ગીત

You are currently browsing the archive for the ગીત category.

Lady by Vivek Tailor
(આ જીવતરના બોજાને…..              ….અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

*

આ ફોટોગ્રાફ ફેસબુક પર મૂક્યો હતો ત્યારે બે પંક્તિ લખી હતી. વૉટ્સએપ પર આ ફોટો મિત્રો સાથે ‘શેર’ કર્યો ત્યારે ભૂલી જવાયેલ એ બે પંક્તિઓ ધ્યાનમાં આવી અને આ ગીત લખાયું…

*

આ ડાંગર તો પળભરમાં ફાવે ત્યાં પટકું,
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

ચોમાસે ઘાસ એમ કૈં કૈં કૈં ઇચ્છાઓ બારમાસી ફૂલે ને ફાલે,
સપનાં જરાક નથી ઊગ્યા આજે કે માંહે બળદ ઘૂસ્યા નથી કાલે,
એકાદા ખણખણતા ડૂંડાને કાજ બોલ, કેટકેટલા ખેતરવા ભટકું ?
પોરો ખાવો છ મારે બટકું.
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

‘કંઈ નહીં’ની ભીંત ઉપર ઓકળીની જેમ બસ, લીંપાતો જાય જન્મારો,
‘ક્યાંય નહીં’ના છાણાંમાં ધુમાતી જાતને ચૂલો જ દિયે છ આવકારો.
કણકણ ઓગાળ્યા તોય જિંદગીની આંખ્યુંમાં શાને કણાં જેમ ખટકું ?
ક્યારેક ને ક્યાંક તો અટકું !
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૫)

*

Farm by Vivek Tailor
(શમણાંના ખેતર….                               …અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

IMG_8654

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનાને પૂછ્યું મેં પાંપણ પછીતેથી
કઈ રીતે આ’યું તું આગળ ?
સાજન ગિયો છ મારો આઘે મલક,
નથ કોઈ એનો ફોન, નથ કાગળ.
હોળીના નામના કાં લે છે બલૈયા ? હું વાખી ન દઉં બારી મોરી ?
એકલી દીઠી ન જરી છોરી, તે કરવાને મંડ્યું તું આમ જોરાજોરી ?
ઓ રી !
ભલે લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનું કહે કે અલી ! સાજનના નામનો જ
રંગ હું લા’યું છું, જરા જો તો !
પાંપણની પાળ અને આંસુની વાડ ઠેકી
આવ્યો છે ઘરમાં ગલગોટો,
ફાગુનનો ફાગ ! ઠેઠ ભીતર છે આગ ! હવે રાખવી શી મારાથી ચોરી ?
આઘી જશે કે આવે ઓરી, તું ક્યમ અને ક્યાં લગ રે’વાની કોરી ?
ઓ રી !
છો લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૩-૨૦૧૫)

IMG_0939

Boat by Vivek Tailor
(માર હલેસાં માર, ખલાસી….                       ….નામેરી, આસામ, ૨૦૧૦)

*

નથી દિશા કે મંઝિલ-રસ્તો, હોય તો એની ખબર નથી,
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

ભર મઝધારે કયા ભરોસે જાત મેં ખુલ્લમખુલ્લી છોડી ?
હોડીને તો એક જ કાંઠો, કાંઠાને ક્યાં એક જ હોડી ?
દરિયો પાછો કેવો જડિયો ?! એક્કે લહેરો સજળ નથી.
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

લખચોરાસીના વન-વે પર પૂરપાટ છે મારી વેન;
જનમ-જનમના મીલના પથ્થર ! સાંભળતા જાઓ : યસ ! આઇ કેન !
કાલ ઊઠીને ફ્રી-વે થાશે, આજ ભલે ને સગડ નથી.
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૧-૨૦૧૫)

*

P5167244
(વન-વે….                                               ….કેલિફૉર્નિઆ, ૨૦૧૧)

trees by Vivek Tailor
(મારી સામે હું…..         …સાન્તા ક્રુઝ, કેલિફોર્નિઆ, ૨૦૧૧)

*

નથી અરીસો સામે તો પણ મારી સામે હું,
આ તે શો જાદુ ?!

હાથ મિલાવી બોલ્યો, “પ્યારે ! તું મને ‘હું’ ગણ,
શાને થઈ ગ્યો સ્તબ્ધ ? મટકાવી તો લે પાંપણ !”
– હું શું બોલું ? હવા-હવા થઈ ગઈ મારી સમજણ,
મારી સાથે કેવી રીતે બાંધું હું સગપણ ?
આજ અચાનક ‘હું’ મને ખુદ થઈ ગયો રૂ-બ-રૂ.
આ તે શો જાદુ ?!

ભૂલી પડેલી સમજણ અંતે આવી ફરી મુકામે-
મૃગજળમાં તરનારા ક્યાંથી કિનારાને પામે ?
ચૂકી જવાયેલ તકના ખાલી રસ્તાઓની સામે,
હું મને જડ્યો છું મારા પોતાના સરનામે.
જાત સુધીની જાતરા થઈ ગઈ, આખી દુનિયા છૂ !
આ તે શો જાદુ ?!

– વિવેક મનહર ટેલર
(૩૧/૦૭ – ૨૩/૦૮/૨૦૧૪)

*

jelly fish by Vivek Tailor
(નથી અરીસો સામે તો પણ….                              ….શિકાગો, ૨૦૧૧)

lotus by Vivek Tailor
(ત્રીજું લોચન….                                          …શબરીધામ, ૨૦૦૯)

*

દૂર તો કેવા સદીઓ દૂર ને પાસ તો કેવા ભીંસોભીંસ,
આ કેવી પ્રીત ને કેવી રીસ !

એક નવી કોઈ ટ્રેન જ્યાં આવી, આપણી વચ્ચે ફાટક બંધ,
એક સાંજના ઓળા ઊતરે, પોયણીઓના ત્રાટક બંધ;
એક વીતી ક્ષણ ફરી પ્રવેશતાં અધવચ્ચેથી નાટક બંધ,
પણ ‘બંધ’ સ્કંધ પર બે જ ઘડી પણ વધુ રહે તો નીકળે ચીસ.
આ કેવી પ્રીત ને કેવી રીસ !

કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
સાથમાં જુદા, જુદા:સાથે એવી થઈ જીવનની રીત;
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત,
આમ ને આમ જ વીસ ગયાં, શું આમ ને આમ જ જાશે ત્રીસ ?
આ કેવી પ્રીત ને કેવી રીસ !

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૪)

 *

shades by Vivek Tailor
(ધૂપ-છાંવ….                                                 …અંદમાન, ૨૦૧૩)

tree by Vivek Tailor
(મને પાનખરની બીક ન બતાવો….         …પહલગામ, કાશ્મીર, મે, ૨૦૧૪)

*

ક્યારેક તો એવુંય થાય કે કવિનેય કવિતા લખવાનો સામાન ખૂટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

જાણ છે મને કે મારા ગીત અને ગઝલો છે તારા રૂદિયે વસ્યા પ્રાણ,
તારી નિત નિત નવી રચનાની માંગથી યે હું નથી લગરિક અણજાણ;
બોલે છે કો’ક જ્યાં હું કાગળ-પેન પકડું છું – वो ही धनुष, वो ही बाण,
તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

કોરા કાગળ જેવા ખુલ્લા પગ લઈને હું શોધું સબદ નામે જણ,
સમદર-આકાશ-ધરા ખૂંદી કાઢ્યા, નથી બચ્યો એકે ત્રિભુવનનો કણ,
પણ રસ્તામાં ક્યાંય નથી કાંટા કે કાંકરા, કેમ કરી પડશે આંટણ ?
અલખ અ-લખ કહી બેઠો છે ને તું હું લખલૂંટ લખું એ અરમાન ગૂંથે ?
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

– વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૧૪)

*

tree by Vivek Tailor

(થ્રી ઇડિયટ્સ….       …પહલગામ, કાશ્મીર, મે, ૨૦૧૪)

wait by Vivek Tailor
(પ્રતીક્ષાના રંગ…..                                   ….અંદમાન, નવે, ૨૦૧૩)

*

વરસોવરસ બસ, રાહ વરસાવવાનું કામ તને કેમ કરી ફાવતું ?
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
આ જિંદગીમાં એકવાર આવ તું.

છપ્પનિયા જેવી આ છાતી જો, ફાટી પડી, ચાસ-ચાસ બન્યા છે ચીલા,
નજર્યુંની કેડીઓ વગડો થઈ નજરાણી, બાવળિયા ફાલ્યા હઠીલા,
આરતના ઓરડામાં બાવાંઓ ઠોકે છે વહી જતાં વરસોના ખીલા,
સૂક્કી પ્રતીક્ષાની કોરીકટ નદીયું પર બંધ કોણ આળા બંધાવતું?
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
બસ, એકવાર જિંદગીમાં આવ તું.

સૂરજમુખી થઈને દિવસો ન ખીલતા, ન મહોરે થઈ રાત રાતરાણી,
મારા આ હોવાના કણકણ ચૂંથીને કરે ક્ષણક્ષણના ગીધડાં ઉજાણી,
પાણીવછોઈ આંખ દેખીને મૃગજળિયાં ભરરણ વચાળ પાણીપાણી,
આવું આવું કરવાનો ગોરંભો મેલીને ઓણસાલ જાત વરસાવ તું.
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
તું આવ, આવ, આવ, બસ, આવ તું.

– વિવેક મનહર ટેલર
(૨૧/૨૨-૦૧-૨૦૧૪)

*

andaman by Vivek Tailor
(રસ્તા મોસમના…..                                  ….અંદમાન, નવે, ૨૦૧૩)

storks by Vivek Tailor
(સંગાથની સૂરતાલની છમ-છમ……            …પેઇન્ટેડ સ્ટૉર્ક, થોળ, ૨૦૧૪)

*

બી.એ.ની પરીક્ષાના કારણે ફરી એકવાર એક નાનકડું વેકેશન લેવું પડ્યું… ખેર, પરીક્ષા હવે પતી ગઈ છે અને સારી પણ ગઈ છે… ફરી નિયમિત મળવાની શરૂઆત કરીએ?

*

શબ્દોના પડઘમને મેલીને પાછળ, કર મૌન તણી સરગમને આગળ,
તું સહેવાસના સંગીતને સાંભળ.

મટકુંય ન લાગે એમ આંખોમાં આંખ પ્રોવી
બેસીએ થઈ બંને કિનારા;
આરા ન આવે એ તારામૈત્રકના
પનારામાં બાંધ છૂટકારા,
સદીઓની સદીઓ છો દુનિયા વહ્યા કરતી વચ્ચેથી એકધારી ખળખળ.
તું સહેવાસના સંગીતને સાંભળ.

એક-એક શ્વાસ મારા માંડીને બેઠા છે
તારે રૂંવે-રૂંવે મહેફિલ;
અડવાનાં મંચ ઉપર અક્કેકા રક્તકણ
તાક્ તાક્ ધિન, ધક્ ધક્ ધક્ દિલ,
સંગાથની છમછમના સૂર-તાલ કેમ કરી બાંધી શકે ભાષાની સાંકળ ?
બસ, સહેવાસના સંગીતને સાંભળ.

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૧-૨૦૧૪)

 *

Meerkuts by Vivek Tailor
(સહેવાસનું સંગીત…..                          …..? મીરકત, લદાખ, ૨૦૧૩)

yellow feet green pigeon
(બેસીને વાત કર…    …yellow feet green pigeons, ભરતપુર, 15-02-2014)

*

ખુદ મને જ મારી સાક્ષાત્ કર,
તું પાંચ મિનિટ બેસીને વાત કર.

કંદોરે બાંધી તેં ઘર પહેરાવ્યું છે
પચ્ચીસ્સો સ્ક્વેર ફૂટ પહોળું;
અક્કેકાં પગલાંના અક્કેકા બોલ ઝીલે
રાત-દિવસ ભીંતોનું ટોળું,
ખાલીપો ખોંખારે, રાજીપો થાય – એ હાલ જરા તુંય આતમસાત કર.
તું પાંચ મિનિટ બેસીને વાત કર.

મોઘમ ઇશારા ને મૂંગી પ્રતીક્ષાના
ક્યાં સુધી ગાવાનાં ગાણાં ?
લાખ તારા ઇમ્પૉર્ટન્ટ કામોની યાદીમાં,
બોલ, અમે ક્યાંયે સમાણા ?
આયખાની ચાદરમાં એક-બે કરચલી દે, કોરેકોરી ન બાકાત કર.
બસ, પાંચ મિનિટ બેસીને વાત કર.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૪)

*

herons
(જરા સખણો બેસ, બે ઘડી……       ગ્રે હેરોન, ભરતપુર, 15-02-2014)

natural mirror by Vivek Tailor
(ડિસ્ટન્સ…..     ….કુદરતી અરીસો, રાધાનગર બીચ, અંડમાન, નવે-૨૦૧૩)

*

મારી આંખોની પાર નથી એક્કે કવિતા, મારી આંખોમાં આંખ તું પરોવ મા,
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

આંખોમાં આંખ અને હાથોમાં હાથ હવે લાગે છે થોડું આઉટડેટેડ,
વ્હૉટ્સએપ ને ફેસબુક છે લેટેસ્ટ ફેશન, બેબી ! એનાથી રહીયે કનેક્ટેડ.
વાઇબર કે સ્કાયપી પર મેસેજ કરીને નેક્સ્ટ મિટિંગ રાખીશું આજકાલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

ડેઇલી મૉર્નિંગમાં હું સ્માઇલી મોકલાવીશ, તું બદલામાં કિસ મોકલાવજે,
‘લાસ્ટ સીન’ સ્ટેટસમાં અંચઈ નહીં કરવાની, એટલી ઑનેસ્ટી તું રાખજે.
તારી એક્કેક ટ્વિટ ફોલૉ કરું છું હુંય, એક-એક પિરિયડના દરમિયાનમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

કાગળ-પેન લઈ હું લખતો નથી કે આ છે કમ્પ્યૂટર-મોબાઇલનો યુગ,
ફૂલ અને ઝાકળ ને સાગર-શશી ને આ કવિતા-ફવિતા, માય ફૂટ !
સાથે રહી લઈશ પણ એક જ કન્ડિશન- તું તારા, હું મારા મોબાઇલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૩)

 

« Older entries § Newer entries »