![]()
(પ્રેમરસ પાને તું….. ….ચૈલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)
*
પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.
સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત. **
ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.
પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.
છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.
શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.
-વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૦૮)
છંદ વિધાન : ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા
(** = આ શેર હાલ પૂરતો આ ગઝલમાંથી રદ કર્યો છે. કાફિયા-દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી અનિલ પરીખનો આભાર. ગઝલમાંથી રદ કરવા છતાં આ શેર પોસ્ટ પરથી હાલ એટલા માટે દૂર કરતો નથી કે વાચકોને ખ્યાલ રહે કે માણસ માત્ર ભૂલને પાત્ર)