क़िस्मत आज़माने जाएं ?
तू ही जब खंजर-आज़मा न हुआ । (गालिब)

ज़लवा-ब-कद्र जर्फ़-ए-नज़र देखते रहे,
क्या देखतें हम उनको, मगर देखते रहे । (अज्ञात)

Read the rest of this entry »


(પ્રકાશ, પાણી અને પ્રકૃતિ….                …૦૪-૦૩-૨૦૦૭)

આમ પૂછો તો કારણ કાંઈ નહીં, ને આમ પૂછો તો ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’… કારણ ગમે તે હોય, પણ હું લઈ રહ્યો છું એક નાનકડો વિરામ… ઘણું ચાલ્યો, થોડો થાક ખાઈ લેવાનું ગમશે… થોડો વખત તમને પણ મારા દે-માર ઈ-મેઈલમાંથી છૂટકારો મળશે… પણ યાદ રહે, આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં ! ફરી મળીશું, આજ સ્થળે… આજ સરનામે… અને આજ રીતે…

-વિવેક મનહર ટેલર

(દિવ્યભાસ્કર - મુંબઈ પૂર્તિ….        …..૦૧-૦૪-૨૦૦૭)

(દિવ્યભાસ્કર - અમદાવાદ પૂર્તિ….        …..૦૧-૦૪-૨૦૦૭)

ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે. ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા બે-અઢી વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે, કહો કે નવું સરનામું પામી રહી છે. દુર્લભ ગણાતા ગુજરાતી કાવ્ય કે સાહિત્યકૃતિઓ જે નવી પેઢી સુધી સમય, સગવડ, સમજણ અથવા પૈસાના અભાવે પહોંચી શક્તી નહોતી એ હવે ફક્ત એક માઉસની ક્લિક્ જેટલી જ છેટી રહી ગઈ છે. વિશ્વના ખૂણે-ખૂણે બેઠેલા ગુજરાતીઓ આ “મફત” બ્લૉગ્સ મારફતે પોતાની માતૃભાષાને પરદેશની ભોમમાં પણ સ્પર્શી શકે છે. અંગ્રેજી ભાષા તરફ પૂરપાટ દોડી રહેલી ગુજરાતી ભાષાની આત્મહત્યા અટકાવવામાં બ્લૉગ્સની આ નિઃશુલ્ક દવા કદાચ અક્સીર બની રહી છે.

ગુજરાતી બ્લૉગ-જગતની નાની પણ મજાની ગુજરાતના નં.1 દૈનિક દિવ્યભાસ્કરે પહેલી એપ્રિલે લીધી છે જેને કદાચ હજીયે ઈન્ટરનેટથી દૂર રહેલી ગુજરાતી પેઢી સાથેના પ્રત્યાયનનું પ્રથમ પગલું માની શકાય. કોઈ પણ બ્લોગના વેબ-એડ્રેસ વિના આપવામાં આવેલી આ માહિતી આમ તો પ્રાણ વિનાના ખોળિયા સમી છે પણ એક વાતનો તોય સંતોષ લેવો જ રહ્યો કે લોકોએ નોંધ લેવાની શરૂઆત તો કરી…!

(વ્યૂ એન્લાર્જ કરવા માટે ફોટોગ્રાફ પર ક્લિક્ કરશો)

(કવિસંમેલન…. ….અમદાવાદ : ૨૫-૦૨-૨૦૦૭)

(કયું સર્ટીફિકેટ સાચું? … ….ચિનુ મોદી સાથે)

(ડાબેથી: AMA પ્રમુખ, હું, ચિનુ મોદી, કૃષ્ણ દવે, હર્ષ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત)
(ફોટોગ્રાફની ગુણવત્તા બદલ ક્ષમાયાચના)

અમદાવાદથી એક ફોન આવ્યો, ડૉ. અશોક પટેલનો… ‘અમદાવાદ મેડીકલ એસોસીએશનના ઉપક્રમે ગુજરાતભરના તબીબ-કવિઓનું એક કવિ સંમેલન યોજીએ છીએ. આપ આવશો?’ મારાથી સહજ પૂછાઈ ગયું: ‘ પણ આપને મારું નામ અને નંબર ક્યાંથી મળ્યા?’ ‘ડૉ. ઉર્વીશ વસાવડાએ તમારા માટે ભલામણ કરી છે’, જવાબ મળ્યો. પત્યું. 25 ફેબ્રુઆરી-રવિવારની સાંજે હું અમદાવાદના મેડીકલ એસોસીએશનના હૉલમાં હતો. છવ્વીસ તબીબ કવિઓ. તેર-તેરના બે સમૂહ. પહેલા સમૂહનો અંતિમ કવિ હું. સામે શ્રોતાગણમાં ચિનુ મોદી, નિરંજન ભગત, કૃષ્ણ દવે અને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા નીવડેલા કવિઓ અને ખીચોખીચ સભાગૃહ. વચ્ચેના ગાળામાં લગભગ દોઢ દાયકો કવિતા છૂટી ગઈ હતી એટલે હંમેશા મંચની બીજી બાજુએ બેસીને તાળી પાડવાનું જ નસીબમાં રહેતું. તેર વર્ષ પહેલા આખરી મુશાયરામાં ભાગ લીધો હતો. આજે દોઢ દાયકા બાદ મંચની ઈચ્છેલી બાજુએ બેસવા મળ્યું હતું અને એ ય સુરતની બહાર… મંચ અને માઈકનો ડર સદનસીબે અગિયારમા ધોરણ પછી કદી લાગ્યો નથી… એટલે મારા સ્વપ્નને વાસ્તવની ભોંય પર પગ મૂકવાના મળેલા મોકાને પૂરતી સજાગતાથી ઝડપી લીધો… કૃતિઓમાં ખોવાઈને પછી હું ક્યારે જાગ્યો, ખબર જ ન પડી… એક અવિસ્મરણીય અનુભવથી જાણે માહ્યલો ભરાઈ ગયો. અંદર કોઈક ટકોરતું હતું, હજી તો પંથ ઘણો લાંબો અને વિકટ છે અને બહારથી કોઈ આશ્વસતું હતું, ભલે! શરૂઆત તો થઈ ને !

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો!

- કવિસંમેલનમાં રજૂ કરેલી કૃતિઓને ક્રમસર રજૂ કરું છું:
(જે તે કૃતિ પર ક્લિક્ કરવાથી આખી રચના સુધી જઈ શકાશે)

સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો

બગડેલા સંબંધનું શું?

પથ્થર

શરૂઆત કરી જો

(શરૂઆતથી મારી શબ્દયાત્રાના સાક્ષી રહેલા મિત્રોને મારા રસ્તાના કિનારે ઊગતા જતા પથ્થરોનોય સાક્ષી ન બનાવું તો ન જ ગમે.)

આજ સુધી આપ આ વેબ-સાઈટ પર આવતા રહ્યા છો, ક્યારેક જાતે તો ક્યારેક મારા ગ્રુપ-મેઈલની પગથી પર ચાલીને ! પણ હવેથી આ તસ્દી હું લેવા માંગું છું. આપ મારા શબ્દોના સરનામે પધારો એના કરતાં શા માટે હું જ મારા શબ્દોમાં ઢાળેલા શ્વાસો લઈને આપના દિલના દરવાજે સામેથી ટકોરા ન દઉં? આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરું છું. (આભાર, ધવલ !) બસ, એક જહેમત એક જ વાર પૂરતી આપે કરવી પડશે : નીચે ઈ-મેઈલ લિસ્ટમાં તમારું આખું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરો, બસ! આટલું કરશો એટલે હવે પછી ‘શબ્દો છે શ્વાસ મારા’ પર જ્યારે પણ નવી કવિતા મૂકીશ કે તરત જ મારા શ્વાસ ઈ-મેઈલના પરબીડિયા લઈને તમારા ઈન-બોક્ષમાં છલકાશે. માત્ર પ્યારનું ચલણ લઈને આ લવાજમ ભરી દો અને બનો મારા પ્રેમના આજીવન ભાગીદાર… !

Your email:  
Subscribe Unsubscribe  

‘શબ્દો છે શ્વાસ મારા’ ના ઈ-મેઈલ લિસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેઈલ કરો : dr_vivektailor@yahoo.com

(એક….                                             …ભરતપુર, 04-12-2006)

પ્રિય મિત્રો,

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એક વિચાર મનમાં ચાલ્યા કરતો હતો અને અમલમાં મૂકી શકાતો ન્હોતો. એક અઠવાડિયામાં બે કવિતાનું સર્જન કરવું અને તે ય એકધારું અને અવિરત કરવું- આ કામ આમેય ખાસ્સી મહેનત અને સમય માંગી લે એવું હતું. (આભાર, વૈશાલી અને સ્વયમ્ !) થોડી જૂની કવિતાઓ અને થોડી નવી રચનાઓના સહારે એક વર્ષથી વધુ સમય તો આ નિત્યક્રમ જાળવી શકાયો. હજી કદાચ એકાદ-બે મહિના આ ક્રમ જાળવી પણ શકું. પણ પછી? મશીનની જેમ સર્જાતી કૃતિઓ કંઈ દરવખતે સંઘેડાઉતાર ન થઈ શકે… વળી જૂની કૃતિઓમાં રહી ગયેલી છંદ-રદીફ-કાફિયાની ખામીઓ દૂર કરવાનો સમય ક્યારે કાઢી શકાશે? જે શબ્દને હું મારો શ્વાસ ગણતો હતો, એ જ શબ્દ ક્યારે અંતરાય બની બેઠો એ ખ્યાલ જ ન રહ્યો.

…ટૂંકમાં… આજથી હવે નવી કૃતિ લઈને મળીશું ફક્ત શનિવારે… દર બુધવારે મારી જ કોઈ જૂની કૃતિ મઠારીને બાહ્યસ્વરૂપના દોષ દૂર કરીને ફરીથી મૂકીશ… તો મિત્રો! યાદ રહે… દર બુધવારે જૂની રચના અને દર શનિવારે તરોતાજી કવિતા…

મળતા રહીશું શબ્દોના રસ્તે…

વિવેક.

 

વ્હાલા દોસ્તો,

પલંગ પર આડા પડીને પેટ પર પુસ્તક મૂકીને વાંચવાને ટેવાયેલો હું ક્યારેક મારી વ્હાલુડી માતૃભાષાને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર વાંચતો કે વંચાવતો હોઈશ એવો વિચાર દોઢેક વર્ષ પહેલાં આવ્યો હોત તો જુલે વર્નની નવલકથાની જેમ એ સમયના પરિપ્રેક્ષ્યમાં અવકાશયાન કે સબમરીનની પરિકલ્પના કરતો હોઉં એવું ટાઢા પહોરના ગપ્પા જેવું મને લાગ્યું હોત. આંગળી પકડીને ધવલ આ દુનિયામાં લઈ આવ્યો અને એસ.વી.એ સમય-સમયે માર્ગદર્શન આપ્યું. આજથી બરાબર એક વર્ષ પહેલાં ૨૯-૧૨-૨૦૦૫ના રોજ એક બ્લૉગ શરૂ કર્યો- શબ્દો છે શ્વાસ મારા… ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોનો બ્લૉગ. સ્વરચિત કાવ્યોનો એક બ્લૉગ કદાચ એ પહેલાં પણ અસ્તિત્વમાં હતો, પણ છંદબંધારણ અને કવિતાના નિયમોથી એ વેગળો હોવાથી સાહિત્યના નિયમોની એરણે મૂકવામાં આવે તો મારા બ્લૉગને સર્વપ્રથમ કહેવાનું ગૌરવ હું જરૂરથી લઈ શકું.

સફરની શરૂઆતમાં કૃતિઓની કોઈ ખાસ નિયમિતતા ન્હોતી. પણ પાછળથી જાત અને મિત્રોને એક વણકહ્યો વાયદો અપાઈ ગયો અને અઠવાડિયામાં બે વાર- દર બુધવારે અને શનિવારે સાંજે- પૉસ્ટ મૂકાવા માંડી. પછી તો ફૉટોગ્રાફ ઉમેરાયા અને આજે એક વર્ષ પછી પાછળ ફરીને જોઉં છું તો ૯૨ કવિતાઓ અને ૬ પ્રકીર્ણ-લેખો મેં મિત્રોના માથે થોપી દીધા છે.

આ બ્લૉગે મને માત્ર લખવાની નિયમિતતા નથી બક્ષી, આ બ્લૉગે મને ખોબલા ભરાતા ય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો આપ્યા છે. સાથે પીઠ પાછળ કરાયેલ ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને અહીં જ મળી છે. ગુજરાતી નેટ-જગત પર મારા હિસ્સાનું પદાર્પણ થઈ શકે ત્યાં લગી કરતો રહીશ અને શક્ય હોય ત્યાં લગી આપ સૌને આપ સૌનો પ્રેમ પામવા મારા શબ્દોના રસ્તે મળતો રહીશ…

આજે આ બ્લૉગની પહેલી વર્ષગાંઠ પર નવા સ્વરૂપ, નવી સવલતોની ભેટ લઈને આવ્યો છું. વર્ડપ્રેસ ફોર્મેટની સગવડો ઘણા સમયથી આકર્ષ્યા કરતી હતી. આજે ધવલની, માત્ર ધવલની જ કહી શકાય એ મહેનતના પરિપાકરૂપે આ નવા સ્વરૂપમાં એજ વેબ-એડ્રેસ કાયમ રાખી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વધારે સગવડોના બદલે આને હું “યુઝર-ફ્રેંડલી વર્ઝન” કહેવાનું જો કે વધુ પસંદ કરીશ. આશા છે આ નવું કલેવર આપને ગમશે…

આભાર…

વિવેક

« Older entries