હાઇકુ

Kausani by Vivek Tailor
(એક આશાનું કિરણ….          ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

મારું મૌન જ
મારી જિંદગી વિશે
બોલતું રહ્યું.

*

સ્નેહની ભીંત
ના ટકે, સ્મરણની
સિમેન્ટ વિના

*

બંધાઈ રહ્યાં
આજીવન. શું હતું
આપણી વચ્ચે?

*

ચકલી ગુમ:
હવે શહેર પોતે
નિષ્પર્ણ વૃક્ષ.

*

શ્હેરની છાતી
ચીરી, નીકળ્યો ઊડી
ગયેલો ટૌકો.

*

બે કાંઠા વચ્ચે
પુલ તો બાંધી દેશો,
હૈયાં જોડાશે?

*

હું ચુપ. તુંય.
બોલે બસ બંનેના
મોબાઇલ જ.

-વિવેક મનહર ટેલર
(મે, ૨૦૧૨ – મે,૨૦૧૭)

Bird by Vivek Tailor
(ભૂલો પડેલો ટહુકો….           ….કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

છ હાઈકુ

Vivek's GarmaLo
(પીળું સ્મિત…                  …ગરમાળો, મે, ૨૦૧૦)

* * *

સૂર્ય વીંઝતો
કોરડો, ગરમાળો
પીળુંક હાસ !

*

ફાગણ જેવી
આવી તું ને હું ફાટ્યો
કેસૂડા સમ.

*

ભરઉનાળે
ચોમાસું : મારા હોઠે
તારાં ચુંબન !

*

મરણ પણ
મરણને શરણ :
તારું સ્મરણ !

*

કવિતા : મૌન
કવિતા : શબ્દ અને
કવિતા : શૂન્ય

*

બેડરૂમમાં
હું છું, તું છે. આપણે ?
કે બસ ટી.વી. ?

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૩)

* * *

Vivek's Dubai at night
(ઇન ઉમ્ર સે લંબી સડકોં કો…                …દુબઈ, રાત્રિ, નવે, ૨૦૧૨)

બે હાઈકુ

PC285228
(તીખી નજર….                            …ઓસ્ટ્રેલિઅન સીગલ, ડિસે, ૨૦૦૮)

*

સાંજ ઢોળાણી
ટપ્ ટપ્ લોહી બનીને,
થૈ કોની હત્યા…?

*

વિસ્તરી ગળે
મેદાનની તિરાડો :
વાદળ સૂકાં !

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

ત્રણ હાઈકુ

P2074610
(મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી….   ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

પાનખરમાં
ઝાડ લીલાં, પોપટ
બેઠાં ડાળખે !

*

મોટર ચાલી
હવા ગૂંગળાવતી
ગાડા પરથી

*

બપોરે કોણે
ગાયો સૂર્યમલ્હાર ?
રણ ઝળૂંબ્યું !

*

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

ત્રણ હાઈકુ


(ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે…        …જાલોરી પાસ, હિ.પ્ર., નવે.’૦૭)

.

ખાલી આભને
શ્રાવણનાં, બનાવું-
રણની હોડી !

*

અરીસો ફૂટે
કણ કણ થૈ જાઉં,
છાયા ન મીટે.

*

તડકાસળી
વીણીને માળો બાંધે
સમયપંખી.

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

ત્રણ હાઈકુ

(ગોરંભો…..                  ….ભરતપુર, ૦૫-૧૨-૨૦૦૬)

તારા વરસે
ચોમાસે, આભ રાત્રે
કોરુંચટ્ટાક

*     *     *

પુષ્પનેત્રમાં
વસંતનું કાજળ,
ભમરો હસે.

*     *     *

કોયલ બેઠી
પર્ણઘટામાં; હવે
વૃક્ષ ટહુકે !!

-વિવેક મનહર ટેલર

બે હાઈકુ

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

 

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

*

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

– વિવેક મનહર ટેલર