ગઝલ

You are currently browsing the archive for the ગઝલ category.


(નવો સંપર્ક….                             …પેઇન્ટેડ સ્ટૉર્કસ, ખીજડિયા, ફેબ્રુ, 12)

*

સ્વર્ગમાં તેં નર્કની દુનિયા વસાવી લીધી છે,
મેંય મારી તર્કની દુનિયા વસાવી લીધી છે.

જૂના સરનામે નહીં પણ જૂનાં સ્મરણોને પૂછો -
મેં નવા સંપર્કની દુનિયા વસાવી લીધી છે.

હું હવે બરબાદીની ત્સુનામીથી ડરતો નથી,
લાખ બેડા ગર્કની દુનિયા વસાવી લીધી છે.

ભૂલી જઈને કર્મબોધ આ દુનિયાએ રગરગ મહીં,
અર્ક નામે કર્કની દુનિયા વસાવી લીધી છે.

અંતની ચિંતા શી ? એક ભાષાએ જ્યાં બીજાની સંગ
આપ-લેના અર્કની દુનિયા વસાવી લીધી છે.

શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.

નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે
સ્વર્ગમાં મેં નર્કની દુનિયા વસાવી લીધી છે.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૨)

*


(ઊડાન……..                              ….સિગલ, જામનગર, ફેબ્રુ,12)


(રાણી સિપ્રીનો રોજો….                 …અમદાવાદ, 15-04-2012)

*

આ મૌનનો વિસ્તાર છે કે શું છે, બોલ ?
સૌ શબ્દ સીમાપાર છે કે શું છે, બોલ ?

ગાંડીવનો ટંકાર છે કે શું છે, બોલ ?
સ્વીકાર છે, શિકાર છે કે શું છે, બોલ ?

શાના પડે છે અંગેઅંગે શેરડા ?
આ મારો અંગીકાર છે કે શું છે, બોલ ?

હોઠોની આ ચૂપકી ને ઢળવું આંખનું,
સાચે જ શિષ્ટાચાર છે કે શું છે, બોલ ?

સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?

થાક્યા વગર ચાલ્યા કરે છે તું સતત,
રસ્તો જ સાથીદાર છે કે શું છે, બોલ ?

તું પાણી પાણી થઈ ગયો છે, એની આંખ
પાણીથી પાણીદાર છે કે શું છે, બોલ ?

જો એ સમય ચૂકે તો બહુ અકળાવે છે,
તારું સ્મરણ અખબાર છે કે શું છે, બોલ ?

- વિવેક મનહર ટેલર
(૧૪-૦૪-૨૦૧૧)


(એની આંખ….                       …સિગલ, લાખોટા તળાવ, જામનગર, ફેબ્રુ, 12)


(આગવી એકલતા…                 ….નરારા, જામનગર, ફેબ્રુ, 2012)

*

આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.

ભીંતની છાતી ચીરી એક લતા ખૂબ લડી,
મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.

બીજવર કાફિયાને તાજી રદીફો ન જડી,
ને નવોન્મેષની પામી ન ગઝલ શુભ ઘડી.

કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી.

એ જ આશ્ચર્યથી હું જોઈ રહ્યો છું આ જગત,
નાનું બાળક જે રીતે જોઈ રહે ફૂલઝડી.

યાદ આવે ન નવું ગીત, કદી એમ થશે,
શ્વાસ ને શબ્દ – ઉભય ખેલી રહ્યા અંતકડી.

- વિવેક મનહર ટેલર
(૨૪-૦૩-૨૦૧૨)

છંદ વિધાન: ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા)

*


(એકલતાનું ટોળું…        ….રોઝી સ્ટાર્લિંગ મેના, લાખોટા તળાવ, જામનગર)


(કાયમી સહેવાસ…        …લીલો પતરંગો, ખીજડિયા, ૦૩-૦૨-૨૦૧૨)

*

કાયમી સહેવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો,
સો ટકા વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

જે ઘડીએ વાસ્તવિક્તાઓ મને ઘેરી વળી,
શાશ્વતી અજવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

એક જૂની ખીલી ડંખી સાથના ચપ્પલમાં જ્યાં,
બેયને ઉલ્લાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

સાતની વાત જ નથી, બસ, બે જ પગલાંની ભીતર
હું જ તારી ખાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૪-૨૦૧૨)

*


(હમ સાથ સાથ હૈ…            ….પેલિકન, લાખોટા તળાવ પાસે, જામનગર, ૦૫-૦૨-૧૨)

OLYMPUS DIGITAL CAMERA
(સદાના રાહગીર…                        ….જામનગર જતાં, ૦૨-૦૨-૨૦૧૨)

*

બધું જગત દીસે નવું ભલે, હું એનો એ જ છું,
તું આમથી કે તેમથી કળે, હું એનો એ જ છું.

હું આવ-જાના પંથનો સદાનો રાહગીર છું,
તું શ્વાસ બોલ કે હવા કહે, હું એનો એ જ છું.

નવા વિકલ્પ, યોજના, નવા નવા સમીકરણ;
નવા સવાલ છે, જવાબ છે, હું એનો એ જ છું.

હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.

ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,
ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.

ગઝલ લખાય છે તો શ્વાસને હવા મળે છે, દોસ્ત !
એ ગૂફ્તગૂ હજીય એ જ છે, હું એનો એ જ છું.

- વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(એકલો જાને રે….                           …સ્વયમ્, ખીજડિયા, ૦૩-૦૨-૨૦૧૨)

OLYMPUS DIGITAL CAMERA
(મહાભારત…                                    …કૈલાસ, ઈલોરા, ૦૬-૧૨-૨૦૧૧)

*

લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.

જાણકારી હોય તો એવું નથી કે શોધવી પડતી નથી સંજીવની પણ
યોજનાઓ જ્યાં ઊંધી થઈ જઈ શકે એ છાવણી કેવી તો કે’ કે જાણભેદુ.

યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ.

- વિવેક મનહર ટેલર
(૦૫/૧૧-૦૮-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(નીકળ્યા બાંયો ચઢાવી….             …પેઇંટેડ સ્ટોર્ક્સ, ખીજડિયા, ૦૪-૦૨-૨૦૧૨)

OLYMPUS DIGITAL CAMERA
(જા, નથી રમતા સજનવા….         …કાળી ડોક ઢોંક, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)

*

વાતે વાતે આમ રિસાવું સારું લાગે ? બોલો ને ભાઈ !
મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે ? બોલો ને ભાઈ !

જાગો-ઊંઘો-ઊંઘો-જાગો, એ જ દિવસ ને એ જ છે રાત,
ઘાણી સાથે જીવતર શીદ મજિયારું લાગે ? બોલો ને ભાઈ !

કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !

ઉપર ઉપરનું જીવી રહ્યાં છો, કવર જોઈને બુક ખરીદી,
પાણીથી પ્યારું શાને પાણિયારું લાગે ? બોલો ને ભાઈ !

એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી,
કવન જીવનથી કોઈ દિવસ શું પ્યારું લાગે ? બોલો ને ભાઈ !

- વિવેક મનહર ટેલર
(૧૦-૦૧-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(રીસ…                        …લિટલ કોર્મોરન્ટ, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)

OLYMPUS DIGITAL CAMERA
(ઢળતા રંગો…                                 …ખીજડીયા, જામનગર, ફેબ્રુ-૨૦૧૨)

*

થોડા સમય પહેલાં લયસ્તરો પર મૂકેલી આ ગઝલ અહીં પહેલીવાર…

*

બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.

યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.

ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.

અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.

ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૭-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ખરતા રંગો…                                 …જામજોધપુરના રસ્તે, ફેબ્રુ-૨૦૧૨)

OLYMPUS DIGITAL CAMERA
(તુષાર નથી….                              ….સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૨૦૧૧)

*

આ વખતે ‘ફોર અ ચેન્જ’, એક દીર્ઘ ગઝલ…

*

પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.

હું અહીં છું છતાં લગાર નથી,
મારા હોવામાં તથ્યભાર નથી.

દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.

આપ પર શું કશું ઉધાર નથી ?
દર્દ કંઈ એવું શાહુકાર નથી !

તું નથી કાચ, તું ગુમાન ન કર,
પારદર્શિતા આરપાર નથી.

બિંબને સાચવી શકે કાયમ,
આયનો એવો હોંશિયાર નથી.

ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.

હું ભણ્યે રાખું હામાં હા જ સદા,
મારો એવો કોઈ વિચાર નથી.

એકબીજાની સાચવે સગવડ,
આ શું છે? પ્યાર છે કે પ્યાર નથી?

એના એ રોજથી રજા ન મળે,
કંઈ, કશું, ક્યાંય ધોધમાર નથી.

બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.

હું નથી ફિલ્મકે હું બદલાઉં,
ને વળી આજે શુક્રવાર નથી.

સૂર્ય આકાશ પર સવાર નથી,
રોજના જેવી આ સવાર નથી.

- વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૧૨-૨૦૧૧)

*

P5198528
(ગોલ્ડન ગેટ બ્રીજ…                         ….સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૨૦૧૧)

PA274143
(ભરબપોરે અંધારું…                                     …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)

*

સૂર્ય પાછળ બિલ્લીપગલે ચાલતો અંધારપટ,
પોત અસલી તક મળ્યે દેખાડતો અંધારપટ.

જ્યાં જવામાં સૂર્યનો ખુદનો પનો ટૂંકો પડે,
ભરબપોરે એ બધે પણ વ્યાપતો અંધારપટ.

ભેદ તારામાં ને મારામાં રહે ના લેશ પણ,
એટલો ગાઢો થયો છે આજ તો અંધારપટ.

એ ઉઘાડીને થવાનું હોય એકાકાર, બસ !
હોય છે ઘૂંઘટનો પટ પણ આમ તો અંધારપટ.

વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.

હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ.

હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.

રૂબરૂ થઈએ તો ભારી થઈ પડે આ ભોંય, પણ
બેય આંખોની શરમ અજવાળતો અંધારપટ.

મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.

આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.

- વિવેક મનહર ટેલર
(૦૭-૧૦-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(બાકોરું…                          …ઈલોરા, ૨૭-૧૦-૨૦૧૧)

હવે

OLYMPUS DIGITAL CAMERA
(તારી પ્રતીક્ષામાં…     ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)

*

ગયા શનિવારે આજ છંદ અને આજ કાફિયા સાથે એક ખુલ્લી શક્યતાઓવાળી ગઝલ આપે માણી હશે જેમાં વાક્યાંતે ‘અને’ રદીફ હોવાના કારણે શેર જ્યાં પૂરો થતો હતો ત્યાંથી ફરી શરૂ થતો હોય એમ એકાધિક નવા જ અર્થ ઊઘડે એવી શક્યતાઓ મેં નાણી જોઈ હતી. આજે એજ ભાવવિશ્વને દાબડીમાં બંધ રાખતી ‘હવે’ રદીફ સાથેની આ ગઝલ… આશા રાખું કે આપ સહુને ગમશે. બંને ગઝલોને ફેસ-ટુ-ફેસ વાંચીને પ્રતિભાવ આપશો તો વધુ ગમશે. આભાર !

*

આમ યાદો ન મોકલાવ હવે,
આવ, બસ ! આવ, આવ, આવ હવે.

રાખ કાબૂમાં આ લગાવ હવે,
આડખીલી થશે સ્વભાવ હવે.

ક્યાં સુધી ચાલે આવજાવ હવે ?
આખરી આવ્યો છે પડાવ હવે.

ગામ ભરની ઉપાધિ માથા પર
નોતરી બેઠો છે, ઉઠાવ હવે.

કેટલો કરશે વાત પર વિશ્વાસ ?
બે ઘડી તો જો હાવભાવ હવે.

ફક્ત નિર્મોહ રહેશે મારો તો,
તું જડ્યા બાદ સ્થાયીભાવ હવે.

સાવ ખાલી જ થઈ ગયો છું હું,
એક ગઝલ તુંય સંભળાવ હવે.

- વિવેક મનહર ટેલર
(૨૩-૦૪-૨૦૧૧)

*

P5198476
(આવ, બસ ! આવ, આવ, આવ હવે….   …સાન ફ્રાન્સિસ્કો, ૦૯-૦૫-૧૧)

P5198473
(યાદોનું ધુમ્મસ….     …ગોલ્ડન ગેટ બ્રીજ, સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૧૧)

*

આ શનિવારે એક ગઝલ ‘અને’ રદીફથી ઉઘડતી શક્યતાઓને નાણી જોવા માટે… આવતા શનિવારે આ જ છંદ, આજ કાફિયા સાથે ‘અને’ જેવી ઉઘાડી રદીફના બદલે ‘હવે’ જેવી બંધ રદીફ સાથે… આપ રાહ જોશો ને?

**

આમ યાદો ન મોકલાવ અને
આવ, આવી શકે તો આવ અને…

થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…

એકધારી છે આવ-જાવ અને
આવશે એક-બે પડાવ અને…

પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…

ક્યાં સુધી આમ રાહ જોવાની ?
જોઈ લો એના હાવભાવ અને…

શબ્દની બંદગી ગમે છે છતાં,
મૌન છે મારો સ્થાયીભાવ અને…

યાદની મહોરી ઊઠી છે મોસમ,
એક ગઝલ મસ્ત સંભળાવ અને…

-વિવેક મનહર ટેલર
(૧૯-૦૩-૨૦૧૧)

*

P5208687
(સ્થાયીભાવ…      ….યોસેમતી નેશનલ પાર્ક જતાં, કેલિફોર્નિયા, ૨૦-૦૫-૧૧)

 PB110265
(ભાનના સૂરજ…       …Motion in stillness, અરુણાચલ પ્રદેશ, ૧૧-૧૧-૨૦૧૦)
(f/22, ISO-100 with Shutter speed 1/250 with rapid zooming in while clicking)

*

હાથ આ જાગી ઊઠ્યા છે એક તારા સ્પર્શથી,
સોંસરા મઘમઘ થયા છે એક તારા સ્પર્શથી.

જ્યાં હવાની આવજા પણ શક્ય નહોતી એ બધા
બંધ ઘર ખુલી ગયાં છે એક તારા સ્પર્શથી.

કાળની સાવ જ થીજેલી આ નદીના માછલાં
સામટાં જીવી ઊઠ્યાં છે એક તારા સ્પર્શથી.

ભાનના સૂરજ અને હોવાપણાની સૌ દિશા,
ધુમ્મસોમાં જઈ ગર્યાં છે એક તારા સ્પર્શથી.

ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.

શબ્દના જરિયાન જામાધારી વચનો પ્રેમના,
છુઈમુઈ શા થરથર્યા છે એક તારા સ્પર્શથી.

એક તારા સ્પર્શ માટે આજીવન તરસ્યા પછી
જડભરત શાને બન્યા છે એક તારા સ્પર્શથી ?

-વિવેક મનહર ટેલર
(૨૬/૨૭-૦૯-૨૦૧૧)

*

જરિયાન = કસબી; જરી ભરેલું.

જામા = ડગલો; ઢીલો અંગરખો; એક પ્રકારનું ઘૂંટણની નીચે સુધી પહોંચતું વસ્ત્ર. તેનો નીચેનો ઘેર બહુ હોય છે અને લેંઘાની માફક કરચલીવાળો હોય છે. પેટ ઉપર આવતો તેનો ભાગ કેડિયાના જેવો હોય છે. અગાઉના વખતમાં લોકો રાજકચેરી વગેરેમાં આ વસ્ત્ર પહેરીને જતા હતા

 *

P5281243
(એક તારા સ્પર્શથી…        …સાન ડિયેગોના સમુદ્ર તટે, અમેરિકા, મે-૨૦૧૧)

P5136867
(કંઈ તમા વગર ચાલ્યા…             …બુશકીલ ફૉલ્સ, પેન્સિલવેનિયા, મે-2011)

*

માર્ગમાં હતી મંઝિલ પણ ઇધરઉધર ચાલ્યા,
રાહબર કે નક્શાની કંઈ તમા વગર ચાલ્યા.

ચાલવું હતું નક્કી, ક્યાંક માપસર ચાલ્યા,
ક્યાંક ઝંખના પેઠે થઈ સટરપટર ચાલ્યા.

અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

ભાગ્ય ને પ્રયત્નો સૌ  હાથમાં હતા કાયમ,
મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા.

આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!

કેમ જાણ્યું કે જે ગઝલ મેં કહી, હતી મારી ?
આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?

- વિવેક મનહર ટેલર
(૩૧-૦૭-૨૦૧૧)

*

P5198415
(એક અકેલા…                  …સાનફ્રાનિસિસ્કો, મે-2011)

OLYMPUS DIGITAL CAMERA
(હવે એવો વરસાદ…                 ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

*

તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

-વિવેક મનહર ટેલર
(૨૦૦૮ થી ૧૦-૦૯-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(તરબતર…                                 ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

OLYMPUS DIGITAL CAMERA
(ટેકો…                               …સાન ડિયેગોના દરિયાકિનારે, મે-૨૦૧૧)

*

ગયા રવિવારે મૈત્રી દિન ગયો. એ દિવસે જ લખેલી આ ગઝલ આજે આપ સહુ માટે…

*

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

- વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(ઉગતા સૂર્યની લાલિમા…          …ટહુકો.કોમ, ગ્રાન્ડ કેન્યન, મે-૨૦૧૧)

P5240092
(એક ટીપું અજવાળું…    …ઝાડમાંથી ટપકતો ગુંદર, ગ્રાન્ડ કેન્યન, મે ‘૧૧)

*

શું હતું સ્થાન તારું ખાસ કદી?
જાણવાનો કર્યો પ્રયાસ કદી ?

તું નથી એટલે છે અંધારું,
સૂર્યને પણ નડે અમાસ કદી…

જ્યોતની આસપાસ અજવાળું,
તું રહે એમ આસપાસ કદી.

અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી

ઝંખનાને પગે પડે આંટણ,
એવા પણ હોય છે પ્રવાસ કદી.

ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૩-૨૦૧૧)

*

P5250147
(સૂર્યોદય…                                    ….નોર્થ રીમ, ગ્રાન્ડ કેન્યન, મે ‘૧૧)

P6042379
(એક, દો, તીન…          ..સી વર્લ્ડ, ઓર્લેન્ડો (ફ્લોરિડા)ની શામુ વ્હેલની વિશ્વવિખ્યાત કલાબાજી)

*

શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…

જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
આપના દિલમાં જે જે વાત હતી, આપની આંખમાં ઢબૂરી છે !

ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો પડશે પરસેવો,
બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?!

યુદ્ધમાં વ્યસ્ત છે, તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઇચ્છાની સબૂરી છે ?!

ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.

મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?
આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.

- વિવેક મનહર ટેલર
(૧૧/૧૩-૦૩-૨૦૧૧)

P6042053
(કલાબાજી…                                   …ડોલ્ફિન શૉ, ઓર્લિન્ડો (ફ્લોરિડા)

OLYMPUS DIGITAL CAMERA
(અદા….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

*

પળની હો પળોજણ તો તું પળવાર કરી દે,
તાણીને ન એ વાત લગાતાર કરી દે.

તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.

મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.

જે કામ છે તારે એ લડીને તો નહીં થાય,
છો કામ પતે એ પછી તકરાર કરી દે.

સ્વપ્નો છે તૂટેલા કે છે ઇચ્છા તણો ચૂરો,
આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે.

જે વાર મરણતોલ હતો એને શી રીતે,
આ મન પછી હોવાતણો આધાર કરી દે !

જગ લાગ્યું સીધું તારા વળાંકોમાં ડૂબીને,
મુજને હવે હે શબ્દ ! તદાકાર કરી દે.

- વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ગૂફ્તગુ….                                                 …ડેટ્રોઇટ, અમેરિકા, મે-2011)

OLYMPUS DIGITAL CAMERA

(રંગીન ટહુકો…                                                  ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)

*

આજે સાંજે અમેરિકામાં મારો બીજો કાર્યક્રમ:

*

શિકાગો

07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે

શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007

[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

ભીતરે ફુત્કાર કરતો ક્યારનો વંટોળિયો,
શ્વાસના નામે વગોવાયો ઘણો વંટોળિયો.

બહાર-ભીતર સૌ ઉપર-નીચે નીચે-ઉપર થતું,
તારો SMS છે કે વહાલનો વંટોળિયો ?

માળિયું ખાલી કરું હું લાખ, ખાલી થાય નહિ,
કંઈનું કંઈ ઘસડી જ લાવે યાદનો વંટોળિયો.

નક્કી બદલાયું છે તારા-મારા હૈયાનું દબાણ,
એ વગર ફૂંકાય બાકી કેમનો વંટોળિયો ?

કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!

દૂર તારાથી છું તો શું, હું તને પળવારમાં
લઈ લઈશ આગોશમાં થઈ શબ્દનો વંટોળિયો.

- વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA

(અમેરિકન ટહુકો…                                                  ….ડેટ્રોઇટ, ૦૪-૦૫-૨૦૧૧)

OLYMPUS DIGITAL CAMERA
(હોળી હમણાં જ ગઈ, નહીં ?              ….ગોરેગાંવની ગટર, ફેબ્રુઆરી, ૨૦૧૧)

*

આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.

હવે નજર પર કે લક્ષ્ય ઉપર ચઢી શકે ન ઢોળ જ કોઈ,
તુજ રંગે આ ધનુષના લખ ચોર્યાસી બાણ રંગાયા છે.

અમારી ભીતર સતત બળે છે, અમારે હોળીનું શું છે કામ જ ?
અમારા શ્વાસો કયા અનલથી તમને શી જાણ, રંગાયા છે ?!

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.

અમારા શબ્દોને ખોદી કાઢો કે રગ-રગોને ચીરો અમારી,
જડશે એ જ જેનાથી અમારા આણબાણ રંગાયા છે.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૩-૨૦૧૧)

PB131427
(રંગાયા છે…                                ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

OLYMPUS DIGITAL CAMERA
(પ્રતીક્ષાની ગલીઓમાં…           ..રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)

*

ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.

ખબર તારી લાવ્યો નથી સૂર્ય આજે,
નગર આજે એનો દિવસ ક્યાંથી પામે ?

તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
થયું જે થતું સોળમી વર્ષગાંઠે.

હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.

અસર જો નિકટતાની, જાણ જ રહી નહિ,
‘તમે’માંથી ‘તું’ પર સરી આવ્યા ક્યારે ?

પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?

-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૩-૨૦૧૧)

*

sunrays
(ફાટું ભરીને સોનું…                                             ….માઉન્ટ આબુ, ૨૦૦૦)

OLYMPUS DIGITAL CAMERA
(આંખના શતરંગી શમણાં…                  … પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

આખરે તો થઈ જવાનું છે ફના,
નામ દો વાદળનું કે ઝાકળ તણું.

આંખને વાંચી જવાનું હોય ત્યાં,
હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

તારી આગળ અર્થ એનો કંઈ નથી,
છો નનૈયા લાખ હું પાછળ ભણું.

આંખના શતરંગી શમણાં કે પછી
છાતીમાં છુપાવ્યા એ વાદળ ગણું ?

સ્થાન મારી જિંદગીમાં તારું શું ?
એ જ જે સુરતમાં છે ભાગળ તણું.

- વિવેક મનહર ટેલર
(૦૩/૦૪-૦૩-૨૦૧૧)

નેહા પુરોહિતે SMS વડે બે કાફિયાની ગઝલ મોકલાવી. એ વાંચતા જ ભીતર સળવળાટ થયો. છેલ્લા છ-આઠ મહિનાથી પુસ્તક પ્રકાશન કંઈક એ રીતે ભીતરને ભરડો લઈ બેઠું હતું કે કવિતા સાવ જ વિસારે પડી ગઈ હતી. નેહાની ગઝલે મહિનાઓની શીતનિદ્રાનો આ સ્વરૂપે દવાના સેમ્પ્લના કાગળ પર અંત આવ્યો… આભાર, દોસ્ત! લયસ્તરો પર નેહાની ગઝલ વાંચવી ન ચૂકાય એ ખાસ જો જો…

OLYMPUS DIGITAL CAMERA
(સત્યમ્ શિવમ્ સુંદરમ્….                 …એલિફન્ટાની ગુફાઓ, મુંબઈ)

*

દિવાળી દરવાજે ટકોરા દે છે અને હું બે અઠવાડિયા માટે વેકેશન પર જઈ રહ્યો છું. થોડો વખત અહીં પણ વેકેશન રાખીએ?

*

ભૂલી ગઈ દીવાલો આલિંગનો ચસોચસ,
ભીતરમાં સળવળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી;
ઘર ઘર બની ગયાં છે રેતી-સિમેન્ટ-કપચી.

હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,
રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;
માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે
મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;
પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

રાતોની રાત જાગી ઘરડું મકાન ખાંસે,
બારીઓ ધગધગે છે, ભીંતો ખરી રહી છે;
પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

- વિવેક મનહર ટેલર
(૦૩/૧૦-૦૮-૨૦૧૦)

1
(નસીબના વાવેતર…           ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

*

બધાના તારા વિશેના ખયાલ નોખા છે.
જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે,

આ દર્દની પળેપળના દલાલ નોખા છે,
અમારા ગીત-ગઝલના કમાલ નોખા છે.

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.

બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.

બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(હરિત સ્વપ્નો…                 ….ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૨૦૧૦)

વહાલાં મિત્રો,

તખ્તા પર ભજવાતું નાટક હંમેશા તાળીઓના ગડગડાટ પામે છે પણ નેપથ્ય હંમેશા અંધારામાં જ રહે છે… લેખક-દિગ્દર્શક-સંગીતકાર-સ્પૉટબૉય અને એક આખી ટીમ આ સફળતાની ખરી હકદાર હોવા છતાં એને એ તાળીઓ મળતી નથી…

મારી કાવ્યયાત્રા અને તમામ ઇતર સાહિત્યિક પ્રવૃત્તિઓ જે મંચ પર ભજવાય છે એના નેપથ્યમાં જે વ્યક્તિ આ તમામની ખરી અને એકમાત્ર હકદાર છે એવી મારી અર્ધાંગિનીની આજે વર્ષગાંઠ છે…

આજના આ દિવસે એને એક ગઝલ પાઠવીને થોડી વાર માટે નેપથ્યમાંથી મંચ ઉપર લાવી રહ્યો છું…

જન્મદિવસની વહાલભરી શુભકામનાઓ, વહાલી વૈ !

*

Vai birthday2

*

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.

યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.

ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !

*

OLYMPUS DIGITAL CAMERA

04_radi radi ne vikheraayi raat
(તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર…           …ઘરનું ગુલાબ, ૦૫-૧૧-૨૦૦૯)

*

ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.

ભલે બધા જ કહે કે ખરાબ કાંટા છે,
જીવનના પ્રશ્નનો સાચો જવાબ કાંટા છે.

રહે છે પાંદડીઓમાં છુપાઈને ખુશબૂ,
જિગર છે કોની ફરે બેનકાબ ? કાંટા છે !

તમે તો બેસી ગયાં સ્વપ્ન રોપવા માટે,
તમે શું જાણો છો, અહીં બેહિસાબ કાંટા છે ?!

બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.

બધી જ વાતમાં ચાલે નહીં આ હડિયાદોડ,
ज़रा संभल के तो चलिए, जनाब ! કાંટા છે.

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું ?
હો દર્દ લાજિમી તો લાજવાબ કાંટા છે.

- વિવેક મનહર ટેલર
(૨૮-૦૮-૨૦૧૦)

*

PA190727
(અમને મહેંકવાના કોડ….                                  …કચ્છ,૧૯-૧૦-૨૦૦૯)

PA252738
(વર્લ્ડ વાઇડ વેબ….                    ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)

*

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

- વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)

*

PA262922
(નિકટ દર્શન…                    ….માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)

PB054175
(Colour of paradise…..            ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

આપ સામે શું રજૂઆત કરું છું એ જુઓ,
પંડને શી રીતે સાક્ષાત્ કરું છું એ જુઓ.

શબ્દમાં કેવો સનેપાત કરું છું, ન જુઓ,
મૌનથી કોને કોને મ્હાત કરું છું એ જુઓ.

ન જુઓ, ક્યાં જઈને બટકી એ કે ક્યાં અટકી ?
વાતની કેવી શરૂઆત કરું છું એ જુઓ.

કામ ધારેલ ઘણી વાર નથી થઈ શક્તાં,
કામ કેવાં હું અકસ્માત કરું છું એ જુઓ.

તુર્ત નિષ્કર્ષ ઉપર આવી જવું ખોટું છે,
ચુપ રહું છું કે પ્રત્યાઘાત કરું છું એ જુઓ.

બધી વાતોની હજી સહુને ખબર ક્યાં થઈ છે ?
કાવ્યમાં શું શું કબૂલાત કરું છું એ જુઓ.

ના જુઓ, રાત-દિવસ એક કર્યા છે કે નહીં ?
કામ બસ આ જ દિવસ-રાત કરું છું એ જુઓ.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૦)

P8149008
(ઝળહળાં જળાશય….                           …શબરીધામ, ૧૪-૦૮-૨૦૦૯)

*

શબ્દની એક કાંકરી ઊડી, આપણા મૌનના જળાશયમાં,
લીલના યુગયુગોના અંધારાં, થઈ ગયાં ઝળહળાં જળાશયમાં.

છાતીના ઓરડામાં ડૂમાઓ કાયમી ઘર જમાવી બેઠા છે,
બારી સહુ મુશ્કેટાટ બંધ સદા, ખુલે બસ, બારણાં જળાશયમાં.

રેતનો એક એક-કણ તળનો ,બસ ! પ્રતીક્ષા અને ઝુરાપો છે,
વાદળો દૂર દૂર ક્યાંય નથી, પાણી પણ છે જ ક્યાં જળાશયમાં ?

પાણી દેખાડું મારું એ પહેલાં પાણી પાણી જ થઈ જવાયું છે,
આપ સામે ફરક રહે જ છે ક્યાં, મારા આશય તથા જળાશયમાં ?

ભેંસની પીઠની સવારીઓ, વડની ડાળીની ચિચિયારીઓ;
કાળના થર ચડી ગયા એ પછી ના જડ્યા ગામના જળાશયમાં ?

પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.

પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.

- વિવેક મનહર ટેલર
(૧૩-૧૦-૨૦૦૯/૧૯-૦૩-૨૦૧૦)

P2074646
(તીડ…                                      ….પંપા સરોવર, ડાંગ, ૦૭-૦૨-૨૦૧૦)

*

સહુ મિત્રોને હોળી તથા ધૂળેટીની રંબેરંગી શુભકામનાઓ…

*

નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ,
નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ.

તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.

તમે પાછાં ફરી જોયું જરી મારી તરફ..
હતી કહેવાની લાખો વાત બાકી, થઈ ગઈ !

શું શબ્દો, સ્પર્શ કે શ્વાસો ? ગુમાવ્યો મેં મને,
બચી જે લાગણીઓ એ અકાકી થઈ ગઈ.

શું બોલે ભરવસંતે વૃક્ષથી ખરનારું પર્ણ ?
હૃદયની ઝંખના સૌ આજ ખાકી થઈ ગઈ…

- વિવેક મનહર ટેલર
(૨૫-૦૩-૧૯૮૯)

Bhagat ane bhagbhagat
(ભગત અને બગભગત….                                            ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(ભગતડો અને બગલો ~ Little cormorant & Little Egret)

*

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૦૧-૨૦૧૦)

Green bee-eaters
(હૂંફ…              …પતરંગો ~ Little Green Bee-eater ~ Merops Orientalis)
(કચ્છ, ઓક્ટોબર-૨૦૦૯)

*

હું સમયનાં આંસુઓની પાળ ઓળંગી ગયો,
આજમાં નિશ્ચલ ઊભો, ગઈકાલ ઓળંગી ગયો.

બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,
હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.

સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.

ત્યારબાદ જ સ્થિર થઈ શક્યો ગઝલના ગામમાં,
મૌન ઓળંગી ગયો, સંવાદ ઓળંગી ગયો.

ગાલગાગા ગાલગા વેઢાં ઉપર ગણતો રહ્યો,
ગણતાં ગણતાં જાગૃતિનાં દ્વાર ઓળંગી ગયો.

કાગળે આજન્મ એને કેદ કરવા ધાર્યો પણ
શબ્દ સરહદ ભલભલી બેબાક ઓળંગી ગયો.

- વિવેક મનહર ટેલર
(૧૨-૦૧-૨૦૧૦)

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

- વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

*
PB053010
(કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી…              …એટલાન્ટા, અમેરિકા, ૦૫-૧૧-૦૯)

PB064510
(ખુશબૂ…                                                             ….ગોવા, નવે, ૨૦૦૮)

*

આજ વર્ષો પછી આપ પાછાં ફર્યાં, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
ચાંદ સો-સો પૂનમનાય ઝાંખા પડ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

નાડ સામાન્ય છે તોય લાગે છે તેજ, આજની રાત શા માટે લાગે વિશેષ ?
આપ શું રાતના શ્વાસમાં તરવર્યાં ? આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

આ ગુફાનો નથી આદિ કે અંત ક્યાંય, અહીં સતત ચાલવું તેય થાક્યા સિવાય,
એક-બે યાદના ફૂલ રસ્તે મળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

આપનું નામ લઈ, આપની યાદ લઈ, આપની વાત લઈ જાગવાનું થયું,
આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો !

-વિવેક મનહર ટેલર
(૨૨,૨૩-૦૬-૨૦૦૯)

(રદીફ સૌજન્ય: શ્રી પ્રહલાદ પારેખ)

OLYMPUS DIGITAL CAMERA
(ઊડતું ઇન્દ્રધનુષ…                         …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

આવનારા હતા ને જનારા હતા,
શ્વાસના બે ઘડીના ઉતારા હતા.

જીવી શકવાનું બાકી હતું દોહ્યલું,
મારનારા હતા, તારનારા હતા.

હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
આ સમયના તો લાખો કિનારા હતા.

શીશી ચાલી ભીતર ભરવા પણ જે મળ્યા,
ઢાંકણા કે પછી ઢાંકનારા હતા.

દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
શબ્દ એકેક એકે-હજારા હતા.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

Bhamardo2
(સીધી લીટીમાં…..                      ….સ્વયમ્, મે-૨૦૦૯)

*

આવે છે તું ‘જાઉં છું’ કહેવાને, દોસ્ત,
શું કહું હું ઘર કે દરવાજાને, દોસ્ત ?

હું મથું કે આગિયાનો સૂર્ય થાય,
તું ગણે છે લાં…બો ઝબકારાને, દોસ્ત.

એ ભમરડાનાં ભ્રમણ છૂટી ગયાં,
કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?

ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,
બેલ્ટ બાંધ્યા છે કે કૂંડાળાને, દોસ્ત?

પગ તળે નિરાંતનો રસ્તો નથી,
મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,
વાંચ, ઇચ્છા હોય તો છાલાને, દોસ્ત !

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૫-૨૦૦૯)

છંદ વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

*

Bhamardo
(કેચ ઇટ…..                                           ….સ્વયમ્, મે-૨૦૦૯)

Sea-eagle
(તીખી નજર…            ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ )

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)

છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

PA312636
(પ્રેમને જો આપણા વહેવું પ્રિયે…           …સ્વપ્નગંધા વેલી, ગોવા, નવે. ૦૮)

*

દોર છે, સાત ગાંઠ છે એમાં,
શું તમારો જ હાથ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.

આ તે દુનિયા છે કે કોઈ ઘડિયાળ ?
માણસો મારમાર છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

‘जिंदगी बोझ बन गयी अब तो’
- હરકોઈ એકરાગ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

આ સફર આખરે તો માથે પડી,
જાત સાથે લગાવ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

મોસમો ઉગ્ર થઈ ગઈ છે બધી,
દોષી શું માત્ર કાળ છે એમાં ?
છે, અમારોય વાંક છે એમાં.

યાદના નહોર ખોતરે છે સતત,
દર્દ આ લાઈલાજ છે એમાં;
છે, અમારોય વાંક છે એમાં.

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૩-૨૦૦૯)

છંદવિધાન : ગાલગા / ગાલગાલ / ગાગાગા (ગાલલગા)

PB022953
(લોહીભીની સાંજ…                                            …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.

છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.

પિંજરમાં આંખના હવે એક જ છે મનસૂબો -
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !

હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.

એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.

સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.

નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

- વિવેક મનહર ટેલર
(૧૩-૦૨-૨૦૦૬)

IMG_0185
(વહી જાય આમ રસ્તો…                                          …ચિતકૂલ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને,
તમારી સ્મૃતિઓની હૂંફ પાછી વાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

સમયની આંખના પલાશવન પ્રજાળીને,
કહો, શું પામ્યા આપ આવવાનું ટાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

હિમાલયોનું માથું ગર્વથી ઊંચું છે કેમ?
મળે શું ગંગા માત્ર બર્ફને પિગાળીને?
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

કહે સડક, તમારી ઉન્નતિથી હર્ષ થાત,
પરંતુ તમને આમ ચાલતા નિહાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

ભલા, કયા પ્રકારની હતી સમાધિ એ ?
કશું ભીતરથી ના ઊઠ્યું બધું ઉજાળીને,
અમારા પગ દુઃખી ગયા પલાંઠી વાળીને.

- વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૦૯)

છંદવિધાન: લગાલગા લગાલગા લગાલગા લગા

PC285261
(વમળના વન….                                                    …તાપી નદી, સુરત, ડિસેમ્બર-૦૮)

ક્યાં સુધી કોઈ એનું સંવર્ધન કરે ?
જાતે જો કો’ જાતને દુશ્મન કરે…

ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
બિંબ પણ સામે વમળના વન કરે.

શી રીતે એ ભૂમિને સૂરજ મળે ?
ધૂળને ફૂલ, આભને ઉપવન કરે !

કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
મોતને જ્યારે કોઈ જીવન કરે.

સાચવે એને શમા પણ ક્યાં સુધી?
બાળવાનું જાતને જે પણ કરે.

*

એટલે તો એ ઠરી દિવાનગી,
પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૯-૧૯૯૦)

૧૯૯૦ના વર્ષમાં લખાયેલી આ એક ગઝલ… કાફિયા-રદીફની સમજણ ત્યારે પાકી નહોતી થઈ. એટલે શક્ય એટલા કાફિયા સુધારીને આ ગઝલ આજે પહેલીવાર અહીં પોસ્ટ કરું છું. પણ આખરી શેરમાં સુધારો કરી ન શકાયો એટલે ફુદડી પછી એને અલગ કરી રહ્યો છું…

Flowers
(આ ઓસ છે કે છે…                                                ….૨૦૦૩)

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૯-૨૦૦૮)

(છંદ વિધાન: લગાલગા લલ ગાગા લગાલગા ગાગા[લલગા] )

આવો

P1273177
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ….            ….સીગલ, નળ સરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.

ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,
ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.

થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.

આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.

અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.

સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૮)

છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા લલગા (ગાગા)

આ ગઝલ જે તરહી મુશાયરામાં સર્વપ્રથમ રજૂ કરી હતી એનો સચિત્ર અહેવાલ લયસ્તરો (કડી:૧, કડી:૨) પર આપ માણી શકો છો અને આ ગઝલ ગનીચાચાની જે પંક્તિના આધારે લખાઈ છે એ મૂળ ગઝલ અને આ ગઝલ વિશે રઈશ મનીઆરનો અભિપ્રાય ટહુકો.કોમ પર માણી શકો છો.)

(રવિવારે, તા. 28-09-2008ના રોજ ‘માય એફ.એમ 94.3′ પર પ્રસારિત થયેલા ગનીચાચાવિશેષ સ્વરગુર્જરી કાર્યક્રમમાં આ ગઝલ રજૂ થઈ હતી જે આપ ટહુકો પર સાંભળી શકો છો.)

_MG_2172
(જરા જરા ઉજાસ…                        …શોજા, હિ.પ્ર. નવે.-2007)

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?
છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?

ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…
…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?

તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,
છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?

કોઈ નથી, કશે નથીની રણને ખાતરી
થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?

મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ
ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?

તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,
ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?

આ મેળે એકલું હજીય લાગતું નથી,
હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?

હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

- વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૦૮)

*

हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?
है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?

चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…
…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?

तू है-नहीं की बात में युगों है अंधियार,
है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?

कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,
उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?

यूँ रात पूरी रात काटने में काटी पर,
कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?

तू भूल गई जो उसी को कर के इस्तमाल
ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?

ये मैले में अकेला लगता क्युं नहीं अभी,
क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?

क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?
मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

-विवेक मनहर टेलर
(१५-०८-२००८)

IMG_0742
(પ્રેમરસ પાને તું…..                   ….ચૈલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

*

પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત.
**

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.

છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.

શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૦૮)

છંદ વિધાન : ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા

(** = આ શેર હાલ પૂરતો આ ગઝલમાંથી રદ કર્યો છે. કાફિયા-દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી અનિલ પરીખનો આભાર. ગઝલમાંથી રદ કરવા છતાં આ શેર પોસ્ટ પરથી હાલ એટલા માટે દૂર કરતો નથી કે વાચકોને ખ્યાલ રહે કે માણસ માત્ર ભૂલને પાત્ર)

PB134857
(જરઠ ઝાડ…                      …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૪-૨૦૦૮)

(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)


(ભલે શૃંગો ઊંચા….                  ….સાંગલા, કિન્નૂર વેલી, નવે.,૨૦૦૭)

કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.

હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.

પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?

એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.

ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા


(પીળું સોનું….                                 …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા


(સાથી હાથ બઢાના….               ….સાંગલા વેલી, કિન્નૂર, નવે.,૨૦૦૭)

‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

આ સમંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની કોશિશ બાકી સૌ હવે નિષ્ફળ મળે.

ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?

ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

-વિવેક મનહર ટેલર
(ફેબ્રુઆરી, ૧૯૯૨)


(નિરાંતનો કસ…                  ….સાંગલા ગામ, હિ.પ્ર., નવેમ્બર-૨૦૦૭)

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)

છંદ-વિધાન: લગાગા | લગાગા | લગાગા | લગા


(ભલે શૃંગો ઊંચા….                 …ચિતકૂલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

નસોમાં ભાવનાના ઊઘડે શું નિત-નવાં આકાશ ?
રુધિરની એની એ ક્ષિતિજ, હૃદયમાં શી નવી ગુંજાશ ?

દુઆઓની કીધા કરવાની મારે વાવણીઓ ફક્ત;
દુઃખોની એની એ મળતી રહે હંમેશની પેદાશ.

મને શી જાણ કે તુજ વાંસળીનો છે નદીમાં અંત ?
મુષક મારા આ દિલના ઊલટું ધારી ચૂમ્યાં’તાં તુજ પાશ.

‘હવે હું છું સુખી’ કહેતાં રડેલી આંખ તું ના દેખ,
દદડવાની છે આદત આંસુને તો જો મળે અવકાશ.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

તરત તૂટી ગયું એ પણ, ઉઠાવ્યું મેં જો સુક્કું પર્ણ;
હું સુક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;
સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ !

નવાં ગીતો સુણાવ્યા હોત મેં પણ પ્યારના ઢગલોક,
નવી બસ એક દીધી હોત મુજને દાદ કોઈ, કાશ !

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૫-૧૯૮૯)

છંદ-વિધાન : લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગાગાગા


(સાંગલા, કિન્નૂર વેલી, હિમાચલ પ્રદેશ…           … નવેમ્બર,૨૦૦૭)

અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
ગમે તે માર્ગ લો… સમુદ્ર સુધી પહોંચવાનું છે !

એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા હું ને તારી સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ફૂટપાથ ચીરશે,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

-વિવેક મનહર ટેલર
(૦૮-૧૦-૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા | લગાલગા | લગાલગા | લગાલગા


(દિપોત્સવી મુબારક અને નૂતન વર્ષાભિનંદન…           …૨૦૦૬)

ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.

સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

કેવું મોટું? આવું? – કહીને દેડકી
જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.

તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.

- વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૦૭)

છંદવિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

(સૌ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. દિપોત્સવી પ્રવાસના અંતર્ગત આવતા શનિવારે આપ સૌને મળી શકાશે નહીં એ બદલ દિલસોજી. નવું વર્ષ આપ સૌ માટે આરોગ્યપ્રદ અને ખુશહાલ નીવડે એવી મનોકામના.)


(કણસલું….                      …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

મને શબ્દ જો મળે રાહમાં, કહું તો હું આટલું કાનમાં;
બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.

આ શરીર યાને જરા હવા કરે આવજાવ વિરાનમાં,
હલે તો હલે કોઈ પાંદડુ, બધું સ્થિર અન્યથા સ્થાનમાં.

સદી ગ્યું છે સદીઓથી પિંજરું, ન પૂછો મજા શી ઉડાનમાં ?
જુઓ બસ, અમારી આ આંખમાં અને સમજી લો બધું સાનમાં.

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

અથવા#

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

-વિવેક મનહર ટેલર
(૧૬-૦૯-૨૦૦૭)

છંદવિધાન : લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા (કામિલ છંદ)

# પ્યારા દોસ્તો,

આ વખતે એક કસરત આપ સૌ માટે… ક્યારેક કવિતા લખતાં-લખતાં કોઈ અકળ મૂંઝવણ થઈ આવે છે અને કોઈક પંક્તિ આપણી ચેતના પર હાવી થઈ જાય છે… ક્ષણ તરફ જવું કે સદી તરફ એ નક્કી ન કરી શકાય. મારે જે કહેવું છે એ આ પંક્તિમાં બરાબર કહી શકાશે કે પછી પેલી પંક્તિમાં એ સમજવું અશક્ય થઈ જાય. આ ગઝલમાં એવી જ કંઈ દુવિધા અનુભવી અને ‘રીડર્સ ચોઈસ’ જાણવાનો વિચાર મનમાં આવ્યો… હું શું કહેવા માંગું છું એ નહીં કહું. આપ આ બે શેરમાં કયા શેરમાં અર્થચ્છાયા વધુ સારી રીતે પકડી શકો છો એ જાણવું છે. બેમાંથી કયું ‘વર્ઝન’ આપને વધુ ગમ્યું એ જણાવો અને જો બંને શેર અયોગ્ય કે અર્થહીન લાગે તો એ પણ બિન્દાસ્ત જણાવજો કેમકે આ વખતે બૉલ આપના કૉર્ટમાં છે…


(પાંદડે પાંદડે મોતી…                           …સપ્ટેમ્બર, ૨૦૦૭)

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૮-૨૦૦૭)

છંદ-વિધાન: ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા


(શીશમહેલ, મહેરાનગઢ….           …જોધપુર, ૨૦૦૪)

હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.

બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.

ઝાંઝવા, તડકા, અરીસામાં રહ્યો,
હું મને શોધી શક્યો ન જાતમાં.

આંખ, હૈયું, મન – બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…

વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે ?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)


(સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી…..        ….૨૦-૦૭-૨૦૦૭)

મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર
(૧૪/૦૭/૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા(લલગા)


(ઉત્તર પ્રવેશદ્વારની કમાન, બૌદ્ધ સ્તૂપ, સાંચી….         …નવેમ્બર, 2005)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !

સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં -
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !

પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

-વિવેક મનહર ટેલર


(બ્લૉગવિશ્વમાં ફરી ડોકિયું….               ….કાચિંડો, મે-૨૦૦૭)

શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?

આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

આંસુથી ‘દઈ વિદાય જ પાછાં વળો’ એ ન્યાયે,
આંખોના પાદરેથી પાછાં વળી જવાયું.

યાયાવરોને જોવા સરવર લગી ગયા સૌ,
આવી ગયા સમૂળગા, સ-મૂળગું અવાયું?

પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

-વિવેક મનહર ટેલર

લગભગ બે મહિના લાંબી રજા ભોગવીને આજે ફરી પોતાના ઘરે પાછો ફરી રહ્યો છું. ધાર્યું હતું કે આ અનિશ્ચિત આરામના અવધિમાં મારી જાતને ભીતરથી ખોતરીશ. મારી ગઝલોમાં જે હજી ખૂટે છે એને શોધવાની અને સુધારવાની કોશિશ કરીશ. નવી ગઝલની આબોહવા સમજવાનો અને શ્વસવાનો યત્ન કરીશ. આજે બે મહિનાના અંતે લાગે છે કે આમાનું કદાચ કશું થઈ શક્યું નથી. મારી જાતને ઓળખવાનું કે મારા સરનામે મારાથી પહોંચવાનું- કશું શક્ય બન્યું નથી. એટલે આ શોધ જારી રહેશે અને સમયની પગદંડી પર ક્યારેક મને મારા ઈચ્છેલા પગલાંની છાપ મળી જશે એવી આશામાં કપાયેલી પાંખ લઈને આ સફર પુનઃ આદરી રહ્યો છું ત્યારે આ સમયગાળામાં મારી “ખબર” લેતા રહેલા આપ્તજનોને કહેવા માટે ગળામાં એક લાગણીભર્યા ડૂમા સિવાય બીજું કાંઈ નથી. આ પ્રદીર્ઘગાળામાં પણ આ એક શ્વાસ કદાચ ભીતર કશું ખોતરી શક્યો નથી, એટલે જ એના નસીબમાં સતત પાછા આવતા રહેવાનું લખાયું હશે ને ! તો લો, આ આવ્યો પાછો…. મળતા રહીશું, ફરીથી શબ્દના રસ્તે… (હવેથી માત્ર દર શનિવારે, નવી અથવા જૂની કાવ્યકૃતિ સાથે!)


(બે ઘડી પોરો ખાઈ લઉં તો કેવું….            …ભરતપુર, 04-12-2006)
(તીતર ~ Grey Francolin ~ Francolinus Pondicerianus)

ખુશ છું કે પડછાયા સૌ લંબાય છે !
દૂ…ર અજવાળું ખરેખર થાય છે.

દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?

ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

એના દિલમાં ચોર આવ્યો એ પછી,
એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.

ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.

યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

-વિવેક મનહર ટેલર


(ચીલઝડપ….           ….સરખેજ રોજા, અમદાવાદ, ૨૭-૦૧-૨૦૦૭)

કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?

તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?

તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?

સાથે રહીને સિદ્ધ કરો, આજીવન છો સાથ
જીવનથી ધારદાર પછી કોણ નીકળે ?

અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે ?

-વિવેક મનહર ટેલર


(ખંડેર કહી રહ્યાં છે…       …સરખેજ રોજા, અમદાવાદ,૨૭ -૦૧-૨૦૦૭)

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

- વિવેક મનહર ટેલર


(ભૂરો ઠસ્સો….                                …રોબિન, ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(Oriental magpie Robbin ~ Copsychus saularis)

*

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

-વિવેક મનહર ટેલર


(રાતનો સૂર્ય….                                             …ભરતપુર, ૦૫-૧૨-૨૦૦૬)
(ઘુવડ ~ Indian Scops-owl ~ Otus bakkamoena)

*

ફરી પાછાં ફર્યાં પાછાં, હજી શું રહી ગયું બાકી?
કે એક ‘ના’થી વીતે છે શું એ જોવા ઝંખના જાગી?

જે ફૂલો આપ્યાં તેં એમાં હતી શું દુનિયાદારી કોઈ ?
છે મઘમઘ આખેઆખું ઘર, મને ખુશબૂ જ ન આવી !

કરચલી જોઈ મારા માથે તારી તું ભ્રમર ન ખેંચ,
વિચાર એકાદ તારો છે ત્યાં સ્થાયી, ખુશ છું હું બાકી.

તને ક્યાં રસ હતો ? છો સાંભળે જગ આખું મારી વાત…
હતો રસ્તો ય સીધો તો તને ઠોકર કઈ વાગી?

અમારો પ્રેમ હો કે શાયરી, સઘળું પ્રણાલિગત,
કશે રીતો નવી શું શ્વાસની અસ્તિત્વમાં આવી?

-વિવેક મનહર ટેલર


(ડાબેથી મંચસ્થ રવીન્દ્ર પારેખ, અમર પાલનપુરી, નયન દેસાઈ અને હું… ૧૭-૦૩-૨૦૦૭)
(મોબાઈલ વડે લેવાયેલ ફોટોગ્રાફની નબળી ગુણવત્તા બદલ ફરીથી ક્ષમાયાચના…. ) 

 માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

- વિવેક મનહર ટેલર

‘નર્મદ સાહિત્ય સભા’, સુરતના ઉપક્રમે ૧૭-૦૩-૨૦૦૭, શનિવારના રોજ શૂન્ય પાલનપુરીની યાદમાં એક તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૂન્યની પંક્તિ ‘દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે’ ઉપર હું ગઝલ લખવા બેઠો ત્યારે અચાનક યાદ આવ્યું કે આ જ છંદ, આજ રદીફ-કાફિયા વાપરીને એક ગઝલ હું આગળ લખી ચૂક્યો છું. એકાદ-બે અપવાદને બાદ કરતાં પરીક્ષાઓમાં તો ચોરી કરવાની નોબત આવી ન્હોતી, પણ આ મુશાયરા માટે મેં મારી આખેઆખી ગઝલ જ ચોરી લીધી, ફક્ત શૂન્યની પંક્તિ ઉપર એક મિસરો જોડી દીધો, બસ! મુશાયરો કેવો રહ્યો એ તો શ્રોતાઓ જ જાણે!


(એમુ….                        ….નેશનલ હાઈ-વે નં. ૮, ૦૪-૦૩-૨૦૦૭)

*

કોઈની ઇચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.

નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.

આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.

નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.

ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.

રોજ સાંજે સ્વપ્નની ગોરજ થઈને આવો કેમ?
આંખને પાદર ગણીને ગામનું તો ના અડો !

જાન ખુશબૂની જશે પાછી ફૂલોના દ્વારથી,
જો મળે નહીં રોકડા ઝાકળનો તાજો વાંકડો.

- વિવેક મનહર ટેલર

(પક્ષીના માથે પતંગિયું: સ્વયમ્ ની શોધ… ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(હુડહુડ ~ Hoopoe ~ Upupa Epops)

ફરી લઈ લીધો મેં આ શાનો સબડકો?
શું યાદ આવ્યું પાછું? થયો જીભે ભડકો.

ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.

મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?

ઊગી આવ્યા શ્રદ્ધાને નામે ઘટાટોપ,
મૂંગા, બહેરા ને અંધ નિર્જીવ ખડકો.

તેં વાઢી લીધો મૂળથી, પાક એ છું,
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

- વિવેક મનહર ટેલર


(પરોઢનો પીળો તડકો….            ….નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(Yellow wagtail ~ Motacilla flava)

*

જાતના દરવાજા ખોલી બહાર ભાગી ગ્યું કશુંક,
શ્વાસ તડકે નાંખ્યા ખુલ્લા ત્યાં તો પીગળી ગ્યું કશુંક.

મસળી, ચોળી, ઝાટકી ઇચ્છા બધી મેં સૂકવી,
એક ટીપું ‘ટપ્પ્’ દઈને ત્યાં જ બોલી ગ્યું કશુંક.

હાથમાં ક્યારે હતી રેખાઓ તારા નામની ?
ધાર સમ ખેંચાણ લાગે છે કે ખેંચી ગ્યું કશુંક.

આભ એનું એ જ, સૂરજ, ચાંદ-તારા એના એ જ,
તો તો નક્કી આ નજરમાંથી જ નીકળી ગ્યું કશુંક.

બાજુમાંના બંધ ઘરનું આંગણું ન હોય એમ
જે મળ્યું રસ્તામાં એ મારામાં નાંખી ગ્યું કશુંક.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

- વિવેક મનહર ટેલર


(ઉડ્ડયન….                       …સીગલ, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.

અનિવાર્ય લાખ છે છતાં રોકી શકો શું શ્વાસ ?
તો આ તો ફક્ત રૂસણું છે… તું હવે તો આવ !

ખેતરમાં ઊગવાને કોઈ ઈચ્છતું નથી,
જ્યાં મૂળ છે ત્યાં ટૂંપણું છે, તું હવે તો આવ.

ઢાળી દીધાં છે ઢોલિયે ખેતર અને આ જાત
બાકી ફકત શિરામણું છે, તું હવે તો આવ.

આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.

ધુમ્મસ પછી તો થઈ જશે દુનિયાનું ખૂબ ગાઢ,
મોંસૂઝણું હજી ઘણું છે, તું હવે તો આવ.

દીધા નથી તેં માપના કપડા કદી, ખુદા !
પણ આ તો મારું ખાંપણું છે, તું હવે તો આવ.

શબ્દો સૂયાણાં છટપટે છે કોરા આંગણે
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ.

-વિવેક મનહર ટેલર

(ટૂંપણું = મૂળમાંથી ચૂંટી નાંખવાનું ઓજાર, ખાંપણું = કફન)


(રાજાપાઠ…                      …કીંગફીશર, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(White Breasted Kingfisher ~ Halycon smyrmensis)

*

હતી ક્યારે છતો, દીવાલ કે કો’ આવરણ ઘરનું ?
અમે તો નામ દઈ દીધું છે, જ્યાં થંભે ચરણ, ઘરનું.

યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું,
છતાં પણ થઈ નથી શક્તું પૂરૂં સ્પષ્ટીકરણ ઘરનું.

ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.

હું તારી સામે જોઉં ને મને પીંછા સમી હળવાશ
અગર લાગે તો સમજી જઈશ, છે આ અવતરણ ઘરનું.

ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,
કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.

રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,
અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું.

હવે ઘરમાં જ દૃશ્યો એવા દેખાતા રહે છે રોજ
કે થઈ ગ્યું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું.

કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?

જતી વેળાએ મેળવવાને તેં લંબાવ્યો જ્યારે હાથ,
હું અવઢવમાં રહ્યો ત્યાં થઈ ગયું હસ્તાંતરણ ઘરનું.*

બની રહે જો ગઝલ તોરણ તો સૂકાતી જશે પળ-પળ,
રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું.

-વિવેક મનહર ટેલર

ચંપાકરણ= ચંપામય
સંક્રમણ=ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ
મહાભિનિષ્ક્રમણ = રાજકુમાર સિદ્ધાર્થની કાયમી ગૃહત્યાગ અને સંસારત્યાગની મહાન ઘટના જેમાંથી ભગવાન બુદ્ધનો જન્મ થયો

* = આ શેર હવે પછીથી આ ગઝલનો ભાગ નથી… અર્થ-દોષ બદલ ક્ષમાયાચના !


(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા…       …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

*

વધતો જશે ધીમેધીમે થોડો લગાવ, લે !
ગમતો નથી છો માર્ગમાં એકે પડાવ, લે !

ઠોકીને છાતી મૂંછ ઉપર દઉં છું તાવ, લે !
હું શબ્દ છું, તું શ્વાસમાં સીવી બતાવ, લે !

બનતા રહે છે હરઘડી કેવા બનાવ, લે !
આ શહેર પાસે કંઈક તો પાણી મૂકાવ, લે !

આપ્યા છે દાંત તેં તો ચવાણું ય આપ તું,
રાખી ગરીબ, પેટે ન અગ્નિ લગાવ, લે !

દિલના ગુનાઓ છે તો દલીલોથી ના જીતાય,
કરવો છે મારે ક્યાં કોઈ મારો બચાવ ? લે !

ગમતો નથી ભલે તને વધતો લગાવ આ,
આવી શકાય તો તું જરા પાસે આવ, લે !

આપી શકું ના એ ય તું માંગી શકે છે તો
ઝૂક્યો બલિ, ઝૂક્યો! ત્રીજું પગલું ઊઠાવ, લે !

તારું કનક જણાઈ જશે, છે સિંહણનું દૂધ,
કાગળ ઉપર આ શબ્દને દોહી બતાવ, લે !

- વિવેક મનહર ટેલર


(બગાસું….                                   ….રણથંભોર, 03-12-2006)

*

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશબૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની ? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ન એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

-વિવેક મનહર ટેલર


(સૂર્યોદય…                                    …ભરતપુર, 05-12-2006)

*

છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.

ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.

લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.

આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.

-વિવેક મનહર ટેલર


(ઠસ્સો…                                          …રણથંભોર, 03-12-2006)
(Rufous Treepie – Dendrocitta vagabunda)

*

પત્રમાં વંચાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ને ભીતર પ્રગટી જે ક્ષણ એ કોણ છે લ્યા, તું કે હું ?

સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?

રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?

ખૂન, ચોરી, લાજ લૂંટવું રોજ છાપે વાંચે તોય
એનું એ રાખે વલણ એ કોણ છે લ્યા, તું કે હું ?

સિગ્નલે થોભેલી ગાડી જૂના કપડાથી લૂછી
હાથ થઈ લંબાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?

લોહી લાવે વિશ્વના ગળફામાં જે એ જંતુના
ચેપનું વધતું ચલણ એ કોણ છે લ્યા, તું કે હું ?

આ ગઝલમાંથી સૂરજ, રણ, ઓસ, ઝંઝા દૂર કર
તોય ના પામે મરણ એ કોણ છે લ્યા, તું કે હું ?

-વિવેક મનહર ટેલર


(તીખી નજર…                                …રણથંભોર, 03-12-2006)

*

હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

તારા વગરની જિંદગીની વાત છે,
લઉં શ્વાસ તો પણ લાગે છે, શ્વસતો નથી.

મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.

હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.

થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.

- વિવેક મનહર ટેલર


(રાજમહેલ….                    ….ડીગ, રાજસ્થાન, 05-12-2006)

*

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દીવાલોને રજૂઆત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

-વિવેક મનહર ટેલર

(જિંદગીનો પથ હજી બાકી હતો…          …ભરતપુર, 05-12-2006)

જોડણીની ભૂલ સમ ખોટા ઠર્યા સંબંધ સૌ,
જે ઘરે પગ આ ગયા, પાછા વળ્યા સંબંધ સૌ.

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ.

મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.

વાસ્તવિક્તા એ જ છે કાયમ, સમય હો આ કે તે
વાલિયાથી વાલ્મિકી વચ્ચે રહ્યા સંબંધ સૌ.

તું ગઈ, પણ કાવ્યને મારા કરી અ-ક્ષર ગઈ,
આપણા યુગયુગ લગી શાશ્વત બન્યા સંબંધ સૌ.

-વિવેક મનહર ટેલર


(રણથંભોરના કિલ્લામાં સ્વયમે શોધી કાઢેલું એક નાનકડું આશ્ચર્ય… 03-12-2006)

*

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.

મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ ફિતૂરી છે.

તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

વિવેક મનહર ટેલર
(ફિતરત=સ્વભાવ, પ્રકૃતિ. ફિતૂરી=બળવાખોર)


(સામા કિનારે…                  …જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

*

દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત એનો આ ખેલમાં દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની મળી નાવ છે.

અમે કંઈ જ સામું કહી ના શક્યા,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બીમારી હતી શી મને મીઠી, યાર?
રુઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

ગુજરતા રહ્યા ટ્રેન સમ સહુ સતત,
સીધો અંતહીન મારો પથરાવ છે.

જીવનનાં પલાખાં ન શીખ્યા કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દી’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

- વિવેક મનહર ટેલર
(02-04-2005)

(મને પાનખરની બીક ના બતાવો… …રણથંભોર, 03/12/2006)

 

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

વિવેક મનહર ટેલર

(ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)

(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત… …રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

- વિવેક મનહર ટેલર

(ક્ષણોના મ્હેલમાંથી…       …રણથંભોર, 03/12/2006)

 

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું…
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ’તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

- વિવેક મનહર ટેલર


(કિલ્લાની રાંગ પરથી…        …સુવર્ણનગરી, જેસલમેર, 2004)

*

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણાં દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચાં-નીચાં થાય,
ગઝલનાં ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

- વિવેક મનહર ટેલર

આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી…ધા 13 ડિસેમ્બરે…મળતા રહીશું, શબ્દોના રસ્તે!

અગર…

(આજનું અજવાળું…                             …સપ્ટેમ્બર, 2006)

 

મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર…

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર…

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

- વિવેક મનહર ટેલર

(ભૌમિતિક મધ્યબિંદુ… … માથેરાન, જાન્યુઆરી,’03)

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

ડૉ. વિવેક મનહર ટેલર


(મારા આંગણનું અજવાળું…                             …ઑક્ટોબર-2006)

*

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

- વિવેક મનહર ટેલર


(બેનરઘટ્ટા નેશનલ પાર્ક….                   ….બેંગ્લોર, ઓક્ટો-2004)

*

શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે,
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે.

કાંઠાઓ વિસ્તારવાની આ ક્ષણે,
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.

જીત કેવળ જીત એની હોય છે,
હારને સ્વીકારવાની આ ક્ષણે.

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

- વિવેક મનહર ટેલર

કદીક


(મારા ઘરનો ટહુકો…                                       …ઑક્ટોબર-2006)

*

શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.

તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.

ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.

વાતમાંને વાતમાં સંગાથ પણ
કેટલો છે એ ન વરતાશે કદીક.

ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?

શબ્દ અક્ષર જ્યોત છે, છો ઝગમગે,
કોડિયામાં શ્વાસ તો ખૂટશે કદીક…

ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
પણ કલમ જો કોઈ પકડાવે કદીક !

- વિવેક મનહર ટેલર


(દિપોત્સવી પર્વ…                     …ઑક્ટોબર,2006)

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે -
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

-વિવેક મનહર ટેલર


(ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ…                                        … સુરત)

*

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક
‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે

-વિવેક મનહર ટેલર

(આદ્યંતે = બંને છેડે. કાફિયાવાળી પંક્તિમાં બંને છેડે રદીફ – એક છેડે ‘વિશ્વાસ’ અને બીજા છેડે ‘હવે’ – રાખીને વિચારની સ્વતંત્રતાને લગીર અવરોધીને ગઝલ લખવાનો એક નાનકડો પ્રયોગ અહીં કરી જોયો છે.)


(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા… …ઉજ્જૈન, નવેમ્બર-2005)

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.

તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?

મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.

નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

- વિવેક મનહર ટેલર


(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય…    … માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

*

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

- વિવેક મનહર ટેલર


(શહીદસ્મારક…                                             … જેસલમેર-2004)

*

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.

જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.

આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દૃશ્ય થઈ મારે છવાવું છે હવે.

હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.

રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.

તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજું ઘમ્મરવલોણું છે હવે ?

હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.

શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?

-વિવેક મનહર ટેલર


(An apple a day…                      …Chennai, September-04)

*

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રૂસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં ?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું ? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઉઠાડવા માટે તું મથશે, હું નહીં ઊઠું.

- વિવેક મનહર ટેલર

સરાણ=ધાર કાઢવાનું યંત્ર.


(પાયકારા ધોધ…                                             …સપ્ટેમ્બર-05)

*

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
ઉઘાડી મુઠ્ઠી ખોબો હાથનો કરવો પડે, યારો !

યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !

દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘા સાથે મિત્રતા એવી અમે, યારો !

થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !

- વિવેક મનહર ટેલર


(ગડીસર તળાવ…                                       … જેસલમેર-2004)

*

ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ,
તમે તરછોડ્યું જેને એ કદી પામ્યું નહીં ફોરમ.

અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.

જીવનના અંતે સમજાયું મને કે સત્ય છે એક જ,
સુખી એ હોય છે, રાખે છે જે દિલમાં અપેક્ષા કમ.

અમે તો ખુદ સહન કીધું છે, એણે માત્ર જોયું છે,
વિચારો, શું થઈશ હું, થઈ ગયો સિદ્ધાર્થ જો ગૌતમ !

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,
વફાના ખાધા જેણે સમ, એ નીકળ્યાં સૌ વિભીષણ સમ.

ગણી જેને નદી મેં મિત્રતાની, એ હતું મૃગજળ,
હતું બાકી, સતત છળતું રહ્યું થઈ બાષ્પ પણ શબનમ.

કહ્યું આપે, ગયા છો હાથ ખાલી લઈ જીવનમાંથી,
મેં ખોલ્યું છાપું તો કોરા બધા પાનાં, બધી કોલમ.

-વિવેક મનહર ટેલર


(ધોધ : ધરતીને ઊગેલું સ્વપ્ન…              …સૌરાષ્ટ્ર, ઑગષ્ટ-03)

*

પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.

તું મોટો છે – શું એ કરવાને સાબિત પૂર લાવ્યો છે  ?
…કે જ્યાં એક લાશ પણ લઈ હાથમાં તરણાં તરી આવે…

અમારા આભ સરખા ઘા ઉપર થીંગડા નહીં ચાલે,
ખબર છે તોય ઇચ્છું છું, તું ચાંદરણાં લઈ આવે.

નિરાશા થાય છે પૃથ્વી ઉપર જન્મી ફરી પાછા,
આ શું કે આદમી કો’ આદમીવરણા નહીં આવે ?

જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.

તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.

આ મારો શબ્દ પણ તારી જ માફક જો હવા થઈ જાય,
તો મારા શ્વાસમા મારાય સાંભરણાં કદી આવે.

-વિવેક મનહર ટેલર


(અક્સ…          વ્હેલી પરોઢનું વિસ્મય , તાજ, આગ્રા, મે’2005)

એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું,
રાતમાંથી જાતને હડસેલું છું.

શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
ધીમે ધીમે એથી એને બાળું છું.

જે સમય તેં આપ્યો, કાંડે બાંધીને
કેન્દ્ર એક જ રાખી કાયમ ઘૂમું છું.

તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.

શ્વાસના હાથોમાં છે શબ્દોનો હાર,
જો, હવે કોને નગરમાં પરણું છું ?

-વિવેક મનહર ટેલર

શબ્દ


(ઈશ્વરનું સરનામું…..                                                             2003)

*

શબ્દ પણ સરનામું બદલે છે હવે,
જ્યાં નથી હું ત્યાંથી આવે છે હવે.

શબ્દ પર મારો પ્રથમ અંકુશ હતો,
ધાર્યું જ એનું એ લખાવે છે હવે.

જે ઘરોબો શબ્દ બાંધી બેઠો છે,
એટલો ક્યાં તારે-મારે છે હવે ?

શબ્દને ક્યારેક ઠપકો આપજો,
રાતભર શાને સતાવે છે હવે ?

શબ્દ ચીરે છે મને ને બુંદ-બુંદ
લોહી કાગળ પર નીતારે છે હવે.

એષણાઓની જ માફક શબ્દનો
ક્યાં કદી કો’ અંત આવે છે હવે ?

શબ્દ મારા શ્વાસના સરનામેથી
અર્થ થઈને બ્હાર નીકળે છે હવે.

- વિવેક મનહર ટેલર


(દીવાબત્તીટાણું…                                     …સુરત, જુલાઈ-૨૦૦૬)

*

કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?

મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?

અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.

વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?

તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે -
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?

મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!

આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.

- વિવેક મનહર ટેલર


(ગણતરીના કલાકોમાં જે પુલને તાપી નદી ગળી ગઈ…08-08-2006)

*

અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.

જીવન તું માંગી રહી છે તો હું વધુ શું કહું ?
અમારું નહોતું કદી એ શી રીતથી દઈશું ?!

છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.

સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં,
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું.

- વિવેક મનહર ટેલર


(અવશેષ, પ્રેમનગરના…                                      …માંડું, નવે-05)

*

યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.

દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,
આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.

દુશ્મન જો હો તો એને બતાવું હું દુશ્મની,
એનું હું શું કરું જે સદા મનના મીત છે ?!

શબ્દો સૂઝે, ન શ્વાસ ! જો, હાલત શું મારી થઈ ?
છે ક્યાંય આવી દોસ્તોમાં વાતચીત ? છે !

તારો ન હોય સાથ તો તો મારે માટે દોસ્ત,
હાર જ છે એ જે વિશ્વની નજરોમાં જીત છે.

સંબંધ આપણો ટકે શી રીતે બાકી તો,
નાજુક હો તો ય તાંતણો વચમાં ખચીત છે.

આ શ્વાસનુંય આવશે ને નાકું એક દિન ?
નિષ્ફળ ન જાય શબ્દ કદી, સાચા મીત છે.

- વિવેક મનહર ટેલર

ખચીત = જરૂર


(પુણ્યસલિલા તાપી….                                       ….જુન-2006)

*

શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.

રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.

શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?

શ્વાસોના તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.

કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.

- વિવેક મનહર ટેલર

ગુડાણું = છુપાવું (અહીં જમીનની અંદર દટાવાના-છુપાવાના અર્થમાં વપરાયું છે)
સાલિયાણું = વાર્ષિક વેતન


(સૌંદયનો અજગર-ભરડો….                              …કેરળ, ફેબ્રુ.-02)

*

અજંપો અજંપો અજંપો નર્યો,
સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.

અમે વેદનાઓનો કાવો કર્યો,
અને જિંદગીને એ પ્યાલો ધર્યો.

તને ઘાનું રૂઝવું શેં ગમતું નથી ?
શું પાછો જવાને તું પાછો ફર્યો ?

ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

શું છે ભેદ તારો, કહે જિંદગી -
હું મરવાને જીવું કે જીવતો મર્યો ?

તું દરિયો હતી કે હતી ઝાંઝવા ?
હું અવઢવમાં, ઈચ્છા ! ભવ આખો તર્યો.

પૂણી શ્વાસની પીંજી શબ્દો રચે,
અમે આયખાનો એ ચરખો કર્યો.

-વિવેક મનહર ટેલર

કાવો=ઉકાળો, કાઢો


(Arise, awake & stop not…      …વિવેકાનંદ રોક, કન્યાકુમારી,ફેબ્રુ’02)

*

હોવાપણાંનો તાગ શું પામી શકાય ?
આકાશના અવકાશને માપી શકાય ?

આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

‘હું કોણ છું?’ આ પ્રશ્નમાં અટક્યા વગર,
આ જિંદગીને એમ પણ માણી શકાય.

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

થઈ પ્રાણવાયુ શબ્દ જ્યાં વહેતા રહે,
એ શ્વાસની સરહદ કદી ત્યાગી શકાય ?

શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જીવ્યો જે એને શું મારી શકાય ?

- વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ શૃંખલાની આ ત્રીજી અને અંતિમ ગઝલ છે. પહેલી બે ગઝલોમાં પ્રશ્નાર્થ બનીને રહ્યા પછી આ ગઝલમા જવાબોની સમીપે સરકવાની કોશિશ કરી છે.


(બુદ્ધં શરણં ગચ્છામિ……        … બૌદ્ધ સ્તુપ, સાંચી, M.P., નવે.-૦૫)

*

હોવાપણાનો ભાર શું ત્યાગી શકાય ?
શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?

હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
શું આપમાંથી આપથી ભાગી શકાય ?

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?

જોવાપણું, ખોવાપણું, રોવાપણું-
હોવાપણાની બ્હાર જો દાગી શકાય !

હોવાપણાની બહારની વાતો કરો,
આ પ્રાણ શું છે ? કાંચળી ! ત્યાગી શકાય.

જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
…એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.

-વિવેક મનહર ટેલર

‘હોવાપણું’ ગઝલશૃંખલાની ત્રણ ગઝલમાંની આ બીજી ગઝલ છે. ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રયોગ આ શૃંખલામાં સૌપ્રથમવાર કરી રહ્યો છું. આપનો અભિપ્રાય હંમેશની પેઠે આવકાર્ય છે.


(12,000 વર્ષ જૂના ગુફાચિત્રો…        …ભીમબેટકા, મધ્ય પ્રદેશ : નવેમ્બર-05)

*

હોવાપણાથી દૂર શું ભાગી શકાય?
અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?

સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય…

જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.

ઇચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.

આ શ્વાસને શબ્દોની એરણ પર ટીપો,
ટક્શે કે તૂટે – પાર તો તાગી શકાય !

એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય…

- વિવેક મનહર ટેલર


(સ્કુબા ડાઈવીંગ….                         ….માલદીવ્સ-ફેબ્રુઆરી-2002)

*

ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.

ભીતર ભલે ને હો હવા, કાયા તો એ જ છે,
ફૂટીને જળમાં ના ભળે એ બુદબુદા નથી.

શ્વાસોના સઢ ફરક્યા પવન શબ્દનો લઈ,
એના વિના આ હોડીનો કો’ નાખુદા નથી.

મારી ગઝલમાં કેમ જીવન મારું ધબકે છે ?
શબ્દો ને શ્વાસ એક છે મારાં, જુદા નથી.

- વિવેક મનહર ટેલર

અર્બુદા=પર્વત (આબુ પર્વત)


(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે…   ..જહાજ મહેલ, માંડુ, નવે-05)

*

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું ?

ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઇચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?

તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?

વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?

ઇચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠા સુખના તો સ્વાદ ક્યાંથી લાવું?

-વિવેક મનહર ટેલર

(અવસાદ = અંત)


(વડવાનલ….                                            ….દમણ-જુન-2006)

*

તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

છે તારા પગમાં આ દુનિયાની બેડી, હું એ સમજું છું,
તું જાણે છે ખરો કે મારે મન તો તું જ છે દુનિયા ?

લૂંટાવી દીધું મેં સર્વસ્વ મારું એ જ વિશ્વાસે
કે તું દેતો નથી કોઈને પણ વચનો કદી ઠાલા.

મેં વડવાનલ ભીતર ધરબી દઈને હોઠ સીવ્યાં છે,
કદી લેવાને મોતી આવશે તું એ જ છે આશા…

ઉદાસી મુઠ્ઠીભર, ખોબો ભરીને રાહ, બે યાદો,
હવે શું આજ છે અકબંધ, વ્હાલા ! મારી કાયામાં ?

હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જન્મી છું,
તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?

સમયના કોશેટામાં જાત મેં ધરબી દીધી મારી,
મળે રેશમ તને શબ્દોનું, મારી એ જ છે ઈચ્છા.

તું મારી યાદને શબ્દોમાં ઢાળી પામે છે કીર્તિ,
હું તારા શબ્દને શ્વાસો બનાવી જીવું રગરગમાં.

-વિવેક મનહર ટેલર

*

(વડવાનલ= સમુદ્રના પેટમાં ભારેલો અગ્નિ)


(પ્રેમના શહેરનો એક સૂર્યાસ્ત….      ….ખજૂરાહો, ઑક્ટોબર-2004)

*

બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.

તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.

જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.

જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.

લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.

કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

- વિવેક મનહર ટેલર


(પાણીની અંદરનું વિશ્વ…                 ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)

*

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

- વિવેક મનહર ટેલર


(અરુણોદય…                               …કન્યાકુમારી, ફેબ્રુઆરી-2002)

*

હું પાડું છું એથી સાદ તને બોલાવવા ભરઉનાળામાં,
ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં.

કેસૂડાં, ગરમાળાં, ગુલમ્હોર – ભડભડ બળે છે સૌ ફૂલોથી,
જે દવ હતો મારે વગડે ભવ-ભવ, રવરવ્યો એ ઉનાળામાં

અંતે તો રોજ જ આવે છે સૂવાને ક્ષિતિજની ગોદ માં એ,
ફરતો રહે સૂરજ છો ને આખી દુનિયામાં અજવાળામાં.

સંવેદના, જડતા- પીગળ્યાં છે સૌ એક નજરનાં તાપથી, બસ!
સૂતો હતો હું તો યુગયુગથી શીતનિંદ્રામાં, હિમાળામાં.

મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,
વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?
લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?

ઊઘલી ગઈ ઈચ્છાની સૌ જાન…. (મારે તો હવે આરામ જ છે),
પીરસ્યાં છે શબ્દો જ્યારથી તેં મુજ શ્વાસ તણાં પતરાળાંમાં.

- વિવેક મનહર ટેલર

*

આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?
આંખો સ્થગિત થઈ ગઈ મારી રવેશમાં.

ફંફોસતો રહ્યો હું જીવનભર અહીં-તહીં,
ખોલ્યાં નયન, હતી તું મારા સંનિવેશમાં.

અંદર જે છે તે આખરે તો આવશે બહાર,
છૂપાઈ શકશે ક્યાં લગી કો’ પહેરવેશમાં ?

જો મૂલ્ય જાણવું હો કોઈનું તો સૌપ્રથમ,
રહેવું પડે બે-ચાર દિ’ શૂન્યોના દેશમાં.

શબ્દોના સૌ શિખર થશે સર ત્યારે શ્વાસની
બાંધીશ છેલ્લી ગાંઠ હું મારા આ કેશમાં.

-વિવેક મનહર ટેલર


(દમણના દરિયાકાંઠે…                       ….03/06/2006)

આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)

-વિવેક મનહર ટેલર

વસ્લ= સમાગમ


(સાદ આંખોના…….               ….જહાજમહેલ, માંડું, નવેમ્બર-05)

*

દાખલા સઘળા આ જીવનમાં કદી ખોટા ન હોય,
પણ બધા માણસને કંઈ મોઢે બધા કોઠા ન હોય.

હાથ ના મેળવ, મળે જ્યારે ટકોરા દઈને મળ,
આંખમાં ઉષ્મા બતાવે ? દિલ તું જો….પોલાં ન હોય !

બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય….

સાદ આંખોના ટકોરા દે છે નજરોને, તું સુણ
જે હો હૈયે એને માટે હોઠે હાકોટા ન હોય.

ક્ષોભ શાનો ? આટલી મોટી સભામાં કોઈ નહિ,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળાં ન હોય.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

તું સદા મારી ભીતર પણ સાવ અળગી અળગી રહી,
જાણે કે જળની જ અંદર કોઈ પરપોટા ન હોય !

શ્વાસનો અંકુશ છે, અટકી જવાની ચીમકી છે,
શબ્દ બાકી મારી જેમ જ ઠાલા બડબોલા ન હોય !

-વિવેક મનહર ટેલર

ઠાલા = નિરર્થક, નાહક
બડબોલા= શેખીખોર

(માથેરાનની લાલ વાદીઓમાં – ટ્રાઈપોડની આંખે, જાન્યુઆરી-03)

તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!

જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે,
તું રોજેરોજ ભર સામાન, હું ખાલી કરું કાયમ.

સમય થઈ શૂળ ભોંકાયા જ કરશે શ્વાસમાં મારા,
ખબર જો હોત, આવી ભૂલ કરતે ના કદી હમદમ.

દુઃખોને નામ-સરનામાં, ધરમ જાતિ નથી હોતાં,
છે સરખાં આર્તનાદો, આંસુના પણ સ્વાદ ચોગરદમ.

કરી ભૂલો જીવનમાં મેં તો એનું તું જ છે કારણ,
ખુદા બક્ષે ન ખુદ માફી, બનાવે એને તું વ્હાલમ્ !

ગઝલમાં તું અને બસ તું જ ઝલકે, રાઝ એનો શો?
જીવનના હોઠ ચૂમવામાં નડે શબ્દોને શું નાનમ ?

-વિવેક મનહર ટેલર

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું કદી શીખ્યા નહીં,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યા નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયના સૌ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ ઘાયલ, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

- વિવેક મનહર ટેલર

અડબંગ= મરજી મુજબ ચાલનારું, જક્કી, હઠીલું.
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
કાફિયા= ગઝલમાં ‘રંગ’, ‘સત્સંગ’, ‘જંગ’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે.

(પાયકારા ધોધ, નીલગિરી પર્વતમાળા-સપ્ટેમ્બર-2005)

માન્યું કહ્યું જે પણ તમે : માનવ છું હું, ઈશ્વર નથી,
પણ પ્રેમ મારો તોય મારી જેમ કંઈ નશ્વર નથી.

મારી વફાદારીનો સિરો કોણ છે એ પ્રશ્નનો,
વિશ્વાસ હો તો ઠીક, બાકી વિશ્વમાં ઉત્તર નથી.

છે ભૂલ એકાદી, જીવન આખું હવે લજ્જિત છે આ,
ધબકાર હો કે શ્વાસ, શંકાથી કશુંયે પર નથી.

મરજી મુજબ વર્તી શકુ? ના-ના, સમય વસમો છે આ,
ઈચ્છાના જીવનમાં સ્વયંવર થાય એવું વર નથી.

એ પ્રેમનો જાદુ છે કે પ્રેમી તણા અહેસાસમાં,
એની પ્રિયાથી વિશ્વમાં કોઈ વધુ સુંદર નથી.

વહેતું રહે છે શબ્દનું ઝરણું સતત એ કારણે
કે હર ગઝલના અંતે જાગે પ્યાસ – ‘આ આખર નથી!’

ડૉ.વિવેક મનહર ટેલર


(મોસમ…                            …..ઉદગમંડલમ, ઉટી,સપ્ટેમ્બર-05)

*

મોસમ બનીને પળમાં વીતી જવું તમારું,
પૂછ્યું કદી ફૂલોને કે શું થયું તમારું ?

જીવનની પીળી ડાળે લીલાશ ફૂટી યાને
આવી જવું અચાનક મોસમ સમું તમારું.

મોસમ કહો તો શું છે ? આંખોના રૂપ નોખાં-
નમવું કે ઊઠવું કે વરસી જવું તમારું.

મારો મિજાજ એક જ છે બારમાસી કાયમ,
મોસમની પેઠે બદલે વર્તન ભલું તમારું.

મોસમનો મહેતાજીએ એવો હિસાબ માંડ્યો,
‘બે પળ અમારી લીધી ? આખું જીવન તમારું’.

ફૂલોની લઈને મોસમ, બસ આવ્યાં એકવાર જ,
ચોર્યાસી લાખમાંથી એક આ થયું તમારું.

શ્વાસોના વૃક્ષ ઉપર શબ્દોના પર્ણ ફૂટ્યાં,
મોસમ ! આ પાણી થઈને વરસી જવું તમારું.

- વિવેક મનહર ટેલર


(ગરમાળો…    …નવી સિવિલ હૉસ્પિટલ કેમ્પસ, સુરત, મે-2006)

*

રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.

-વિવેક મનહર ટેલર


(ચઢાણ…                …બાઝ બહાદુરનો મહેલ, માંડુ, નવેમ્બર- ૦૫)

*

મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ !
છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે.

ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો એ,
સમજાયું, દેહ શૂન્ય છે, ખેંચાણ સઘળું છે.

આગળ ખબર નથી અને પાછળ કશું નથી,
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે.

શબ્દોને વાવ્યા લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યા,
મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.

-વિવેક મનહર ટેલર

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

-વિવેક મનહર ટેલર


(સોમનાથ મહાદેવ, વેરાવળ: 1992)         (ફોટોગ્રાફ: ધવલ શાહ)

*

રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર- વ્યર્થ છે…
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

-વિવેક મનહર ટેલર

છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.

(વહી રહ્યાં છે શબ્દ…          …ધુંઆધારનો ધોધ, જબલપુર, નવે.’૦૪)
*

ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં

સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.

અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

- વિવેક મનહર ટેલર


(એક મનભાવન શામ, તીથલ…                … જાન્યુઆરી-૨૦૦૪)

ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?

વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

-વિવેક મનહર ટેલર


(વૃક્ષ…                                            …..માંડુ, મધ્ય પ્રદેશ, 2005)
*

વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

- વિવેક મનહર ટેલર

ગોવા, મે-2004

બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.

મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.

ડૉ. વિવેક મનહર ટેલર

(એક રણ ભીતર પણ…            ….મરૂભૂમિ, જેસલમેર-2004)

*

એક સૂકાયેલા રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.

ઝૂલ્ફના ચિત્તા સમા ગર્જન થકી,
દિલના થીજી ગ્યાં હરણની વાત છે.

મસ્ત નેણાના નકારે પાશ થઈ
બાંધી દીધેલાં ચરણની વાત છે
.

‘પણકહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.

આંસુના સિક્કા, ગમોની નોટ છે,
પ્યારના નવલા ચલણની વાત છે
.

શબ્દનું ડગ એક ને મંજિલ આ લ્યો….
હોઠ ત્યાં થઈ ગ્યા કળણની વાત છે
!

- વિવેક મનહર ટેલર

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખથી ઉભરાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી મલકાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

-વિવેક મનહર ટેલર

સનમ! તુજ ને કહું હું બેવફા, હિંમત નથી મારી,
હજી લગ ક્યાં મને પણ છે ભરોસો જાત પર મારી.

હતું એજ લાગનું, મુજ ઊર્મિનું છો ઘાસ કચડાયું,
હતી ક્યારે ખડકને ચીરવાની એની તૈયારી ?

આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?

રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,
ફકત ઈતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી.

હવે બુલબુલની દેખી રાહ એ રડતી નથી રહેતી,
પડી રહે છે, ગીતોની માંગ પણ કરતી નથી બારી.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

ડૉ. વિવેક મનહર ટેલર

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયા,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતા.

લખે જો વાનરો તો ઠીક છે, બાકી શિલાઓને
લખીને રામ પોતે ‘રામ’ કંઈ તારી નથી શકતા.

નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતા.

-વિવેક મનહર ટેલર

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

ડૉ. વિવેક મનહર ટેલર

વટવૃક્ષ જેમ આપણું વિસ્તરતું રહેશે વહાલ,
નાંખી દે મૂળ માંહ્યમાં, વડવાઈ થઈને ચાલ.

મડદાંના ચિત્તે વ્યાપ્ત આ શાંતિ ખપે નહીં,
બાળે છતાંય રાખે છે જીવંત આ મલાલ.

અવિભાજ્યતા એ પ્યારની તારી શરત પ્રથમ,
અહીંયા નિયમ છે ગમતાંનો કરતાં રહો ગુલાલ.

પાછી કશીક વાત થઈ ગઈ હશે જરૂર,
પાછી ચણાઈ ગઈ છે આ વચ્ચે ફરી દીવાલ.

મચકોડજો આ મોં પછી દેખી મને મૂંગો,
પહેલાં મને એ તો કહો કે શું હતો સવાલ ?

તારા વિરહમાં મૂઢ થવું લાગ્યું કૈંક કામ,,
સૂંઘીને મૃત્યુ પાછું ગયું, બક્ષ્યો બાલ-બાલ.

તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ,
એ રીતે જડશે મારી કથા, મારી ચાલ-ઢાલ.

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

- વિવેક મનહર ટેલર

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડૉ. વિવેક મનહર ટેલર

એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.

ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.

‘હા’ ભલે પાડી ન, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.

રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.

સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
આશની સાડીમાં લાગી તોઈ નથી હજી.

કોણ જાણે કેમ વર્ષોથી શ્વસે છે આ સમય ?
લાગે છે એણે તને જ જોઈ નથી હજી.

(તોઈ = કસબની કિનારી, ગૂંથેલો છેડો)

- વિવેક મનહર ટેલર

લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.

એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.

આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?

હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

ડૉ. વિવેક મનહર ટેલર

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયા તો પણ સદા દુનિયાની દૃષ્ટિમાં,
ચોર જ હતા ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારા આ હતા મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે કાવ્યમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

- વિવેક મનહર ટેલર

‘સ્થળ’ કહું તો ‘રણ’ મળે,જો ‘જળ’ કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ – જો ‘મળ’ કહો તો ‘ટળ’ મળે !

ભીડ એ રીતે ગળી ગઈ છે નગરનાં લોકને
કે મળો જેને તમે, અંદરથી એ વિહવળ મળે.

શી રીતે ઇન્સાન આ અલગાવવાદી થઈ ગયો?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે.

ઝંખું છું જોવા હું મોંહે-જો-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

ને સમુંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની સૌ કોશિશો બાકી હવે નિષ્ફળ મળે.

ઈચ્છું એ સગપણ લગી ઈચ્છેલી રીતે જઈ શકું,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

કો’ ખભે સર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું,
આયખામાં, કાશ ! એવીયે અદીઠી પળ મળે.

ડૉ. વિવેક મનહર ટેલર

સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.

ભૂલોનો છેદ કાઢીને માંડો નવું ગણિત,
એ રીતે તો આ દાખલો પાછો ગણાય નહિ.

જીવનની કબ્ર તંગ રહી છે સદૈવ, દોસ્ત!
મનફાવે ત્યારે લાશથી પડખું ફરાય નહિ.

જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.

દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.

પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.

મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.

ડૉ. વિવેક મનહર ટેલર

ધબકાર અડધો એ ઘડી-પળ ચૂકી જાઉં છું,
જ્યારે અમસ્તું પ્યારમાં હું જીતી જાઉં છું.

પાણીના બુદબુદા સમું જીવન હવે થયું,
આવ્યો જરા સપાટીએ કે તૂટી જાઉં છું.

તૂટેલી ડાળ છું હું, ફરી જોડી ના શકો,
રોપો ધરામાં તો ફરીથી ઊગી જાઉં છું.

દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?!

હળવાશ જે હતી એ શું સંબંધની હતી ?
તૂટી ગયો એ જે ક્ષણે, હું ઝૂકી જાઉં છું.

છે વાંક એનો શું, જો શિરચ્છેદ મુજ થયો,
હુંજ શિશુપાલની હદો ઉલ્લંઘી જાઉં છું.

તસતસતા ફાટફાટ નગરની આ ભીડમાં,
શોધું છું હું મને ને મને ભૂલી જાઉં છું.

શબ્દો શું મારાં શ્વાસ હતાં ? જ્યાં ખતમ થયાં,
પુરૂં થયું જીવન, હું તો બસ જીવી જાઉં છું.

ડૉ. વિવેક મનહર ટેલર

પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.

વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.

તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.

જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,
કોની લીટી બેમાંથી કહો તો વધારે સીધી છે !

રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!

હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.

હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!


ડૉ. વિવેક મનહર ટેલર

પાંપણો વર્ષોથી શાને સ્થિરતાની આદી છે?
લાગણીની જેમ મારાં સપનાં શું તકલાદી છે?!

ભૂલના ખેતરમાં પાકો નિત સજાનાં ઊતરે,
એ કશું નીંદે ન, પ્રાયશ્ચિત્ત ઘણું મરજાદી છે.

દિલ હવે ક્યાંથી બચે? ફાંસી સજામાં નક્કી છે,
તું વકીલ અને તું જજ ને તું જ તો ફરિયાદી છે.

એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.

દુનિયાના મોજામાં ‘હું’ ને ‘તું’ થયા કાયમ ખુવાર,
રેત જે ભીની રહી એ આપણી આબાદી છે.

સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !

નામ ઇતિહાસે હશે કાલે જરૂર, આજે ખભે
સ્વપ્ન, સગપણ, શ્રદ્ધા – શી શી ગાંસડીઓ લાદી છે?!

શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.

ડૉ. વિવેક મનહર ટેલર

રસ્તામાં ક્યાંક મારી પડી લાશ હોય તો,
આપો ઉછીના ચંદ અગર શ્વાસ હોય તો.

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો !
સુણવાની મૌન ટેવ સૌને, કાશ! હોય તો.

મારા ગુના અતૂટ અફર કેદ થઈ ગયાં,
છટકી શકું દિલે જો બચી પ્યાસ હોય તો.

અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.

સીમા ઉવેખી બેઠા શું સૌ એ જ કારણે?
ફળ અંતે જો મર્યાદાનું વનવાસ હોય તો.

ફરિયાદ બંધનોની નથી, જોર કર હજી,
ઈચ્છા ડગી જશે યદિ ઢીલાશ હોય તો.

મીઠાશ ક્યાંથી શબ્દમાં આવે પછી, કહો!
દુનિયાએ ઠાંસી દિલમાં જો કડવાશ હોય તો.

- વિવેક મનહર ટેલર

સૌ કાજ જે હવા છે, મારો શ્વાસ, બસ! હતી,
ઉચ્છવાસ થઈ જેમાં તું થતી એકરસ હતી.

મોસમ જીવનને હોય, હું ઠૂંઠું છું, મારે તો
એક જ ઋતુ પ્રતીક્ષાની આખું વરસ હતી..

પાડ્યો જરી ઘસરકો કે બસ! દુઃખ નીકળ્યું,
બાકી તો સૌની ચામડી કેવી સરસ હતી !

કાયમ રહી ભલેને આ આંખો અરસ-પરસ,
ભીતર કદી ન ખૂટી એ રણની તરસ હતી.

જીત્યાની છે તને તો દીધાની મને ખુશી,
ચોપાટની રમત, પ્રિયે! કેવી સરસ હતી !

એવું ય નહોતું અંતની જાણ જ હતી નહીં,
હાવી જયેષ્ઠ કુરૂની મન પર ચડસ હતી.

ભીડ્યાં હો શક્યતાનાં ચસોચસ ભલેને દ્વાર,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.

લૂંટ્યો મને, સફળ થયાં લેવામાં પ્રાણ પણ,
પામ્યાં કદી ન શબ્દ જે, કોની જણસ હતી?

- વિવેક મનહર ટેલર

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

-વિવેક મનહર ટેલર

ચાલવા ઇચ્છો તો વચ્ચે પગમાં આંટણ આવશે,
ને હશે કંઠે તરસ તો હાથમાં રણ આવશે.

આ નગરમાં ચોતરફ બસ, એવું ચાલે છે ચલણ,
ભેટવા જાશો તો હડસેલાના સગપણ આવશે.

બંધ મિલની આંખ્યુંમાં એક ધુમ્રરેખા તગતગે,
આવશે, ક્યારેક પાછાં ગાયનાં ધણ આવશે.

સૃષ્ટિમાં છે દૃષ્ટિ સૌની એવી કે નજરો મહીં,
હો ભલે અખિલમ્ મધુરમ્ ખોડ-ખાંપણ આવશે.

એક ઇચ્છા તો ય દિલની અશ્મિભૂત થાતી નથી,
કો’ક હૈયે કો’ક દિ’ મારાં સ્મરણ પણ આવશે.

નેજવું થઈ બારસાખી આંખ પર જીવે રવેશ,
ભાગ્યમાં શું આ ચરણનાં એવા આંગણ આવશે?

છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.

- વિવેક મનહર ટેલર

આપણો પૂરો થયો સંબંધ, ને લ્યો સઘળું બંધ,
શ્વાસ ભીતર રહી ગયા બસ ચંદ, ને લ્યો સઘળું બંધ.

તું ગઈ ને દુનિયા મારી એવી ભારીખમ્મ થઈ,
શીર્ષધરના પણ નમી ગ્યા સ્કંધ, ને લ્યો સઘળું બંધ.

હું કદી તુજ રાહના કંટક હટાવું ના હવે,
ખાધા ના ખાવાના મેં સોગંદ, ને લ્યો સઘળું બંધ.

મિત્રતાની ઢ્રૌપદીના ચીર ક્યાંથી કૃષ્ણ દે?
વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

જીતવાને એક ગઢ, સિર સેંકડો કરવા કલમ,
જીદ્દનો કેવો ઋણાનુબંધ, ને લ્યો સઘળું બંધ.

અંતે પણ તેં ના કર્યા આક્ષેપ, ના કારણ કહ્યાં,
ઝઘડાનો અવકાશ સાવ જ મંદ, ને લ્યો સઘળું બંધ.

આ ગઝલના શ્વાસમાંથી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

-વિવેક મનહર ટેલર

OLYMPUS DIGITAL CAMERA

*

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

- વિવેક મનહર ટેલર

તુજમાં હું સરથી પગ લગી રમમાણ પણ નથી,
તો પણ ગયો છું ક્યાં સુધી એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને બસ,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

છેતરશે તું, ખબર હતી, દીધી જવા તો પણ,
ઉલ્ફતના આ નિયમથી તું અણજાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ બદલ્યો, મને તો એમ,
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સંબંધમાં હવે એવું ઊંડાણ પણ નથી.

હો પ્યારૂં પણ જો હાથથી છોડો નહીં તમે,
આંબી શકે નિશાન જે, એ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ગજ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

- વિવેક મનહર ટેલર

ઝાકળ

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી ઝરે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈ ને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પ ના પાંદ થી ઝરે ઝાકળ.

કાવ્ય હો કે કલમ, ભીંજાયા છે,
મન-વિચારો ને જો અડે ઝાકળ.

- વિવેક મનહર ટેલર

ખીલી ને સોળે કળા એ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાનું કરી તુજને અડે છે ચાંદની.

વગડામાં નક્કી તું થઈ ને વાટ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંઢ્રનાં અરમાન વેરાયાં હશે શું સૃષ્ટિ માં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણી ની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’ થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસ માં મુજ તેજ નો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દ ને મારાં અડે છે ચાંદની.

- વિવેક મનહર ટેલર

રેતી

મરમ જિંદગી નો કહી જાય રેતી,
ચરણરજ બની, સરમુકુટ થાય રેતી.

સતત ઝાલવું, જિદ્દ એ કોને ફળી છે?
સતત હાથ માંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠા ની માટી સમા સૌ,
ઉડે જો જરી ભેજ, થઈ જાય રેતી.

ગયાં તારા સ્પર્શ ના ઊંટો પછી થી,
હથેળી થી દિલ માં ગરી જાય રેતી.

પ્રણય ની વિમાસણ, છે કહેવું ઘણું પણ,
તું સામે હો, પગ થી સરી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
આ ઘડિયાળ માં બસ, સર્યે જાય રેતી.

ડૉ. વિવેક મનહર ટેલર

જ્યાં દિલને થાય હાશ મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ !
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી ?
જૂઠ્ઠાને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

- વિવેક મનહર ટેલર

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં રેતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર 

Powered By Indic IME