ચંપામાસી

બે દિવસ પહેલાં જ બાળદિન ગયો… એના અનુસંધાનમાં આજે આપણે ચંપામાસીને મળવાનું રાખીએ તો? માસી કેવા લાગ્યા એ કહેવાનું ચૂકશો નહીં… નહિંતર માસીને પાછું માઠું લાગી આવશે, યાદ રહે…

લાગું ને સાવ ચંપામાસી?!


*

માથામાં મણ-મણનું કોપરેલ નાંખ્યું ને ચોટલી બે બાંધી છે પાછી,
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!

મમ્મીના સેન્ડલ ચડાવીને ઘરમાં
હું ટપ્-ટપ્ ચાલું કેવી વટથી;
મોઢા પર લાલી-કાજળના લપેડા
આપણે તો કાયમની મસ્તી,
મમ્મીનો દુપટ્ટો ખોવાયો હોય તો સમજી લો, પહેરું છું સાડી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!

ચાંપલી-ચમેલી કહી પપ્પા ચિડાવે પણ
લાગે ન સ્હેજ મને ખોટું,
પપ્પાને એમ કે હું ભેંકડિયા તાણીશ
પણ ડેડી! આ બચ્ચુ છે મોટુ;
મમ્મી આ ખેલ જોઈ દૂરથીને દૂરથી આપે છે મને શાબ્બાશી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૩-૨૦૧૮)

એક પગમાં મોજું છે ને…

એક પગમાં મોજું છે ને એક પગ છે ખાલી,
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

બીજું મોજું લઈને મમ્મી પાછળ મૂકે દોડ,
એ પહેલાં હું એવી છૂ કે જલ્દી આવે રોડ;
રોડ ઉપરના કંકર-પથ્થર પગને આપે તાલી.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

ખુલ્લા પગને રસ્તો એવી રીતે કરતો ‘હેલો’,
મોજાંવાળા પગને મોજું લાગે છે જમેલો,
કાઢું કે ન કાઢું કરતી ઠેઠથી ઠેઠ લગ મ્હાલી.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

ઘરમાં ઘુસતાં જ મમ્મી ડોળા કાઢતી સામે આવી,
મને જોઈને એનો ગુસ્સો થઈ ગ્યો હવાહવાઈ;
બીજું મોજું કાઢી બોલી: ‘આવ, મારી વ્હાલી’.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫/૨૫-૦૭-૨૦૧૮)

આની છે તોફાની…

રમવા તો જવાની….. તોફાની આની @ Yellowstone National Park

ઠંડી છો ને મોટી છે ને હું છું છો ને નાની,
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

બારી-બારણાં-રસ્તા બધે જ બરફ બરફ બરફ છે,
ડેડી નીકળ્યા સાફ કરવા, કામ કેટલું ટફ છે!
ઘરની બહાર જવા ન દે તું, મમ્મી! કેટલી રફ છે!
ડેડી બનશે સ્નૉ-મેન ને હું સ્નૉ-એન્જલ બનવાની.
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

સ્વેટર ઉપર જેકેટ પહેર્યું, હાથમાં પહેર્યાં મોજાં,
મફલર નાંખ્યું, હૂડી પહેરી, થઈ ગ્યા ગોટમગોટા;
અમને જાવું રમવા ને મમ્મી! તું કહે છે: સો જા!
મમ્મી! તું જોયા કર, હું સરકી જઈશ છાનીમાની.
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૧-૨૦૧૮)

ડેડી બનશે સ્નૉ-મેન ને હું સ્નૉ-એન્જલ બનવાની….. @ Yellowstone National Park

શિકાર થયો શિકારી….


(નન્હે શિકારી….            …આન્યા ભક્ત, ૨૦૧૮)
(છબી સૌજન્ય: જયશ્રી ભક્ત, ટહુકો ડોટ કોમ)

*

માથે શિકારીની ટોપી, પગમાં પહેર્યાં બૂટ,
ટાઇટ પેન્ટ ચડાવી પગમાં, ઉપર જંગલસૂટ,
સૂટની ઉપર મફલર નાંખ્યું, આંખે કાળા ચશ્માં,
ગન મૂકી ખભા પર, અમે નીકળી પડ્યાં વટમાં.

મમ્મી પૂછે, સવાર-સવારમાં ક્યાં ઊપડ્યા બચ્ચુ?
એક નંબરની આઇટમ મમ્મી, કેમનું ખાધું ગચ્ચુ!
શિકારીને રેડી જોઈને ડરી જવાનું હોય
કે પછી ક્યાં ચાલ્યા સાહેબ, એમ પૂછે શું કોઈ?

આઘી ખસ, ત્યાં જંગલમાં સૌ રાહ જુએ છે મારી,
બ્રેકિંગ ન્યૂઝ ફેલાઈ ચૂક્યા છે- આવે છે શિકારી.
વાઘ-સિંહ ને ચિત્તા-દીપડા થઈ ગ્યા ઘાંઘાંવાંઘાં
ને અહીં તું રસ્તો રોકી સવાલ કરે છે પાછા?

હવે તું આઘી નહીં ખસે તો ગન મારી ઊઠાવીશ,
એઇમ લઈને સીધું ગોળી પર ગોળી ચલાવીશ.
મમ્મી થોડી ડાહી હશે તે ખસી ગઈ વચમાંથી,
ઘબ્બ ધબ્બ કરતીકને હું નીકળી જ્યાં ઘરમાંથી,

મેગી કોણ ખાવાનું એવી પાછળથી બૂમ આવી,
આપણે સીધા દોડ્યા ઘરમાં, ગન-ગૉગલ્સ ફગાવી.
શિકારનું આખ્ખુંયે પ્લાનિંગ થઈ ગયું ધૂળ ધાણી,
મમ્મી! તારી મેગીએ તો ફેરવી દીધું પાણી!

લાખ મથે બેટમજી પણ મમ્મી જ કાયમ ફાવી,
શું મારા સૌ મન્સૂબાની એની કને છે ચાવી?
આજે પણ જોઈ લ્યો! મારી ચાલી ન હોંશિયારી;
નીકળ્યો’તો શિકારે પણ ખુદ શિકાર થયો શિકારી.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૬-૨૦૧૮)

દફ્તરને ગુસ્સો આવ્યો….

keLavNi ni kavita_01

*

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત “કેળવણીની કવિતા” પુસ્તકમાં સમાવિષ્ટ મારું કાવ્ય આપ સહુ માટે… (આ સંગ્રહમાં એક બીજું કાવ્ય ભૂલથી મારા નામ સાથે છપાઈ ગયું છે, જો કે એ કવિતા મારી નથી)

ડિસેમ્બર ૨૦૧૧માં આ ગીત લખ્યું ત્યારે એ અડધું-અડધું લાગતું હતું… ગીત તો લખી નાંખ્યું પણ વીસ વરસ પહેલાંનું દફતર અને આજના દફ્તરની વચ્ચેનો એક સેતુ ખૂટતો-તૂટતો હોય એવું અનુભવાતું હતું… સવા વરસ પછી ફેબ્રુઆરી ૨૦૧૩માં અચાનક એ સેતુ રચાઈ ગયો… નવા લખેલા પહેલા અંતરા સાથે આ ગીત ફરી એકવાર… કહે છે ને કે કવિતા ક્યાંક અગોચર જગ્યાએથી આવે છે…!

*

દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું,
વીસ વરસ પહેલાંનું દફ્તર સપનામાં કેમ આવ્યું ?

વીસ વરસ પહેલાંનું દફ્તર – સળેખડું ને સોટી,
રંગ-રંગના વાદળિયાંની ભીતર ભરી લખોટી;
સપનાં ખિલખિલ કરતાં ખેંચે એક-મેકની ચોટી,
ભૂલ થઈ ક્યાં, ક્યારે? આજે પડી ગણતરી ખોટી,
વીસ વરસમાં દફ્તર ક્યાંથી ક્યાં જઈ પટકાયું?

સંતાકૂકડી, ખોખો, લંગડી પાડે છે પોકાર,
શેરી-ગલીઓ-મેદાનો પર કેવો અત્યાચાર ?
પગલાંઓને બદલે શાને રુંધે છે સુનકાર ?
ભાર વિનાનું ભણતર કે ભણતર વિનાનો ભાર ?
ટીવી ને કમ્પ્યૂટર નીચે પગપણું કચડાયું…
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું.

દફ્તરમાં તૂટી ગ્યાં સઘળાં સપનાંઓ ધડુમ…
ટાઇમ-ટેબલ તો રહી ગયું પણ ટાઇમ થયો છે ગુમ;
દફ્તરમાં ઠાંસી છે ચોપડીઓની લૂમેલૂમ,
થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન પાડે બૂમ.
સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફ્તર કેમ પિસાયું?
દફ્તરને ગુસ્સો આવ્યો, એ કોઠીમાં સંતાયું

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૧/ ૧૭-૦૨-૨૦૧૩)

keLavNi ni kavita_02

શિયાળો જ આવ્યો છે ને ?

Swayam Vivek Tailor
(આ કેવું ફરમાન ?     ….સ્વયમ્, લદાખ, ઓક્ટોબર-૨૦૧૩)

*

બાળદિન પર તો આપણે બાળગીત માણીએ જ છીએ… આજે કોઈ પણ વાર-તિથિના ટાણાં વિના જ માણીએ એક બાળગીત… ના…ના… આ બાળગીત ક્યાં છે? આ તો ટીન-એઇજના ઉંબરે હણહણતા તોખારનું એક કુમારગીત… ટીન-એઇજમાં ભીતર હૉર્મોન્સ કેવા ઉછાળા મારતા હોય છે એ આપણે સહુએ અનુભવ્યું જ છે.. પણ એ વયકાળમાં એ ઉછાળા શાના છે એ ક્યાં સમજાતું જ હોય છે? કિશોર કુમાર બને ત્યારે અંદર કેવું તોફાન અનુભવે છે અને એનું શું પરિણામ આવે છે એ આપણે એક ટીન-એજરની જુબાને જ સાંભળીએ…

*

સ્વેટર પહેરી બહાર જવાનું- આ કેવું ફરમાન !
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

શિયાળામાં સ્વેટર-જેકેટ તમે ભલે ચડાવો,
બારી-બારણાં બંધ કરીને ગોદડે જઈ ભરાઓ;
મમ્મી-પપ્પા ! આ બધું તો ઑલ્ડ એઇજમાં ચાલે,
મારા માટે એ.સી. અથવા પંખો ફાસ્ટ ચલાવો,
તમને ચાના હોય, મને તો આઇસક્રીમના અરમાન.
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

મારી અંદર આખ્ખેઆખ્ખો ક્લાસ ચડ્યો તોફાને,
અદબ-પલાંઠી-મોં પર આંગળી ? વાત ન એકે માને;
ઠંડીમાં પણ ગરમી લાગે, છે કેવી ગરબડ ?
ભીતરમાં શું ફાયર-પ્લેસ છે ? ઑન રહે છે શાને ?
તમને આવું થયું જ નહીં ? શું તમે હતાં નાદાન?
શિયાળો જ આવ્યો છે ને કે બર્ફિલું તોફાન ?

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૩)

*

Swayam Vivek Tailor
(ભીતર તોફાન…                      ….સ્વયમ્, લદાખ, ઓક્ટોબર-૨૦૧૩)

જન્મદિન મુબારક હો, બેટા !

Swayam Vivek Tailor

*

અમારા વહાલસોયા સ્વયમ્ ની આજે વર્ષગાંઠ… ટીન-એજમાં બીજું વર્ષ… આમ તો આજનો દિવસ આખો દેશ બાળદિન તરીકે ઉજવે પણ અમારો બાળદિન તો આજે એક જ બિંદુ પર કેન્દ્રિત છે… જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, બેટા… મા-બાપથી સવાયો થાય એ જ શુભકામનાઓ…

*

ઝીણીઝીણી મૂંછ જોઈને હાથ હવે સળવળતા,
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

અવાજ આ મારો જ છે કે ? – શંકા મનમાં થાતી,
પીઠ પસવારી તમે કહો છો, મને ખુલી છે ઘાટી.
ભીતર કૈં કૈં નામ વગરના ઘોડાઓ થનગનતા.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

રોજ સવારે ખભેખભા મેળવીને માપ લઉં છું,
આયનો બોલે, અડધા ઇંચથી ખાઈ જાય છે ગચ્ચુ !
પપ્પા ! ફાસ્ટંફાસ્ટ આ બંદા ઑવરટેક કરવાના.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

શૂઝ અગર ન જડે, નજર તો મારા પગ પર નાંખો,
મમ્મીએ પણ કીધું જ છે કે બેટા, થજે સવાયો,
‘પેંગડામાં પગ ઘાલવો’ એવું આવતું’તું ભણવામાં.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

– વિવેક મનહર ટેલર
(૧૩/૧૧/૨૦૧૩)

*

Swayam n Vivek Tailor

ડરને ખીંટી ઉપર ટાંગી દઈએ…

IMG_0630
(હમ સાથ સાથ હૈ…                     ….સાંગલા, હિ. પ્ર., ૧૬-૧૨-૨૦૦૭)

*

નવેમ્બર મહિનાનું આ આખરી બાળગીત… આપણા બધાના બાળકોને અને આપણી અંદરના બાળકોને અર્પણ…

*

ચાલો ! આપણા ડરને ખીંટી ઉપર ટાંગી દઈએ,
છપાક્…છપાક્ હિંમતના રંગે ઘર રંગાવી દઈએ….

અંધારાના પતંગને, ભઈ ! ખૂબ ઊંચે ચગાવી,
હાથ પાસેથી ‘ખચ્ચ..’ કરીને કાતર દ્યો ખચકાવી;
સ્વપ્નલોકની દીવાલો ઊંચી ઘણી ચણાવી,
દરવાજે દઈ તાળા, પપ્પાને દઈ દઈએ ચાવી,
આપણાં સપનાં આપણી ઇચ્છાથી જ સજાવી દઈએ….

દોરી એ કંઈ સાપ નથી ને હાલે એ સૌ ભૂત ?
ડાકણ શું છે ? દાદીમાના વાળની ઝીણી ગૂંચ;
કાનોના ટેકે સમજણનાં ચશ્માં દો પહેરાવી,
ડરના કાંટે તરત ખીલશે મસ્ત હિંમતના ફૂલ,
રાક્ષસોને પછવાડે ઈંજેક્શન આપી દઈએ…

મમ્મી-પપ્પા! લાગી ન્હોતી તમને કદી શું બીક ?
નાનપણમાં અંધારામાં પાડી ન્હોતી ચીસ ?
આજ દાખલે ભયના ગુણાકાર ભલે મળે છે,
કાલ તો માંડી દઈશું નક્કી સાચેસાચી રીત.
મનની બાલ્દીમાંથી ડરનું પાણી કાઢી દઈએ…

– વિવેક મનહર ટેલર

(નવેમ્બર, ૨૦૦૬)

*

P3216779
(થ્રી મસ્કેટિઅર્સ…                                          …ઉભરાટ, ૨૧-૦૩-૨૦૦૯)

ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ

OLYMPUS DIGITAL CAMERA
(હાં રે મેં તો મારી’તી ફૂંક નંગ એક ને….         …પેંસિલ્વેનિયાના મેદાનોમાં, ૧૩-૦૫-૧૧)

*

નવેમ્બરના આખા મહિના દરમિયાન માત્ર બાળગીતો… બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

*

તાજો તાજો હું બન્યો છું ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ;
મને જોઈને બોલે ક્લાસનું એક-એક બચ્ચુ, ચશ્મીસ ચચ્ચુ,
ચશ્મીસ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ…

નાના મારા ગોળ-ગોળ ચહેરાની ઉપર આ ચોરસ ચશ્મા
ચોવીસ કલ્લાક હાથ મારો ત્યાં જ રહે છે, તું ફોકટ હસ મા.

ચશ્માં ચોરસ તો પણ પૃથ્વી ગોળ છે બચ્ચુ, બોલ કેવી નવાઈ !
આ વાતમાં ટપ્પી સહેજે પડી ના છોને થઈ ગ્યું આ ભેજું ફ્રાઈ.

સ્કોલર જેવો લાગું છું હું સૌ ટિચરને, ફરી ગઈ પથારી,
પ્રશ્ને પ્રશ્ને મારી ઉપર નજર પડે છે, શી હાલત મારી?

રોજ રિસેસમાં ગોલ-કિપર થઈ હું કૂદીને કેચ કરતો બોલ,
સરકે જરા નાકેથી ચશ્માં ત્યાં હવે તો થઈ જાય છે ગોલ.

મમ્મી પપ્પા વાંચવા માટે ફોર્સ કરે ને ત્યારે તો ખાસ,
ચશ્માં ક્યાંક મૂકાઈ ગયાં છે એવું કહી દો થઈને બિન્દાસ !!

પપ્પા રાત્રે ચશ્માં પહેરવા ના દઈને કેવી કરે મિસ્ટેક ?
ચશ્માં હોય તો કેવા ક્લિઅરકટ દેખાય સપનાં એક્કેક !

-વિવેક મનહર ટેલર
(૦૨-૦૪-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(ક્લિઅર કટ…                           …સ્વયમ્, ડેટ્રોઇટ, ૦૧-૦૫-૧૧)

હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

OLYMPUS DIGITAL CAMERA
(આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…               …ડેટ્રોઇટ, મે, 2011)

*

આજે ચૌદ નવેમ્બર… મારા લાડલા સ્વયમ્ નો અગિયારમો જન્મદિવસ….. વળી બાળદિન પણ ! વર્ષગાંઠ મુબારક હો, બેટા !

**

સૂરજદાદા હસતા હસતા આજે મોડા ઊગ્યા,
કિરણ કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા,
ધરતીમાએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું,
ખુશબૂથી ફૂલે ભમરાને ‘આવ અહીં’ એમ કહ્યું,
બ્રાન્ડ ન્યૂ લાગે છે દુનિયા, હું લાગું છું જેમ…
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

પાર્ટી માટે આખ્ખું વરસ રાહ કેમ જોવડાવી?
– ઈશિતા ને શ્વેતા એવો ઉધડો લેતી આવી;
નૈસર્ગી, પર્ણવી, માનુ, દેવ, સમય, અવકાશ,
પ્રહર્ષ, શિમુ, સોનુ આવ્યા, હૈયામાં થઈ હાશ !
રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ.
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

જાતજાતનું ખાવાનું ને ભાતભાતની ગિફ્ટ,
મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ;
આજે છું હું રાજા, આજે મારી છે મનમાની,
આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની,
આજે હું કહું ઊઠ તો ઊઠ ને બેસ કહું તો બેસ.
કેમ ? કેમ ? કેમ ?
કેમ કે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

-વિવેક મનહર ટેલર
(૧૦-૧૧-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(મસ્તી અનલિમિટેડ….                              …અજંટા, નવેમ્બર, 2011)

પપ્પાજીની ચડ્ડી

OLYMPUS DIGITAL CAMERA
(આજના ઇસુ ખ્રિસ્ત…                   …અજંટા, મહારાષ્ટ્ર, ૨૮-૧૦-૨૦૧૧)

*

નવેમ્બર મહિનો એટલે ચાચા નહેરુ અને મારા દીકરાના જન્મદિવસનો મહિનો. બાળદિનનો મહિનો. બંનેનો જન્મદિન ચૌદમીએ આવે છે પણ આ આખો મહિનો બાળગીતો માટે રાખીએ તો ? મોટાઓ માટેના ગીત-ગઝલ તો આપણે ખુલીને માણીએ છીએ. આ મહિને બાળકાવ્યો વાંચીએ અને શક્ય હોય તો આપણા દીકરાઓ સાથે ગાઈને થોડી મજા પણ કરીએ… બરાબર ?

*

પપ્પાજીની ચડ્ડી પહેરી હું નીકળ્યો બજારમાં,
હું પણ મોટ્ટો થઈ ગયો, એ ભારમાં ને ભારમાં.

પહોળી પહોળી ચડ્ડી વાતે વાતે સરકે સરરર સરરર
ચાલું કે ચડ્ડી ઝાલું એ નાના જીવની છે ફિકર.

ધ્યાન રાખું રસ્તા પર તો ચડ્ડી સરકી જાય છે,
ચડ્ડીને સાચવવામાં પગ ડોલમડોલા થાય છે.

એક બિલાડી મ્યાઉં કરીને પાસેથી કૂદી ગઈ,
ગળામાંથી ચીસ, ચડ્ડી હાથેથી છૂટી ગઈ.

બોલો, તમને આવે છે ભરોસો મારી વાત પર ?
નીચેને બદલે મેં મૂક્યા હાથ મારી આંખ પર !

બજાર આખ્ખું ડ્રોઇંગરૂમના ડ્રોઇંગ જેવું થઈ ગયું,
ન હાલે ન ચાલે, જાણે ટિણકી બોલી, સ્ટેચ્યૂ !

મારાથી ભગાયું નહીં ને ચડ્ડી પણ રહી ત્યાંની ત્યાં,
આંખોમાંના સાત સમંદર પૂરજોશમાં છલકાયા.

એવો રડ્યો.. એવો રડ્યો… આંસુઓની આવી રેલ,
બજાર આખ્ખું ડૂબી ગયું, કેવો થ્યો ચડ્ડીનો ખેલ ?!

– વિવેક મનહર ટેલર

(૦૯-૦૯-૦૯)

*

OLYMPUS DIGITAL CAMERA
(આજના બુદ્ધ….       ….બીબી કા મકબરા, ઔરંગાબાદ, ૨૯-૧૦-૧૧)

મારું પ્રથમ કાવ્ય…

થોડા દિવસો પછી આ સાઇટ પાંચ વર્ષ પૂરાં કરશે અને વધુ થોડા દિવસો પછી મારા બે કાવ્ય-સંગ્રહો પ્રગટ થશે… અને આજકાલ મારી અન્ય સાઇટ લયસ્તરો.કોમ પર છ વર્ષની ઉજવણી નિમિત્તે જિંદગીને અગત્યના વળાંક ઉપર આણવામાં મદદરૂપ થનાર કાવ્યોની શ્રેણી -અંગત અંગત- પ્રગટ કરવામાં આવી રહી છે એટલે ઇચ્છા થાય છે કે મારી કાવ્ય-યાત્રાની શરૂઆત જે કવિતાઓથી થઈ એ ત્રણ પૈકીની બે રચનાઓ આપ સહુ સાથે કેમ ન વહેંચું…!!

*

PB100239
(અંદરના અજવાળે….    …સ્વયમ્, હોટલ તવાંગ ઇન, તવાંગ, અરુણાચલ પ્રદેશ, 10-11-10)

*

મારી એ સમયની નોટબુકમાં મેં લખ્યું છે: “તા. ૧૧-૧૧-૧૯૮૦ને દિને ઉમરગામનો પ્રકૃતિને ખોળે ખેલતો દરિયો મને એના કિનારે કાવ્ય રચવાની પ્રેરણા આપી રહ્યો હતો. ૯ વર્ષ, ૭ માસ અને ૨૫ દિવસની ઉંમરે બનાવેલું મારું પ્રથમ કાવ્ય- ‘પ્યારાં પ્યારાં’ !!”

પૃથ્વી જેમની માતા,
ને સૂર્ય જેમના દાદા;
એવાં બાળકો લાગે મને પ્યારાં પ્યારાં…

પૃથ્વીનો જે ભાઈ,
ને સૂર્યનો જે પુત્ર;
એવા ચાંદામામા લાગે મને પ્યારા પ્યારા…

*

અને એ જ દિવસે રચેલું મારું ત્રીજું કાવ્ય-

*

ચીં ચીં ચીં ચકલી બોલે,
કાગડો બોલે કા કા કા;
તોફાની દરિયો બોલે,
લાવ તને હું તાણી જાઉં…. ચીં ચીં ચીં…

ઘૂ ઘૂ ઘૂ પારેવડાં બોલે,
સિંહ બોલે ઘુરરર…ઘુરરર;
જંગલી પ્રાણી વાઘ બોલે,
લાવ તને હું ખાઈ જાઉં…. ચીં ચીં ચીં…

ભઉ ભઉ ભઉ કૂતરો બોલે,
કોયલ બોલે કૂ કૂ કૂ;
મારા મનના વિચાર બોલે,
લાવ એકાદ હું કાવ્ય બનાવું… ચીં ચીં ચીં…

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૧૯૮૦)

આજે ત્રીસ વર્ષ પછી આ કાવ્યો વાંચતા મને આશ્ચર્ય થાય છે. પાંચમા ધોરણમાં ભણતા એક છોકરાને ગીતનું બંધારણ, લયનો કાચો ખ્યાલ, પ્રાસરચનામાં શક્ય વૈવિધ્ય અને કાવ્યાંતે આવવી જોઈતી ચોટનો વિચાર કેવી રીતે આવ્યો હશે ! કાગડા-ચકલી-કોયલ અને કબૂતર તો નાના બાળકના મનમાં બોલે જ પણ દરિયો બોલે, વાઘ અને સિંહ બોલે એવો ખ્યાલ શી રીતે એ સમયે મગજમાં જન્મ્યો હશે ! અને મનના વિચારો કાવ્ય રચવાનું ‘બોલે’ એ વિચાર પર નજર નાંખું છું તો મને પોતાને મારી જાત પર વિશ્વાસ નથી આવતો…

*

PB079066
(નહીં માફ નીચું નિશાન…           સ્વયમ્, દિરાંગ, અરુણાચલ પ્રદેશ, 7-11-10)

પપ્પા છે દુંદાળા

OLYMPUS DIGITAL CAMERA
(સુપરમેન….          …તવાંગ જતાં રસ્તામાં, અરુણાચલ પ્રદેશ, 8-11-2010)

*

ગયા રવિવારે ‘બાળદિન’ના રોજ મારા લાડકા સ્વયમ્ ની દસમી વર્ષગાંઠ ગઈ. પ્રવાસ દરમિયાન નેટ અને ફોન – બંને સુવિધાઓથી વંચિત રહેવાવાના કારણે એના જન્મદિવસની ભેટ રૂપે આ ગીત મૂકી શકાયું નહોતું. ગઈકાલે જ ફેસબુક પર મારો તાજો ફોટો જોઈ એક મિત્રે કહ્યું કે હું બહુ જાડો થઈ ગયો છું અને મને આ ગીત યાદ આવી ગયું…

*

પપ્પા છે દુંદાળા, મારા પપ્પા છે દુંદાળા

પપ્પાજીની સાઇઝનું પેન્ટ મળે ન કોઈ દુકાને,
લેવો પડે આખ્ખો તાકો પેન્ટપીસના સ્થાને,
ટેપ ખરેખર ટૂંકી છે કે દરજી કરે ગોટાળા ?
મારા પપ્પા છે દુંદાળા…

પપ્પાનો ખાવાનો ક્વૉટા હાથીને શરમાવે,
દૂધ-જલેબી-ખમણ-ફાફડા, જે આપો એ ચાલે.
રસોઈયા થાકી-હારી દર મહિને ભરે ઉચાળા.
મારા પપ્પા છે દુંદાળા…

રોજ સવારે બેડ-ટી માટે ટેબલ શું શોધવાના ?
કપ-રકાબી લઈને સીધા ફાંદ ઉપર મૂકવાના;
દંગ થઈ વિચારે પપ્પા, એ આ માટે ફાંદાળા ?
મારા પપ્પા છે દુંદાળા…

કદી ક્રિકેટની ગેમમાં પપ્પા રન-આઉટ ન થાય,
પપ્પાથી પહેલાં તો ક્રિઝમાં ફાંદ પહોંચી જાય;
એમની ફાંદ પર સ્કૉર લખીને હું માંડું સરવાળા.
મારા પપ્પા છે દુંદાળા…

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૬-૨૦૧૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(પપ્પા છે દુંદાળા……            …કાઝીરંગા અભયારણ્ય, આસામ, 15-11-2010)

પપ્પા બદલવા નથી…

P7117020
(એકાગ્ર…                       …..સ્વયમ્, ઝરવાણી ગામ, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

*

શેઠ જી ! પાછા પેક કરી દો, મારે એ જોઈતા નથી,
જૂનાથી જ ચલાવી લઈશ હું, પપ્પા બદલવા નથી.

આંખ કાઢીને, ત્રાડ પાડીને
પપ્પા મને ભણાવે છે;
પણ નંબર પહેલો આવે તો
છાતી કોણ ફુલાવે છે ?
પપ્પા કડક ન હોય તો બંદા જાતે તો ભણતા નથી.
પપ્પા બદલવા નથી.

રાત પડ્યે લાખ બહાનાં કાઢે
પણ વારતા તો કહેવાના;
એમની તો ભઈ, સ્ટાઇલ જ એવી કે
આપણે કરગરવાના.
જુલે વર્ન શું ? કોનન ડૉઈલ શું? કોઈના કંઈ ગજા નથી…
પપ્પા બદલવા નથી.

નાની નાની વાતમાં પપ્પા
મારું કેવું રાખે ધ્યાન ?
હું નાનો ને નબળો છું તોય
હું મને લાગું બળવાન.
કુસ્તી કે ક્રિકેટ કે પત્તા – એ કદી જીતતા નથી.
પપ્પા બદલવા નથી.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૦)

*

PA312559
(તલ્લીન…                  … સ્વયમ્, વીલ્ડરનેસ રિસૉર્ટ, ગોવા, ૩૧ -૧૦-૨૦૦૮)

મારે પપ્પા બદલવા છે…

P7106653
(જીવન નામે પરપોટો…                           …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

*

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે  શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

*

PB033648
(લાખેણું સ્મિત…                     …સ્વયમ્, કારવાર, ગોવા, ૩-૧૧-૨૦૦૮)

*

(મારી વહાલસોયી ભાણજી -શિમોલી અને ભાણેજ-પ્રહર્ષને એમના જન્મદિવસ નિમિત્તે સસ્નેહ ભેટ)

ભલે ને આયો ઉનાળો, મમ્મી !

PB043805
(સ્વયમ્ અને વૈશાલી….               ….કારવાર, કર્ણાટક, નવેમ્બર-૨૦૦૮)

*

ભલે ને આયો ઉનાળો, મમ્મી ! ભલે ને આયો ઉનાળો..

મમ્મી, તું તો આખ્ખા વર્લ્ડનું
બેસ્ટમ્બેસ્ટ છે એ.સી.;
તારા વહાલના કૂલિંગ સામે
બધ્ધા એ.સી. દેશી,
તું અડકે ને અળાઈ ભાગે, પાવડર તો કાંટાળો.

તરબૂચ, શરબત, આઇસક્રીમ, શાવર
તું કેટલું લઈ આવે !
ગરમીની સામે લડવાનું
તને તો જબરું ફાવે.
શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો.

મમ્મી, તું તડકો વેઠે
પણ મને તો આપે છાંયો,
તારી ઠંડી હૂંફ જોઈને
સૂરજ પણ શરમાયો.
મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો !

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૫-૨૦૧૦)

*

Fun2
(રેત મર્દન….                                                     …ઊભરાટ, મે-૨૦૧૦)

ઊડે છે વિમાન મારું

PA179854
(જન્મદિન મુબારક હો, સ્વયમ્…                 ….લોથલ, ૧૮-૧૦-૨૦૦૯)

*

(આજે ચૌદમી નવેમ્બર… ભારત દેશ એને બાળદિન તરીકે ઉજવે… વિશ્વભરના તબીબો વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે અને હું મારા એકના એક દીકરા ‘સ્વયમ્’ના જન્મદિવસ તરીકે… )

*

ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…
ઊંચે ઊંચે વાદળોમાં ધૂમ મચાવે ધૂમ…

એક સેકન્ડમાં લંડન લઈ જાય, બીજી સેકન્ડે ઇન્ડિયા,
સપનાંની પાંખે બેસાડી, ચલો, ફેરવું દુનિયા;
ટિકીટના બદલે મસકાંની હું લઈશ લૂમેલૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…

રંગબેરંગી પતંગિયા છે ઍર-હૉસ્ટેસના સ્થાને,
મધ, ચૉકલેટ ને લીંબુ-પાણી મળશે સહુ બચ્ચાંને;
પેપ્સી-કોક નથી મળવાના, છો ને પાડો બૂમ.
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…

ભાર વગરની સમય-સારણી ઘડી છે હોંશે હોંશે,
રવિવારથી ફ્લાઇટ ઉપડે, રવિવાર પર પહોંચે;
વચ્ચેથી ભણવાનું આખું અઠવાડિયું છે ગુમ !
ઊડે છે વિમાન મારું ઝીપ્પ્… ઝેપ્પ્… ઝૂમ…

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૦૯)

પપ્પાની પથારી…

PB043846
(બુંદ-બુંદમાં જીંદગી…                                 …સ્વયમ્, ગોવા, નવે., ૨૦૦૮)

*

{સપ્રેમ અર્પણ : મારા પપ્પાને એમની ત્રીજી પુણ્યતિથિ પર.  ( જુઓ,  આઈ લવ યુ, પપ્પા) }

*

પપ્પાની પથારી પોચી પોચી ને મજાની,
એના પર લંબાવવા એમની રજાય નહિ લેવાની.

પપ્પાની છાતીની હોડી
ઊંચીનીચી થાય;
અંદરથી પાછાં હૂ-હૂ-હૂ-હૂ
હાલરડાં સંભળાય.
ટપલી મારે, હાથ ફેરવે, સંભળાવે કહાની.
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની.

“પપ્પા ! પપ્પા !! અંદર કોઈ
બોલે છે ધક્- ધક્”;
” એ તો મારું હાર્ટ છે, બુદ્ધુ”
– હસ્યા પપ્પા ખડખડ.
પણ મને આદત છે ‘ટીબુ’ ‘ટીબુ’ સાંભળવાની.
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની

પપ્પા જેવું નરમ ગાદલું
એક્કેય ક્યાં છે ઘરમાં ?
પપ્પાની ગરમીમાં ડૂબી
હુંય વિચારું મનમાં:
મજા પડશે મોટા થઈને પથારી બનવાની !
પપ્પાની પથારી પોચી પોચી ને મજાની

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૭-૨૦૦૯)

*

P8149478
(ધ્યાન…                                             …ચનખલ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

પપ્પા ! થઈ ગયો હું મોટો…

P5168430
(ઔર યે લગા છગ્ગા…..            ….સ્વયમ્, સાપુતારા, ૧૬ મે, ૦૯)

*

આજે એક બાળગીત… અને સાથે જ એક નાનકડું વેકેશન… જલ્દી જ ફરી મળીશું…

*

મસ્ત મજાનો લાગું છું ને, પાડો મારો ફોટો !
પપ્પા ! થઈ ગયો હું મોટો…

આયનો નજરે ક્યાંય ચડે તો
પગને લાગે બ્રેક;
વાળ બરાબર છે ને મારા,
નજર કરી લઉં એક.
આયનો જાણે પાણી છે ને હું જાણે પરપોટો.
પપ્પા ! થઈ ગયો હું મોટો…

મોબાઈલ માંગું ગેમ રમવા,
મેસેજ વાંચી કાઢું;
મિસ્ડ કૉલ્સનાં લિસ્ટ જઈને
મમ્મીને હું આપું.
મારી આ જાસૂસગીરીનો જડે બીજે શું જોટો ?
પપ્પા ! થઈ ગયો હું મોટો…

કમ્પ્યુટર પર તમે તો ,પપ્પા !
ફાંફા મારો કેવળ;
પાર કરું હું એક-એક ગેમનાં
લેવલ ઉપર લેવલ.
ને તોય તમે ધધડાવ્યે રાખો મને જ ખોટ્ટમખોટ્ટો.
પપ્પા ! થઈ ગયો હું મોટો…

-વિવેક મનહર ટેલર
(૨૨-૦૬, ૦૨-૦૭-૨૦૦૯)

P5168638
(પાડો મારો ફોટો….                                         ….સ્વયમ્, સાપુતારા, ૧૭ મે, ૦૯)

चन्दामामा

PB033358
(ડાઘ…                             …દેવબાગ, કર્ણાટક, નવે.2008)

नटखट नन्हा चन्दामामा बोला धरतीमा से,
बाल रामने माँगा मुझको, स्कूल न जाउँ कल से ।
बाल रामजी अडे हुए है, अपनी ज़िद्द पर डँटे हुए है,
चन्दा दे दो, चन्दा दे दो, इसी बात को रटे हुए है ।

धरतीमाँ ने बडे प्यार से चन्दा को समझाया,
रामचन्द्र तो खुद ईश्वर है, राज़ ये उसे बताया ।

एँ एँ एँ एँ कर के रोया चन्दा तो बल खा के,
दौडा, भागा, रुका सूरजदादा के संग जा के ।
सूरजदादा सूरजदादा,
बाल राम ने मुज़ को माँगा;
मैं हूँ नन्हा मुन्ना बच्चा,
बडा अभी है मुझ को बनना;
मैं अगर स्कूल जाउँगा,
राम मुझे खा जायेगा ।

दादा ने भी खूब समझाया,
चन्दा की कुछ समज़ न आया ।
रुठ गया वो, भाग गया वो, दूर गगन में उँचे उँचे,
आँख मींच के अकड गया वो, होंठ ज़ोर से भींचे भींचे ।

इधर थाली में दूध डालकर कौशल्या ने चाँद दिखाया,
बाल राम तो चाँद देखकर खिल खिल खिल खिल खूब मुसकाया ।
भींचे होंठ मगर चन्दा के भींचे ही रह गये हंमेशा,
गोरे मुख पर काले धब्बे इसीलिए दिख रहे हंमेशा ।

-विवेक मनहर टेलर

મારા લાડકા સ્વયમ્ ની આજે આઠમી વર્ષગાંઠ અને બોનસમાં બાળદિન પણ… એટલે એક બાળગીત -પાબંદ નઝમ- મારા લાડકાને વર્ષગાંઠની ભેટરૂપે અર્પણ!)

*
PB054137
(દરિયાના મોજાં વચ્ચે સેન્ડવીચ…         …સ્વયમ્, ગોવા, નવે.2008)

*

PB054148
(નકરો નફકરો નિજાનંદ…               …સ્વયમ્, ગોવા, નવે.2008)

ગોદડાંમાં શું ખોટું?


(……                   …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

મમ્મી  બોલી,  ઠંડી  આવી,  સ્વેટર  પહેરો  મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની   અંદર   હું   કેવો   મસ્તીથી  આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં  તો  છોટુ  થઈને   રહેશે   ખાલી  છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

ડર, મારા ડર ! તું મારાથી ડર


(ગુલાબી ઠંડીમાં…       …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

ડર, મારા ડર ! તું મારાથી ડર,
ઝટ્ટ્… પટ્ટ્… ફટ્ટ્… મારા દિલથી નીકળ

મોટો ભા બનીને
                          નાના બચ્ચાને ડરાવે ?
મુઠ્ઠી હિંમત લાવું તો
                  શાને તું દૂર ભાગે?
    કર, થોડી કર, થોડી શરમ કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

અંધારામાં શું તું મારા
                      હાથ-પગ આ ખાશે ?
એ બ્હાને તો ચાલ ને,
                         તારું મોઢું તો દેખાશે !
             છે જ નહિ તો હોવાનો તું ઢોંગ ન કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૧-૨૦૦૬)

સાબુભાઈની ગાડી


(……                     …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

(હિમાચલ પ્રદેશના પ્રવાસની ધમાલમાં ચૌદ નવેમ્બર, બાળદિનના નિમિત્તે અને મારા લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠ પર એક બાળગીત મૂકવાનું ચૂકાઈ ગયું. એની સજારૂપે એક બાળગીત આજે અને એક આવતા શનિવારે પણ…)

વરસાદની મોસમ છે…


(મોસમ વરસાદની…..                ….સ્વયમ્, જુન-૨૦૦૬)

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

-વિવેક મનહર ટેલર

મનજીભાઈ…


(મારા મનજીભાઈ…                                                સ્વયમ્…2005)

*

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા…

મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
પણ કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પાછું એના વિના તો નક્કામા સૌ સરનામા…

-વિવેક મનહર ટેલર

ચૌદ નવેમ્બર…ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ… મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત… અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે… જન્મદિન મુબારક હો, બેટા !